ફિલ્મમેકર સાથે હિટ ફિલ્મો આપી ચૂકેલા સંગીતકાર ઇસ્માઇલ દરબારે તેમની વચ્ચે થયેલા અણબનાવ વિશે પણ સ્પષ્ટતા કરી
ઇસ્માઇલ દરબાર અને સંજય લીલા ભણસાલી
ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી અને સંગીતકાર ઇસ્માઇલ દરબારે ‘હમ દિલ દે ચુકે સનમ’ અને ‘દેવદાસ’ જેવી ફિલ્મોમાં ઘણાં હિટ ગીતો આપ્યાં છે. જોકે પછી આ જોડીમાં ભારે મતભેદ થઈ ગયો છે. એ વિશે વાત કરતાં ઇસ્માઇલ દરબારે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મને સંજય લીલા ભણસાલી ૧૦૦ કરોડ રૂપિયા આપશે તો પણ હું તેની સાથે કામ નહીં કરું.
ઇસ્માઇલ દરબારે હાલમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘અમે પહેલી વાર ‘હમ દિલ દે ચુકે સનમ’ પર કામ શરૂ કર્યું ત્યારથી જ મને ખ્યાલ આવી ગયો હતો કે અમે બન્ને કામના મામલે બહુ જિદ્દી છીએ. હું ક્યારેય કોઈ વાત પર આંખ બંધ કરીને હા નથી કહેતો. જો મને કંઈક ખોટું લાગતું તો તરત જ બોલી દેતો. હું હંમેશાં સ્પષ્ટ હતો કે મને શું પસંદ છે અને સંગીત કેવું હોવું જોઈએ. ‘હમ દિલ દે ચુકે સનમ’ અને ‘દેવદાસ’ બન્ને ફિલ્મોમાં મેં દિલથી મહેનત કરી, પરંતુ જ્યારે પણ મારાં વખાણ થયાં ત્યારે એ વાત સંજય લીલા ભણસાલીને ખટકતી હતી. તેને એવું લાગતું હતું કે હું તેની મહેનતની ક્રેડિટ લઈ રહ્યો છું.’
ADVERTISEMENT
સંજય લીલા ભણસાલી સાથેના મતભેદના કારણની ચર્ચા કરતાં ઇસ્માઇલ દરબારે કહ્યું હતું કે ‘મેં સંજય લીલા ભણસાલીની મહત્ત્વાકાંક્ષી વેબ-સિરીઝ ‘હીરામંડી : ધ ડાયમન્ડ બઝાર’ માટે ફરીથી તેની સાથે હાથ મિલાવ્યો. મેં પ્રોજેક્ટ પર લગભગ દોઢ વર્ષ સુધી કામ કર્યું, પણ જ્યારે એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે આ સિરીઝમાં ઘણા સ્ટાર્સ હોવા છતાં એનો સૌથી મજબૂત ભાગ ઇસ્માઇલ દરબારનું સંગીત છે ત્યારે વાત બગડવાની શરૂઆત થઈ. સંજયને લાગ્યું કે આ સમાચાર મેં જાતે પ્લાન્ટ કર્યા છે. એ પછી અમારી વચ્ચે આકરી ચર્ચા થઈ અને પછી મારે ‘હીરામંડી’ છોડવી પડે એવું થાય એ પહેલાં જ મેં જાતે ‘હીરામંડી’ છોડી દીધી. જો આજે સંજય મને ફિલ્મનું સંગીત આપવા માટે ૧૦૦ કરોડ રૂપિયાની ઑફર આપે તો પણ હું તેને દરવાજો દેખાડી દઈશ.’


