ઇમરાન ખાને હાલમાં એક ઇન્ટરવ્યુમાં પોતાની કરીઅરની શરૂઆતના દિવસોની વાત કરતાં એક રસપ્રદ કિસ્સો શૅર કર્યો
ઇમરાન ખાન
આમિર ખાનના ભાણેજ ઇમરાન ખાને હાલમાં એક ઇન્ટરવ્યુમાં પોતાની કરીઅરની શરૂઆતના દિવસોની વાત કરતાં એક રસપ્રદ કિસ્સો શૅર કર્યો છે. ઇમરાને જણાવ્યું કે રોહિત શેટ્ટીએ પોતાની સુપરહિટ ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસ’ માટે તેનો સંપર્ક કર્યો હતો. જોકે પછી આ ફિલ્મ શાહરુખ ખાને કરી હતી અને એને જબરદસ્ત સફળતા મળી હતી. ઇમરાને કહ્યું હતું કે ‘જાને તૂ યા જાને ના’ને જબરદસ્ત સફળતા મળી હતી અને ત્યાર બાદ ઘણા ડિરેક્ટર્સ મને પસંદ કરવા લાગ્યા હતા. આ દરમ્યાન રોહિત શેટ્ટીએ મને ‘ચેન્નઈ એક્સપ્રેસ’ની ઑફર આપી હતી. ફિલ્મને લઈને બન્ને વચ્ચે ઘણી ચર્ચાઓ થઈ હતી, પરંતુ અંતે વાત આગળ વધી નહીં. અમારી અનેક મીટિંગ્સ થઈ હતી, પરંતુ ક્રીએટિવ રીતે અમારી વિચારધારા મળતી નહોતી.’
‘ચેન્નઈ એક્સપ્રેસ’માં કામ ન કરવાના પોતાના કારણ વિશે વાત કરતાં ઇમરાને કહ્યું હતું કે ‘જ્યારે રોહિતે મને ફિલ્મની વાર્તા સંભળાવી ત્યારે સાંભળવામાં ખૂબ મજા આવી. મને સમજાઈ રહ્યું હતું કે રોહિત કઈ પ્રકારની કૉમેડી બનાવવાની કોશિશ કરી રહ્યો છે અને એ ખરેખર ફની હતી. જોકે અંદરથી મને લાગ્યું કે હું આ રોલ માટે યોગ્ય નથી અને એમાં ફિટ નહીં બેસું. આ કારણોસર જ મેં ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી.’


