જિયા ખાન સાથેનો સંબંધ થોડા સમયનો હોવાનું તેણે જણાવ્યું
સુરજ પંચોલી
આદિત્ય પંચોલીના દીકરા સૂરજ પંચોલીએ એકરાર કર્યો છે કે તે સાત વર્ષથી રિલેશનમાં છે અને જિયા ખાન સાથેનું તેનું રિલેશન ખૂબ થોડા સમય માટેનું હતું. ૨૦૧૩માં જિયાએ સુસાઇડ કરી લીધું હતું અને સૂરજ પર તેને સુસાઇડ માટે પ્રેરિત કરવાના આરોપ લગાવવામાં આવ્યા છે. સૂરજ અને જિયા રિલેશનમાં હતાં. આ વર્ષે જ સૂરજને આ કેસમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. દસ વર્ષથી ચાલી રહેલા આ કેસમાં તેને ઘણું વેઠવાનું આવ્યું હતું. એ વિશે સૂરજ પંચોલીએ કહ્યું કે ‘મારા પર શું વીતે છે એ માત્ર હું જ જાણું છું. મારે એકલા જ ઘરે આવવાનું હતું, સવારે ઊઠવાનું હતું અને ફરીથી એ સ્થિતિનો સામનો કરવાનો હતો. નિયમ પ્રમાણે દેશની બહાર ન જઈ શકવાને કારણે મારે કેટલીયે ફિલ્મો અને શો છોડવા પડ્યાં હતાં. હું સમજી શકું છું કે પ્રોડ્યુસર અને લોકો મારી સાથે કામ કરતાં કેમ અચકાતા હતા. જો હું પ્રોડ્યુસર હોત તો મને પણ એ જ ચિંતા હોત. હું હંમેશાં વાસ્તવિકતાનો સ્વીકાર કરું છું. હું એ પણ જાણું છું કે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી હંમેશાં ઝગમગાટ, ગ્લૅમરથી ભરપૂર અને સરળ નથી હોતી. હું ઇન્ડસ્ટ્રીમાં નહોતો આવ્યો એ પહેલાં મને એમ કહેવામાં આવતું હતું કે લોગ કુછ ભી બોલેંગે ક્યા ફર્ક પડતા હૈ. જો તમને જાણ હોય કે તમે કાંઈ ખોટું નથી કર્યું તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. જોકે આપણે છેવટે તો માનવ છીએ અને આવી બધી બાબતોની આપણા પર અસર થાય છે. મને એવું લાગે છે કે જિયા સાથેનું મારું રિલેશન સૌથી ઓછા સમય માટેનું હતું. ત્યાર બાદ હું એક રિલેશનમાં છું અને એ સાત વર્ષથી ચાલે છે. પ્રેમની લાગણીની સરખામણીએ કાંઈ ન આવી શકે. તમારી કાળજી લેવામાં આવે અને તમે પણ સામે એવી રીતે વર્તન કરો. આ રિલેશનશિપ ખૂબ પર્સનલ છે, કારણ કે અનેક લોકોએ મને ખરાબ લવર અથવા પાર્ટનર કહ્યો હતો. જોકે જે મારી નજીક છે એ લોકો જ જાણતા હતા કે હું કેવો છું. મારી ગર્લફ્રેન્ડ ઍક્ટ્રેસ નથી અને હું તેની ઓળખ વિશે ખુલાસો નથી કરવા માગતો. હું મારા રિલેશનને પ્રાઇવેટ રાખવા માગું છું.’


