સૈફે ઇન્ટરવ્યુ દરમ્યાન કહ્યું કે ‘હું શીખ્યો છું કે ઘરના દરવાજા હંમેશાં બંધ રાખવા જોઈએ અને સાવધાન રહેવું જોઈએ"
સૈફ અલી ખાન
સૈફ અલી ખાન હાલમાં પોતાની ફિલ્મ ‘જ્વેલ થીફ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ પ્રમોશનલ ઇન્ટરવ્યુમાં તેને થોડા સમય પહેલાં તેના પર થયેલા હુમલા વિશે સવાલ કરવામાં આવી રહ્યા છે. આવા જ એક ઇન્ટરવ્યુમાં સૈફે કહ્યું કે મને લાગે છે કે મારો જવાનો સમય નહોતો આવ્યો. એ સિવાય સૈફે એ પણ જણાવ્યું કે આ હુમલામાંથી હું શું પાઠ ભણ્યો છું.
સૈફે ઇન્ટરવ્યુ દરમ્યાન કહ્યું કે ‘હું શીખ્યો છું કે ઘરના દરવાજા હંમેશાં બંધ રાખવા જોઈએ અને સાવધાન રહેવું જોઈએ. અમારી પાસે ઘણું છે અને ઘણા પાસે કાંઈ જ નથી હોતું. હું આને લીધે આભારી છું, પણ એટલે જ અમારે વધારે સાવધાન રહેવું જોઈએ. વસ્તુઓ લૉક કરીને રાખવી જોઈએ. જ્યાંથી કોઈ પણ ઘૂસી શકે એ તમામ પૉઇન્ટ બ્લૉક કરી રાખવા જોઈએ અને સઘન સિક્યૉરિટી વ્યવસ્થા રાખવી જોઈએ.’
ADVERTISEMENT
સૈફે આ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘પહેલાં હું સિક્યૉરિટીનું મહત્ત્વ નહોતો સમજતો અને આસપાસ સિક્યૉરિટી નહોતો રાખતો. હું સિક્યૉરિટીના કૉન્સેપ્ટમાં માનતો નહોતો. મને દરેક જગ્યાએ ગાર્ડ્સથી ઘેરાયેલા રહેવાનું ગમતું નહોતું. જોકે હવે જરૂરી છે, કમસે કમ થોડા સમય માટે તો ખરું જ. મને લાગે છે કે એ મારો જવાનો સમય નહોતો. મારે હજી થોડી વધારે સારી ફિલ્મો કરવી છે અને મિત્રો-પરિવાર સાથે વધારે સારો સમય ગાળવો છે. થોડી ચૅરિટી કરવી છે. બસ, એટલું યાદ રાખો કે તમે શ્રેષ્ઠ છો. મહેનત કરો અને આશા રાખો કે દુનિયા એની કદર કરશે.’

