હેમા માલિનીએ આખરે આ મુદ્દે મૌન તોડ્યું
હેમા માલિનીએ ૧૧ ડિસેમ્બરે નવી દિલ્હીમાં ધર્મેન્દ્ર માટે બીજી એક પ્રાર્થનાસભાનું આયોજન કર્યું હતું
ધર્મેન્દ્રનું ગયા વર્ષે ૨૪ નવેમ્બરે તેમની ૯૦મી વર્ષગાંઠથી માત્ર ૧૫ દિવસ પહેલાં અવસાન થયું હતું. ધર્મેન્દ્રના અવસાન પછી સની દેઓલ, બૉબી દેઓલ અને તેમનાં માતા પ્રકાશ કૌરે ૨૭ નવેમ્બરે મુંબઈની તાજ લૅન્ડ્સ એન્ડ હોટેલમાં પ્રાર્થનાસભાનું આયોજન કર્યું હતું. એમાં ધર્મેન્દ્રની બીજી પત્ની હેમા માલિની અને તેની દીકરીઓ ઈશા તથા આહના હાજર નહોતી રહી. એ જ દિવસે હેમા માલિનીએ પણ મુંબઈના પોતાના ઘરમાં પૂજા અને ભજનનું આયોજન કર્યું હતું. આ પછી હેમા માલિનીએ ૧૧ ડિસેમ્બરે નવી દિલ્હીમાં ધર્મેન્દ્ર માટે બીજી એક પ્રાર્થનાસભાનું આયોજન કર્યું હતું. અલગ-અલગ પ્રાર્થનાસભાઓ બાદ ધર્મેન્દ્રના બન્ને પરિવારોના સંબંધોમાં સમસ્યા છે એવી ચર્ચા શરૂ થઈ હતી. હાલમાં હેમા માલિનીએ એક ઇન્ટરવ્યુમાં આ મુદ્દે ખુલ્લેઆમ વાત કરીને દેઓલ પરિવાર સાથેના પોતાના સંબંધો વિશે સ્પષ્ટતા કરી છે. દેઓલ પરિવાર સાથેના પોતાના સંબંધો વિશે હેમા માલિનીએ કહ્યું હતું કે ‘બધું ઠીક ચાલી રહ્યું છે. બે અલગ પરિવાર છે એટલે એવી ચિંતા કરવાની જરૂર નથી કે અમારી વચ્ચે સમસ્યા થશે. અમને સૌને એકબીજા સાથે ખૂબ સારું છે.’
હેમાએ આ ઇન્ટરવ્યુમાં દેઓલ પરિવાર કરતાં અલગ પ્રાર્થનાસભા રાખવાના કારણની સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘આ અમારા ઘરની વ્યક્તિગત બાબત છે. અમે એકબીજા સાથે વાત કરી હતી. મેં મારા ઘરે પ્રાર્થનાસભા રાખી હતી, કારણ કે મારા સહયોગીઓ અને મિત્રો દેઓલ પરિવાર કરતાં અલગ છે. આ પછી મેં દિલ્હીમાં પ્રાર્થનાસભા રાખી, કારણ કે હું રાજકારણમાં છું અને ત્યાં મારા રાજકીય ક્ષેત્રના મિત્રો માટે આ જરૂરી હતું. મથુરા મારું લોકસભા ક્ષેત્ર છે અને ત્યાંના લોકો ધર્મેન્દ્રને ખૂબ પ્રેમ કરતા હતા એટલે ત્યાં પણ પ્રાર્થનાસભાનું આયોજન કર્યું. મેં જે કર્યું છે એનાથી મને સંતોષ છે.’
ADVERTISEMENT
કેવા હતા ધર્મેન્દ્રના અંતિમ દિવસો?
ધર્મેન્દ્રના અંતિમ દિવસો વિશે વાત કરતાં હેમા માલિનીએ કહ્યું હતું કે ‘આ અસહ્ય આઘાત હતો. એક મહિના સુધી તેઓ બીમારી સાથે સંઘર્ષ કરતા રહ્યા, હૉસ્પિટલમાં જે કંઈ થઈ રહ્યું હતું એનો સામનો કરતા રહ્યા. અમે બધા ત્યાં સાથે હતા... હું, ઈશા, આહના, સની અને બૉબી. અગાઉ પણ ઘણી વખત તેઓ હૉસ્પિટલમાં ગયા હતા અને અમને લાગ્યું હતું કે તેઓ સાજા થઈ જશે. બધા ધરમજીના સ્વસ્થ થવાની અને પરિવાર સાથે તેમની ૯૦મી વર્ષગાંઠ ઊજવવાની આશા રાખી રહ્યા હતા. તેઓ મારી સાથે સારી રીતે વાત કરતા હતા. ૧૬ ઑક્ટોબરે મારા જન્મદિવસે તેમણે મને શુભેચ્છા પણ આપી હતી. તેમનો જન્મદિવસ ૮ ડિસેમ્બરે હતો અને અમે એ ખાસ રીતે ઊજવવાની તૈયારી કરી રહ્યા હતા. બધું આયોજન ચાલી રહ્યું હતું અને અચાનક તેઓ અમને છોડીને ચાલ્યા ગયા.’


