ઑપરેશન સિંદૂર પછી પાકિસ્તાની ઍક્ટ્રેસના ભારતવિરોધી નિવેદનથી ગુસ્સે ભરાઈને હર્ષવર્ધન રાણેએ લીધો નિર્ણય
હર્ષવર્ધન રાણે અને માવરા હોકેન અને તેમના નિવેદન
હર્ષવર્ધન રાણેએ ભારત-પાકિસ્તાન તનાવ વચ્ચે માવરા હોકેનના ‘ભારતવિરોધી’ નિવેદન પછી નિર્ણય લીધો છે કે જો ‘સનમ તેરી કસમ 2’માં માવરા કામ કરશે તો હું આ ફિલ્મમાં કામ નહીં કરું.
હર્ષવર્ધન રાણેએ ગઈ કાલે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં માવરા હોકેનના ‘ઍન્ટિ-ઇન્ડિયા’ નિવેદન પર લખ્યું છે, ‘હું અત્યાર સુધીના અનુભવ બદલ આભારી છું, પરંતુ હાલની સ્થિતિ જેવી છે અને મારા દેશ વિશે જેવાં નિવેદન વાંચવા મળ્યાં છે એ પછી મેં નિર્ણય લીધો છે કે જો અગાઉની કાસ્ટ સાથે ફરીથી કામ કરવું પડશે તો હું ‘સનમ તેરી કસમ 2’નો ભાગ નહીં બનું. હું આદરપૂર્વક ઇનકાર કરીશ. હું આ દેશ, એ દેશ, કેન્યા અને મંગળ ગ્રહના પણ તમામ કલાકારો અને માનવોનું સન્માન કરું છું; પરંતુ મારા દેશ વિશે કોઈ આવું નિવેદન કરે તો એ માફીને લાયક નથી. ઇન્સ્ટાગ્રામ પર ફૉલોઅર્સ ગુમાવવાથી મને કોઈ સમસ્યા નથી, પણ હું કોઈને પણ મારા ગૌરવ અને સંસ્કારો પર આંચ આવવા નહીં દઉં. પોતાના દેશ સાથે ઊભા રહેવું સારું છે, પણ બીજા દેશ વિશે આવી નફરતભરી અને અપમાનજનક વાતો કરવી યોગ્ય નથી.’
‘સનમ તેરી કસમ’ ૨૦૧૬માં આવી ત્યારે ખાસ નહોતી ચાલી, પણ આ ફિલ્મ ૨૦૨૫માં ફરીથી રિલીઝ થઈ ત્યારે એણે બૉક્સ-ઑફિસ પર લગભગ ૫૩.૧ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. એને પગલે એની સીક્વલની ડિમાન્ડ ઊભી થઈ છે.


