લાતુર ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઑપરેટિવ બૅન્ક દ્વારા રિતેશની કંપનીને ૧૧૬ કરોડ રૂપિયાની લોન આપી હતી
રિતેશ દેશમુખ
રિતેશ દેશમુખ અને તેની પત્ની જેનિલિયા દેશમુખની કંપની દેશ ઍગ્રો પ્રાઇવેટ લિમિટેડને આપેલી કન્ટ્રોવર્શિયલ લોનની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કો-ઑપરેશન મિનિસ્ટર અતુલ સાવે દ્વારા આ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. લાતુર ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઑપરેટિવ બૅન્ક દ્વારા રિતેશની કંપનીને ૧૧૬ કરોડ રૂપિયાની લોન આપી હતી. આ લોન બે ઇન્સ્ટૉલમેન્ટમાં એટલે કે ઑક્ટોબર ૨૦૨૧ અને જુલાઈ ૨૦૨૨માં આપી હતી. આ લોન ચોક્કસ નીતિનિયમ મુજબ આપવામાં આવી ન હોવાથી તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
રિતેશનો મોટો ભાઈ અમિત દેશમુખ એમવીએ સરકારમાં મિનિસ્ટર હતો અને તેનો નાનો ભાઈ કૉન્ગ્રેસ એમએલએ ધીરજ દેશમુખ એ સમયે બૅન્કનો ચૅરમૅન હતો, એથી લોન રિતેશને પૉલિટિકલ કનેક્શનથી મળી હતી અને એથી જ એની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. લોન સામે પૂરતી સિક્યૉરિટી લેવામાં આવી હતી કે નહીં એની તપાસ કરવામાં આવી રહી છે અને એ માટે જરૂરી માહિતી આપવા માટે દરેક પાર્ટીને સૂચના આપવામાં આવી છે. જોકે ગયા મહિને જ રિતેશની કંપની દ્વારા આ આરોપને ફગાવી દેવામાં આવ્યા હતા અને સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે દરેક વસ્તુ કાયદેસર રીતે થઈ છે. જોકે હવે એની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.


