સિતારે ઝમીન પરની સ્ટાર જેનેલિયાએ પોતાની વર્કિંગ સ્ટાઇલ વિશે સ્પષ્ટતા કરી
જેનેલિયા ડિસોઝા
જેનેલિયા ડિસોઝા ૨૦ જૂને રિલીઝ થનારી ફિલ્મ ‘સિતારે ઝમીન પર’થી લાંબા સમય પછી બૉલીવુડની ફિલ્મમાં જોવા મળશે. હાલમાં જેનેલિયાએ એક ઇન્ટરવ્યુ દરમ્યાન કામના કલાકો વિશે ચર્ચા કરી હતી. તેણે કહ્યું હતું કે ‘હું દિવસમાં ૧૦ કલાક કામ કરું છું અને કેટલીયે વાર જ્યારે ડિરેક્ટર વિનંતી કરે છે ત્યારે આ શિફ્ટ ૧૧-૧૨ કલાક સુધી લંબાઈ જાય છે. આ મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. જોકે આ ઍડ્જસ્ટમેન્ટ કરવા માટે સમય જોઈએ છે. ક્યારેક વધારે કામ કરવું પડે તો એ પરિસ્થિતિની ડિમાન્ડ હોય છે. એકાદ-બે દિવસ આવી સ્થિતિ સર્જાય તો પરસ્પરના તાલમેલ અને સમજણથી આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે.’
હાલમાં દીપિકા પાદુકોણે ૮ કલાકની શિફ્ટની માગણી કરતાં તેને ડિરેક્ટર સંદીપ રેડ્ડીએ પોતાની ફિલ્મ ‘સ્પિરિટ’માંથી કાઢી નાખી હતી અને એના બદલે તૃપ્તિ ડિમરીને સાઇન કરી લીધી હતી. આ ઘટનાક્રમ પછી છેલ્લા કેટલાક સમયથી નવી-નવી મમ્મી બનેલી અભિનેત્રીઓના કામના કલાકો ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે હવે જેનેલિયાએ આ મામલે પોતાનો મત વ્યક્ત કર્યો છે.

