પડદા પાછળના કલાકારોની દયનીય સ્થિતિ, ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝના પ્રમુખની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને મોટી ચેતવણી, સ્થિતિ નહીં સુધરે તો બૉલીવુડ બંધ થઈ જશે
સ્થિતિ નહીં સુધરે તો બૉલીવુડ બંધ થઈ જશે
બૉલીવુડમાં એક તરફ મોટા સ્ટાર્સની ફી અને કમાણી આકાશને આંબી રહી છે ત્યારે બીજી તરફ કૅમેરાની પાછળ દિવસ-રાત મહેનત કરતા કામદારોની મુશ્કેલીનો અંત નથી આવી રહ્યો. હિન્દી ફિલ્મઉદ્યોગના દૈનિક વેતન મેળવતા શ્રમિકોની કથળતી સ્થિતિને જોતાં ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝ (FWICE)ના પ્રમુખે હવે નિર્માતાઓ અને સમગ્ર ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને કડક શબ્દોમાં ચેતવણી આપી છે.
FWICEના પ્રમુખ બી. એન. તિવારીએ એક સમાચાર-એજન્સી સાથેની ખાસ વાતચીતમાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના ગ્રાઉન્ડ રિયલિટી પરથી પડદો હટાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ‘હાલમાં વર્કર્સ માટે અસ્તિત્વ ટકાવી રાખવું પણ મુશ્કેલ બની ગયું છે. કહેવાતા મોટા કલાકારો પોતાની નિયત શિફ્ટ મુજબ કામ કરીને જતા રહે છે; જ્યારે સ્પૉટબૉય, લાઇટમૅન અને નાના કલાકારો પાસે ઘડિયાળ જોયા વગર ૨૦-૨૦ કલાક સુધી કામ કરાવવામાં આવે છે.’
બી. એન. તિવારીએ દાવો કર્યો હતો કે ‘વર્કર્સ ૨૦ કલાક કામ કરી રહ્યા છે, પરંતુ તેમને ૮ કલાકનું જે બેઝિક (મૂળભૂત) વેતન મળવું જોઈએ એ પણ નસીબ થતું નથી. આર્થિક તંગીને કારણે આવા મજબૂર લોકો ઓછા પૈસામાં પણ કામ કરવા તૈયાર થઈ જાય છે, કારણ કે તેમને ઘર ચલાવવા માટે ભોજન અને કામની જરૂર હોય છે. નિર્માતાઓ તેમની આ મજબૂરીનો ખોટો લાભ ઉઠાવે છે.’
બી. એન. તિવારીએ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે ‘પેમેન્ટમાં વિલંબની સૌથી મોટી સમસ્યા OTT પ્લૅટફૉર્મ્સ સાથે થાય છે. ઘણી વખત પેમેન્ટ મહિનાઓ પછી આવે છે, પરંતુ ત્યાં સુધીમાં તો પ્રોડક્શન-કંપની કે નિર્માતાનો પત્તો મેળવવો મુશ્કેલ બની જાય છે. જો પરિસ્થિતિ આવી જ રહી અને સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો એક દિવસ ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સંપૂર્ણપણે ઠપ થઈ જશે. સિચુએશન ઘણી ગંભીર છે અને જો આ જ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો હજારો પરિવાર રોડ પર આવી જશે.’
