કરીના કપૂર ખાન, ક્રિતી સૅનન અને તબુ પહેલી વાર ‘ધ ક્રૂ’માં સાથે કામ કરતી જોવા મળશે

કરીના કપૂર ખાન, ક્રિતી સૅનન અને તબુ
એકતા કપૂરની ‘ધ ક્રૂ’માટે કરીના કપૂર ખાન, ક્રિતી સૅનન અને તબુ સાથે કામ કરવાની છે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ કરવામાં આવશે. ફિલ્મને રાજેશ ક્રિષ્નન ડિરેક્ટ કરશે. રિયા કપૂર, એકતા કપૂર અને અનિલ કપૂર પ્રોડક્શન્સ સાથે મળીને પ્રોડ્યુસ કરશે. કરીનાએ આ અગાઉ ‘વીરે દી વેડિંગ’માં એકતા અને રિયા સાથે કામ કર્યું હતું. એથી તે ફરીથી આ ફિલ્મને લઈને ખૂબ એક્સાઇટેડ છે. ‘ધ ક્રૂ’ની સ્ટોરી ઍરલાઇન ઇન્ડસ્ટ્રીને લઈને છે, જેમાં આ ત્રણેય કામ કરતી હોય છે. આ ફિલ્મ વિશે કરીનાએ કહ્યું કે ‘મારા દિલમાં ‘વીરે દી વેડિંગ’ ખાસ સ્થાન રાખે છે. રિયા અને એકતા સાથે કામ કરવું મારા માટે અદ્ભુત જર્ની છે. એથી રિયા જ્યારે તેના નવા પ્રોજેક્ટ ‘ધ ક્રૂ’ લઈને આવી તો હું ખૂબ ઉત્સાહી થઈ ગઈ હતી. એનો અર્થ એ કે મને આ બે શાનદાર ઍક્ટ્રેસ ક્રિતી અને તબુ સાથે કામ કરવાની તક મળશે. આ પ્રોજેક્ટ શરૂ કરવા માટે હું ખૂબ આતુર છું અને સ્ટોરીમાં શું એક્સાઇટેડ છે એ જાણવા માટે પણ ઉત્સુક છું.’
ક્રિતીએ કહ્યું કે ‘હું હંમેશાંથી સ્ટ્રૉન્ગ કૅરૅક્ટર્સ અને અનોખી સ્ટોરીને શોધતી હોઉં છું અને ‘ધ ક્રૂ’ એમાંની જ એક છે. હું ટૅલન્ટના પાવરહાઉસ એવી તબુ મૅમ અને કરીના સાથે કામ કરવા માટે આતુર છું. હું હંમેશાં તેમની પ્રશંસક રહી છું. તેમની પાસેથી અને તેમના કામથી મને પ્રેરણા મળે છે. હું તબુ મૅમને કેટલીક ઇવેન્ટમાં મળી છું અને તેઓ હંમેશાં જોશભેર મને મળે છે. બેબો તો આઇકૉનિક છે. હું તેની ફૅન છું. રિયા અને એકતા પણ શાનદાર છે. તેઓ સ્ટ્રૉન્ગ પ્રોડ્યુસર્સ છે, જે મહિલાઓના સશક્તીકરણ અને પ્રગતિશીલ ફીમેલ કૅરૅક્ટર્સ અને વિષયોને પ્રોડ્યુસ કરે છે. હું હંમેશાંથી યુવતીઓની મજેદાર ફિલ્મની શોધમાં હતી અને આ ફિલ્મ દ્વારા મારી આ ઇચ્છા પૂરી થઈ ગઈ. મને તરત જ સ્ક્રિપ્ટ પસંદ પડી ગઈ. આની જર્નીની શરૂઆત કરવા માટે થનગની રહી છું.’