કોરોનાને કારણે ઘણા પરિવાર તેમના પ્રિયજનોને ખોઈ રહ્યા હોવાથી આ પરિસ્થિતિને જોતાં ફરહાન અખ્તર અને રાકેશ ઓમ પ્રકાશ મેહરાએ તેમની ફિલ્મને ઑનલાઇન પણ રિલીઝ ન કરવાનું નક્કી કર્યું
ફરહાન અખ્તર
ફરહાન અખ્તરની ‘તૂફાન’ને પોસ્ટપોન કરવામાં આવી છે. આ ફિલ્મ ૨૧ મેએ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની હતી. કોરોનાને કારણે આ ફિલ્મને ઑનલાઇન રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે કોરોનાની બીજી વેવને લઈને ભારતમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ઘણા લોકો ઑક્સિજન અને બેડની અછત હોવાને કારણે મૃત્યુ પામી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ફરહાનને આ ફિલ્મ હાલમાં રિલીઝ કરવાનું યોગ્ય નથી લાગી રહ્યું. આ ફિલ્મને તે અને રિતેશ સિધવાણી તેમના પ્રોડક્શન-હાઉસ એક્સેલ એન્ટરટેઇનમેન્ટ હેઠળ પ્રોડ્યુસ કરી રહ્યા છે, જેને રાકેશ ઓમપ્રકાશ મેહરાએ ડિરેક્ટ કરી છે. આ વિશે ફરહાને ઇન્સ્ટાગ્રામ પર સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. આ સ્ટેટમેન્ટમાં લખ્યું છે કે ‘ઇન્ડિયામાં હાલમાં જે પરિસ્થિતિ છે એ ખૂબ જ દયનીય છે. અમારી એટલે કે એક્સેલ એન્ટરટેઇનમેન્ટ અને રાકેશ ઓમપ્રનકાશ મેહરા પિક્ચર્સની આ મહામારીની અડફેટમાં આવેલા તમામ લોકો સાથે સંવેદના અને પ્રાર્થના છે. આ પ્રકારની પરિસ્થિતિમાં અમારું ફોકસ આ મહામારી અને એમાં અમારા એમ્પ્લૉઈ, તેમની ફૅમિલી અને કમ્યુનિટી પર છે. આથી પરિસ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી અમે અમારી ફિલ્મ ‘તૂફાન’ને પોસ્ટપોન કરવાનું નક્કી કર્યું છે. અમે નવી તારીખની જાહેરાત કરીશું. કોવિડના દરેક પ્રોટોકૉલને ફૉલો કરો. તમે તમારી વૅક્સિન માટે રજિસ્ટર કરો અને એ પહેલી તકે લો. ‘તૂફાન’ની ટીમ તરફથી અમે તમને ઘરમાં રહેવા અને સુરક્ષિત રહેવા માટે વિનંતી કરીએ છીએ.’


