Esha Gupta breaks silence on dating Hardik Pandya: હાર્દિક પંડ્યા સાથે ડેટિંગની અફવાઓ પર ઈશા ગુપ્તાએ પહેલી વાર તોડ્યું મૌન; અભિનેત્રીનો ખુલાસો તેમણે માત્ર થોડા મહિનાઓ સુધી વાતચીત કરી પણ વાત ડેટિંગના તબક્કા સુધી પહોંચી નહીં
હાર્દિક પંડ્યા, ઈશા ગુપ્તા
ઈશા ગુપ્તા (Esha Gupta) બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. તે પોતાની ફિલ્મો અને સ્ટાઇલ માટે હંમેશા સમાચારમાં રહે છે, અને તેના અંગત જીવનની પણ ખૂબ ચર્ચા થાય છે. તેનું નામ ઘણા સેલેબ્સ સાથે જોડાયું છે. હાલમાં, તે સ્પેનિશ બોયફ્રેન્ડ મેન્યુઅલ કેમ્પોસ (Manuel Campos Guallar)ને ડેટ કરી રહી છે. ગયા વર્ષે, તેમના લગ્ન વિશે ઘણી ચર્ચાઓ થઈ હતી. આવી સ્થિતિમાં, હવે અભિનેત્રીએ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા (Hardik Pandya)ને ડેટ કરવા અંગે પોતાનું મૌન તોડ્યું છે. વર્ષ ૨૦૧૮માં બંનેના ડેટિંગની ઘણી અફવાઓ હતી. હવે તેણે જણાવ્યું છે કે હાર્દિક પંડ્યા સાથેનો તેનો સંબંધ (Esha Gupta breaks silence on dating Hardik Pandya) કેવો હતો.
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાના ક્રિકેટ કરિયરની સાથે તેની લવ લાઈફને કારણે પણ હંમેશા ચર્ચામાં હોય છે. વર્ષ ૨૦૨૦માં નતાશા સ્ટેનકોવિક (Nataša Stanković) સાથે લગ્ન કરનાર હાર્દિક પંડ્યાએ અંગત કારણોસર ચાર વર્ષ પછી તેની સાથેના સંબંધોનો અંત લાવ્યો. હવે હાર્દિક પંડ્યા બ્રિટિશ મોડેલ અને ટીવી પર્સનાલિટી જાસ્મીન વાલિયા (Jasmin Walia)ને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા છે. જોકે, હાર્દિક પંડ્યાએ તેની સાથેના સંબંધોને સત્તાવાર રીતે જાહેર કર્યા નથી. હવે તેની લાઇફનું એક જુનું પ્રેમ પ્રકરણ ફરી ચર્ચામાં આવ્યું છે. શું તમે જાણો છો કે એક સમય હતો જ્યારે હાર્દિકનું દિલ પણ બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી ઈશા ગુપ્તા પર અટકી ગયું હતું અને તે બંને ડેટિંગના તબક્કામાં પહોંચી ગયા હતા, જેનો ખુલાસો તાજેતરમાં જ અભિનેત્રીએ પોતે કર્યો હતો.
ADVERTISEMENT
ઈશા ગુપ્તાએ તાજેતરમાં સિદ્ધાર્થ કન્નનના શોમાં હાર્દિક પંડ્યા સાથેના સંબંધોની અફવાઓ પર પ્રતિક્રિયા આપી હતી. અભિનેત્રીએ કહ્યું, ‘અમે બંનેએ થોડા સમય માટે એકબીજા સાથે વાત કરી હતી, પરંતુ મને નથી લાગતું કે અમે ડેટિંગ કરી રહ્યા હતા. હા, અમે થોડા મહિનાઓ સુધી વાત કરી હતી. અમે એવા તબક્કે હતા જ્યાં અમને લાગ્યું કે કંઈક થઈ શકે છે, પરંતુ અમે ડેટિંગ સ્ટેજ પર પહોંચીએ તે પહેલા જ બધું સમાપ્ત થઈ ગયું.’
અભિનેત્રીએ આગળ કહ્યું, ‘અમે તેને યોગ્ય ડેટિંગ કહી શકીએ નહીં, અમે ફક્ત એક કે બે વાર મળ્યા હતા. તેથી અમે થોડા મહિના સાથે રહ્યા, પછી તે સમાપ્ત થઈ ગયું.’
જ્યારે ઈશાને પૂછવામાં આવ્યું કે શું બંને વચ્ચે કોઈ સંબંધ બની શક્યો હતો? ત્યારે અભિનેત્રીએ જવાબ આપ્યો, ‘કદાચ એવું બની પણ શક્યું હોત.’
ઈશા ગુપ્તાના ડેટિંગ જીવન વિશે વાત કરીએ તો, તે છેલ્લા પાંચ વર્ષથી સ્પેનિશ છોકરા બોયફ્રેન્ડ મેન્યુઅલ કેમ્પોસ ગુઆલરને ડેટ કરી રહી છે. ઈશા ગુપ્તાએ થોડા વર્ષો પહેલા ઇન્સ્ટાગ્રામ (Instagram) પર તેની સાથેના સંબંધોની સત્તાવાર જાહેરાત કરી હતી.
અભિનેત્રી ઈશા ગુપ્તાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તેણે વર્ષ ૨૦૧૨માં ઇમરાન હાશ્મી સાથે ફિલ્મ `જન્નત 2` (Jannat 2)થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે રાઝ 3D, બેબી, કમાન્ડો 2, પલટન અને રુસ્તમ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તે હવે ટૂંક સમયમાં ભારતીય રોમેન્ટિક કોમેડી ફિલ્મ `દેશી મેજિક` માં જોવા મળશે.

