Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Entertainment Updates: અજય દેવગનનો લેટેસ્ટ પ્રોજેક્ટ છે હૉરર ફિલ્મ

Entertainment Updates: અજય દેવગનનો લેટેસ્ટ પ્રોજેક્ટ છે હૉરર ફિલ્મ

Published : 24 March, 2026 09:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

Entertainment Updates: રૅમ્પ પર છવાયાં અનીત-અદિતિ; ૭૯ વર્ષની ઉંમરે અરુણા ઈરાનીએ સ્ટેજ પર કર્યો ધમાકેદાર ડાન્સ; ચાલીસમી વર્ષગાંઠે કંગના રનૌતે સપરિવાર લીધી વડા પ્રધાનની મુલાકાત અને વધુ સમાચાર

અજય દેવગનની ફાઇલ તસવીર

અજય દેવગનની ફાઇલ તસવીર


‘કાલ’, ‘ભૂત’ અને ‘શૈતાન’ જેવી ફિલ્મ પછી અજય દેવગન હવે ફરી હૉરર ફિલ્મમાં જોવા મળશે એવા રિપોર્ટ છે. મળતી માહિતી પ્રમાણે ડિરેક્ટર રોહિત જુગરાજનો આ પ્રોજેક્ટ પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે અને મેકર્સ ફિલ્મને હાઈ-કન્સેપ્ટ સાથે તૈયાર કરવાની યોજના બનાવી રહ્યા છે. ફિલ્મના પ્રોડ્યુસર કુમાર મંગત છે. આ ફિલ્મનું નામ હજી નક્કી થયું નથી, પરંતુ ચર્ચા છે કે આ પરંપરાગત હૉરર ફિલ્મોથી અલગ હશે અને એમાં બોલ્ડ તથા અનોખી કહાની જોવા મળશે. ખાસ વાત એ છે કે ફિલ્મનું શૂટિંગ મોટા પાયે લંડનમાં કરવામાં આવશે અને કાસ્ટિંગ પ્રક્રિયા પણ ચાલુ છે. હાલમાં આ પ્રોજેક્ટ વિશે મેકર્સ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પણ ફિલ્મનું શૂટિંગ જુલાઈ મહિનાથી શરૂ થાય એવી શક્યતા છે.

હૈ જવાની તો વર્કઆઉટ કરના હૈ: વર્કઆઉટ સેશન માટે આવી કૅપ્શન લખીને વરુણ ધવને આડકતરું પ્રમોશન કરી લીધું




વરુણ ધવન હાલ પોતાની આવનારી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ એક રોમૅન્ટિક કૉમેડી છે જેનું ડિરેક્શન તેના પિતા ડેવિડ ધવન દ્વારા કરવામાં આવ્યું છે. હાલમાં વરુણે સોશ્યલ મીડિયા પર પોતાની ફિટનેસને લઈને એક મજેદાર અને પ્રેરણાદાયક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં તે જિમમાં ડમ્બેલ્સ સાથે વર્કઆઉટ કરતો નજરે ચડે છે. આ ફોટો સાથે તેણે લખ્યું, ‘હૈ જવાની તો વર્કઆઉટ કરના હૈ’. એ ફિલ્મના ટાઇટલ સાથે જોડાયેલી હળવાશથી કરાયેલી કૅપ્શન હતી. આ કૅપ્શન લખીને વરુણે પોતાની ફિલ્મનું આડકતરું પ્રમોશન પણ કરી લીધું હતું.

રૅમ્પ પર છવાયાં અનીત-અદિતિ


મુંબઈમાં જિયો કન્વેન્શન સેન્ટરમાં આયોજિત ફૅશન-વીકમાં રવિવારે અદિતિ રાવ હૈદરીએ રૅમ્પ-વૉક કરીને ફૅન્સનાં દિલ જીતી લધાં, જ્યારે ‘સૈયારા’ ફેમ અનીત પડ્ડા પણ પોતાની સ્ટાઇલ અને લુકથી છવાઈ ગઈ. આ ફૅશન-વીકના ગ્રૅન્ડ ફિનાલેમાં ‘આઉટ ઑફ ઑફિસ’ થીમ પર ફૅશન શોકેસ કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન અનીત પડ્ડાએ પ્રખ્યાત ડિઝાઇનર અનીત અરોરા માટે શોસ્ટૉપર તરીકે રૅમ્પ-વૉક કર્યું હતું. તેણે વાઇટ અને બ્લુ કલર પૅલેટવાળું ફૉલ-વિન્ટર કલેક્શનનું આઉટફિટ પહેર્યું હતું. અનીત પહેલાં અદિતિ રાવ હૈદરીએ પણ રૅમ્પ પર ધમાકેદાર એન્ટ્રી કરી હતી. તેણે મિડનાઇટ બ્લુ લહેંગામાં રૅમ્પ-વૉક કર્યું જે સત્ય પૉલ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું.

૭૯ વર્ષની ઉંમરે અરુણા ઈરાનીએ સ્ટેજ પર કર્યો કલિયોં કા ચમનનો ધમાકેદાર ડાન્સ

હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રીઓ અરુણા ઈરાની અને ફરીદા જલાલ ટૂંક સમયમાં ઇન્ડિયન આઇડલ ૧૬ના એપિસોડમાં જોવા મળશે. આ ખાસ એપિસોડમાં જૂની યાદોને તાજી કરવામાં આવશે અને બન્ને અભિનેત્રીઓ પોતાનાં હિટ ગીતો પર પર્ફોર્મ કરતી જોવા મળશે. મેકર્સ દ્વારા શૅર કરવામાં આવેલા પ્રોમોમાં અરુણા ઈરાની પોતાના લોકપ્રિય ગીત ‘કલિયોં કા ચમન’ પર ડાન્સ કરતાં નજર આવે છે, તેમને જોઈને ફરીદા જલાલ તાળીઓ પાડે છે અને તેમને પ્રોત્સાહિત કરે છે. ૭૯ વર્ષની ઉંમરે પણ અરુણા ઈરાનીનો એનર્જીસભર ડાન્સ સોશ્યલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

ચાલીસમી વર્ષગાંઠે કંગના રનૌતે સપરિવાર લીધી વડા પ્રધાનની મુલાકાત

કંગના રનૌતે ગઈ કાલે પોતાની ચાલીસમી વર્ષગાંઠ પરિવાર સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ખાસ મુલાકાત કરીને ઊજવી હતી. તેણે આ ખાસ દિવસની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી અને એને યાદગાર દિવસ ગણાવ્યો. કંગનાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે તેમને પરિવાર સાથે વડા પ્રધાનનો સમય અને માર્ગદર્શન મળ્યાં જે તેમના માટે ખૂબ ખાસ રહ્યાં. કંગનાએ શૅર કરેલી તસવીરોમાં તે પોતાનાં માતા-પિતા અને ભાણેજ સાથે વડા પ્રધાન સાથે જોવા મળે છે. આ પ્રસંગે કંગના અને તેમના પરિવાર દ્વારા વડા પ્રધાનને હિમાચલી હૅન્ડલૂમ શાલ અને વિષ્ણુ દશાવતારના પેઇન્ટિંગ જેવી ખાસ ભેટો પણ આપવામાં આવી હતી.

સ્મૃતિ ઈરાનીના વનપ્રવેશ વખતે પતિ ઝુબીન ઈરાનીએ આપી પ્રેમભરી શુભેચ્છા

ગઈ કાલે જાણીતાં રાજકારણી અને ટીવી-ઍક્ટ્રેસ સ્મૃતિ ઈરાનીની પચાસમી વર્ષગાંઠ હતી અને તેમણે એકાવનમા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. આ દિવસે સ્મૃતિના પતિ ઝુબીન ઈરાનીએ પત્નીને સોશ્યલ મીડિયા પર પ્રેમભરી શુભેચ્છા પાઠવી હતી. ઝુબીન ઈરાનીએ પોતાની પોસ્ટમાં લખ્યું, ‘હૅપી પચાસમી વર્ષગાંઠ, સ્મૃતિ. જીવનમાં કેટલાક માઇલસ્ટોન અને કેટલીક પળો એવાં હોય છે જે કૃતજ્ઞતા, ગૌરવ અને નિઃશબ્દ અદ્ભુતભાવ સાથે ઊજવવા લાયક હોય છે. આજે એવો જ એક ખાસ દિવસ છે. તમે શાનદાર ગૌરવમાં લપેટાયેલ શક્તિ છો. એક એવી બુદ્ધિ જે પ્રેરણા આપે છે, એક એવું હૃદય જે સંભાળે છે અને એક એવો આત્મા જે ક્યારેય સામાન્યમાં સંતોષ માનતો નથી. જીવનના દરેક પડાવમાં તમે ઊંચાં ઊભાં રહો છો; માત્ર તમારા માટે જ નહીં, પણ દરેક માટે જેમને તમારા જીવનનો ભાગ બનવાનું સન્માન મળ્યું છે. ૫૦ વર્ષની ઉંમરે તમે માત્ર વર્ષો ઊજવી રહ્યાં નથી; તમે સંઘર્ષશક્તિ, પ્રેમ અને હેતુપૂર્ણ જીવાયેલ જીવનની ઉજવણી કરી રહ્યાં છો. આપ જે છો એના માટે અને જે કંઈ આગળ આવવાનું છે એના માટે જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ, સ્મૃતિ. તમે ખરેખર અનોખાં છો. જો પચાસમા વર્ષે આવું દેખાય છે તો આગળ શું આવશે એના માટે દુનિયા તૈયાર નથી.’

Whatsapp-channel Whatsapp-channel

24 March, 2026 09:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK