'દસ બહાને કર કે...' બાગી 3 માટે ગીતને બચાવવા આવ્યા ઑરિજીનલ ડૅડીઝ

જાણીતા મ્યુઝિક કંપોઝર્સ વિશાલ-શેખરનું ગીત, 'દસ બહાને કર કે લે ગઇ દિલ..' 2005માં આવેલું આ ગીત એ પછી પણ સૌથી વધુ વગાડાયેલું ગીત હતું એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. લોકો કયા કયા દસ બહાના એમાં ગવાય છે એ યાદ રાખવાનો પુરેપુરો પ્રયાસ કરતા અને આ ગીત બહુ જ પૉપ્યુલર થયુ હતું. 'દસ' ફિલ્મનું આ ગીત બહુ નસીબદાર કહેવાય કારણકે તેનાં સર્જકો દ્વારા જ તેને નવાં વાઘા પહેરાવવામાં આવી રહ્યાં છે. જી હા, બાગી-3માં દસ બહાને ગીતનું રિમિક્સ આવી રહ્યું છે અને જે આ પહેલાં ક્યારેય નથી થયું તે આ ગીત સાથે થયું છે. આમ તો ઓરિજિનલ ગીતનું રિમિક્સ કોઇ બીજું જ કરતું હોય છે પણ પોતાના પૉપ્યુલર નંબર માટે વિશાલ-શેખરે પહેલીવાર પોતાના જ ગીતનું રિમિક્સ કર્યું છે.
વિશાલ-શેખર આમ તો ઓરિજિનલ સ્કોર્સ માટે બહુ પૉપ્યુલર છે. શ્રધ્ધા કપૂર અને ટાઇગર શ્રોફની ફિલ્મ બાગી-3માં પોતાના જ ગીતનું રિ-મિક્સ કરનારી આ બેલડી આમ તો રિ-મિક્સ કરનારાઓની ટિકા કરતા હોય છે અને પોતે જ્યારે પણ કશું રિક્રિએટ કરે તો મૂળ સંગીતકારને પુરેપુરો ક્રેડિટ આપવાનું ચુકતા નથી પરંતુ આ વખતે તો તેમણે નવો જ ચિલો ચાતર્યો. ગયા વર્ષે વિશાલ દદલાનીએ ટ્વિટરનો સહારો લઇને પોતાના ગીતોને રિમિક્સ કરનારાઓને પરમિશન વગર એમ ન કરવાની ચેતવણી આપી હતી. તેણે કંઇક આવા અર્થનો ટ્વિટ કર્યો હતો, "ચેતવણીઃ જે પણ વિશાલ-શેખરનાં ગીતોનું રિમિક્સ કરશે તેની સામે હું દાવો માંડીશ. હું કોર્ટનાં બારણાં ખખડાવીશ. સાકી સાકી પછી મેં સાંભળ્યું છે કે આ ગીતોનાં નાજાયિઝ જન્મમાં હવે દસ બહાને, દિદાર દે, સજનાજી વારી વારી, દેસી ગર્લ અને બીજા ગીતોનો પણ સમાવેશ કરાઇ રહ્યો છે. મેઇક યોર ઓન સોંગ્સ વલ્ચર્સ!"
આટલો ગુસ્સો દર્શાવનારા વિશાલ માટે આ વખતે કંઇક નવો જ વળાંક આવ્યો જ્યારે દસ બહાને જે મૂળે તેમનું જ ગીત હતું તેના રિમિક્સ થવાની ખબર તેમના સુધી પહોંચી. આમ તો વિશાલ-શેખરે નક્કી કર્યુ હતું કે આ રિમિક્સ કરનારા સામે તેઓ પગલાં લેશે પણ ફિલ્મનાં દિગ્દર્શક અહમદ ખાન અને પ્રોડ્યુસર સાજીદ નડિયાદવાલા તથા ભુષણ કુમારે આ જોડીનો સંપર્ક કર્યો અને તેમને વિનંતી કરી કે જે પણ રિમિક્સ થયું છે તેમાં બહુ મજા ન હોવાથી તેઓ પોતે જ ઇન્વોલ્વ થાય અને આ ગીતને બચાવી લે. ઓરિજીનલ હિટ સોંગનાં ટ્રેકનું રિમિક્સ તો થઇ જ ચુક્યું હતું પણ જ્યારે ગીતનાં ઓરિજીનલ ડેડીઝે તેને સાચવી લેવાનું નક્કી કર્યુ અને તેમણે તેમની સાથે સ્વેગ સે સ્વાગતમાં કામ કરનારા મ્યુઝિક પ્રોડ્યુસર મેઘદીપ બોઝને સાથે રાખીને નવા ટેમ્પોને ધ્યાનમાં રાખીને આ રિમિક્સને જુના ગીતની બને એટલું નજીક લઇ જવામાં સફળ રહ્યા છે.
નવા ગીતમાં જૂના ગીતનાં ગાયકો શાન, કેકે, વિશાલ અને શેખરનો અવાજ પણ યથાવત્ રખાયો છે. બાગી 3માં આ ગીતને દસ બહાને 2.0 એવું નામ અપાયું છે અને સંગીત રસિયાઓમાં આ રિમિક્સે ભારે ઉત્કંઠા અને ઉત્સાહ જગાવ્યો છે. આ ગીત ફિલ્મનાં મેકર્સને પણ બહુ પસંદ આવ્યું છે અને તેમણે આ ફિલ્મની શરૂઆતમાં જ વિશાલ-શેખરનો ખાસ આભાર માનતી પ્લેટ મૂકવાનું વચન પણ આપ્યું છે. વિશાલ શેખરે ગયા વર્ષે તો ત્રણ સૌથી મોટા ચાર્ટબસ્ટર્સ આપ્યા છે અને હવે આ વર્ષે તેઓ વાયઆરએફ અને અલી અબ્બાસ ઝફરની ફિલ્મો પર કામ કરી રહ્યા છે વળી યુકેનાં એક ઇન્ટરનેશનલ પ્રોજેક્ટમાં પણ તેઓ બિઝી છે.