ડિરેક્ટર ઍટલીનું માનવુ છે કે ‘જવાન’ અને ‘પઠાન’નો રેકૉર્ડ ‘ડંકી’ તોડશે.

એટલી
ડિરેક્ટર ઍટલીનું માનવુ છે કે ‘જવાન’ અને ‘પઠાન’નો રેકૉર્ડ ‘ડંકી’ તોડશે. આ ત્રણેય ફિલ્મો શાહરુખ ખાનની છે. ‘પઠાન’ આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થઈ હતી. ‘જવાન’ સાતમી સપ્ટેમ્બરે રિલીઝ થઈ છે અને ‘ડંકી’ આ વર્ષે ક્રિસમસ દરમ્યાન રિલીઝ થવાની છે. આજે ‘જવાન’ બૉક્સ-ઑફિસ પર તમામ રેકૉર્ડ તોડી રહી છે. આ ફિલ્મને ઍટલીએ ડિરેક્ટ કરી છે. તાજેતરમાં જ ઍટલીએ કહ્યું હતું કે ‘‘જવાન’ અને ‘પઠાન’નો રેકૉર્ડ ‘ડંકી’ ચોક્કસ તોડશે. આવી જ ઇકો-સિસ્ટમ હોવી જોઈએ. આપણી દરેક ફિલ્મ સાથે આગળ વધતા રહેવું જોઈએ. હવે મારે મારી આગામી ફિલ્મ દ્વારા ‘જવાન’ને ક્રૉસ કરવાની છે. હું ખાનસર માટે ખૂબ ખુશ છું. મને નથી લાગતું કે એક વર્ષમાં ૧,૦૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરવાનો રેકૉર્ડ કોઈના નામે હોય. હું તેના માટે પ્રાર્થના કરુ છું અને તેને શુભેચ્છા પણ આપું છું.’
‘જવાન’ને ઑસ્કરમાં મોકલવા વિશે હું શાહરુખસર સાથે વાત કરીશ : ઍટલી
‘જવાન’ના ડિરેક્ટર ઍટલીએ આ ફિલ્મને ઑસ્કરમાં મોકલવાનો નિર્ણય લીધો છે અને એને માટે તે શાહરુખ ખાન સાથે ચર્ચા કરશે. આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર કલેક્શનમાં સૌને મહાત આપી રહી છે. આ ફિલ્મમાં શાહરુખ સાથે દીપિકા પાદુકોણ, નયનતારા, સાન્યા મલ્હોત્રા, પ્રિયમણિ, વિજય સેતુપતિ, લહેર ખાન અને રિદ્ધિ ડોગરા પણ જોવા મળી રહી છે. સાતમી સપ્ટેમ્બરે આ ફિલ્મ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થઈ છે. ઍટલીને પૂછવામાં આવ્યું હતું કે શું તે આ ફિલ્મને ઑસ્કરમાં મોકલવા વિશે વિચારે છે. એનો જવાબ આપતાં ઍટલીએ કહ્યું કે ‘હા, ચોક્કસ. જો બધું સમુંસૂતરું પાર પડશે તો ‘જવાન’ને નક્કી મોકલવી જોઈએ. મને લાગે છે કે દરેક વ્યક્તિ, દરેક ડિરેક્ટર, દરેક ટૅક્નિશ્યન જે ફિલ્મોમાં કામ કરે છે તેમની નજર ઑસ્કર, ગોલ્ડન ગ્લોબ્સ, નૅશનલ અવૉર્ડ્સ અને દરેક અવૉર્ડ પર હોય છે. એથી હા, મને પણ ‘જવાન’ને ઑસ્કરમાં મોકલવાનું ગમશે. આશા છે કે ખાનસર આ ઇન્ટરવ્યુ વાંચે. હું તેમને કૉલ કરીને પૂછી લઈશ કે શું આપણે આ ફિલ્મને ઑસ્કરમાં મોકલવી જોઈએ?’