ફિલ્મ બે કલાકની હોવા છતાં એને ખેંચવામાં આવી છે અને ડાયલૉગ તેમ જ વનલાઇનર્સ પર વધુ કામ કરી શકાયું હોત: આયુષમાન સિવાય દરેક પાત્રને વેડફી નાખવામાં આવ્યું છે
ફાઇલ તસવીર
ફિલ્મ: ડ્રીમ ગર્લ 2
કાસ્ટ: આયુષમાન ખુરાના, અનન્યા પાંડે, મનોજ જોષી, પરેશ રાવલ, વિજય રાઝ, રાજપાલ યાદવ, સીમા પાહવા, મનજોત સિંહ, અભિષેક બૅનરજી, અનુ કપૂર
ADVERTISEMENT
ડિરેક્ટર: રાજ શાંડિલ્ય
રેટિંગ: ૨ સ્ટાર (ઠીક-ઠીક)
આયુષમાન ખુરાના અને અનન્યા પાંડેની ‘ડ્રીમ ગર્લ 2’ ગઈ કાલે થિયેટર્સમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ૨૦૧૯માં આવેલી ‘ડ્રીમ ગર્લ’ની સીક્વલ છે. આ ફિલ્મને રાજ શાંડિલ્ય દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. પહેલી ફિલ્મમાં નુસરત ભરૂચા હતી, પરંતુ બીજીમાં અનન્યા છે. સારું થયું આ ફિલ્મમાં નુસરત નથી નહીંતર તેના માટે આ એક ખરાબ સપનું હતું.
સ્ટોરી ટાઇમ
આ ફિલ્મમાં આયુષમાન કરમ અને પૂજા એમ બે પાત્ર ભજવી રહ્યો છે. કરમ તેની ગર્લફ્રેન્ડ પરી એટલે કે અનન્યા સાથે લગ્ન કરવા માગતો હોય છે. જોકે કરમ અને તેના પિતા જગજિત સિંહ એટલે કે અનુ કપૂર ગરીબ ફૅમિલીનાં હોય છે. તેમના માથે દેવું હોય છે. આથી પરીના પિતા મનોજ જોષી તેમનાં લગ્ન માટે એક શરત મૂકે છે. છ મહિનાની અંદર કરમ જો તેનું દેવું ચૂકતે કરી દે, સારું ઘર હોય અને બૅન્કમાં સારા પૈસા હોય તો તેની દીકરીનાં લગ્ન તેની સાથે કરાવશે. આ માટે કરમ ફોનની જગ્યાએ હવે ક્લબમાં છોકરી તરીકે ડાન્સ કરીને જલદી પૈસા કમાવાનું નક્કી કરે છે. આ સાથે જ તે સાઇકિયાટ્રિસ્ટ પણ બને છે. ડિપ્રેશનમાંથી બહાર લાવવા તે શાહરુખ એટલે કે અભિષેક બૅનરજીને મદદ કરી રહ્યો હોય છે અને પૈસા ખાતર તે તેની સાથે લગ્ન કરે છે. આ દરમ્યાન પૂજા સાથે તેની ક્લબનો માલિક વિજય રાઝ પણ લગ્ન કરવા માગતો હોય છે. આ બધાની વચ્ચે અન્ય પણ લવ સ્ટોરી ચાલતી હોય છે.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
પહેલી ફિલ્મ ખૂબ જ સારી રહી હતી અને એથી જ એની સીક્વલ બનાવવાની હિમ્મત કરવામાં આવી છે. પહેલી ફિલ્મમાં આયુષમાન પાસે ખાલી છોકરીનો અવાજ કઢાવવામાં આવ્યો હતો, પરંતુ બીજી ફિલ્મમાં તેને છોકરી બનાવી તેની પાસે કામ કઢાવવામાં આવ્યું છે. આ માટે ફિલ્મમેકર અને આયુષમાન બન્નેએ ખૂબ જ હિમ્મતભર્યું કામ કર્યું છે. આ ફિલ્મનો પ્લૉટ સારો હતો, પરંતુ સ્ક્રિપ્ટ પર વધુ કામ કરવાની જરૂર હતી. અંદાજે બે કલાકની ફિલ્મ હોવા છતાં એને ખેંચવામાં આવી હોય એવું લાગે છે. ફિલ્મમાં કેટલાંક ફની દૃશ્યો છે, પરંતુ એમ છતાં એટલી જ ડલ મોમેન્ટ્સ પણ છે. કેટલાક ડાયલૉગ ફની છે તો કેટલાક વાંધાજનક પણ છે. અનુ કપૂર, પરેશ રાવલ, મનોજ જોષી અને રાજપાલ યાદવ અને વિજય રાઝ જેવા ઍક્ટરના પર્ફોર્મન્સ અને ડાયલૉગ ડિલિવરીને કારણે કેટલાંક દૃશ્યો ફની લાગે છે. આથી સ્ક્રિપ્ટ અને ડાયલૉગ અને ખાસ કરીન વન લાઇનર્સ પર હજી કામ કરવાની જરૂર હતી. શરૂઆતમાં ફિલ્મ ફ્રેશ હોવાથી સારી લાગે છે, પરંતુ એક સમય બાદ એ મૉનોટોનસ થઈ જાય છે. જોકે એક વાત સારી છે કે પૂજાને વધુ સ્ક્રીન ટાઇમ આપવામાં આવ્યો છે નહીંતર ફિલ્મ ખરેખર એક ખરાબ સપનું બની ગઈ હોત. ફિલ્મમાં પ્રિયદર્શન જેવો ખીચડો ઊભો કરવાની કોશિશ કરવામાં આવી છે, પરંતુ એવી ક્લાસિક ફિલ્મો જેવી મજા નથી આવી.
પર્ફોર્મન્સ
આયુષમાન ખુરાનાએ પૂજા અને કરમ બન્નેનાં પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યાં છે. પૂજા તરીકે કેટલાંક દૃશ્યો એવાં હતાં જે વલ્ગર લાગી શકે, પરંતુ આયુષમાને એને પોતાની ઍક્ટિંગ અને અદા દ્વારા બચાવી લીધાં છે. અનન્યાએ ફિલ્મમાં પરીનું પાત્ર ભજવ્યું છે. જોકે આ પરી સતત પલાયન થઈ જતી હોય એવું લાગે છે. તેની પાસે ખાસ કામ કઢાવવામાં નથી આવ્યું. તેના પાત્રની પણ સ્ટોરી પર કોઈ ખાસ અસર નથી પડતી. સ્ટોરીને આગળ વધારવા માગે અને મૉનોટોનસ થઈ જતી હોય ત્યારે એમાં ફરી નવો ટ્વિસ્ટ લાવવા માટે અનન્યાને યુઝ કરવામાં આવી છે. તે હિરોઇન કરતાં એક્સટેન્ડેડ કૅમિયોમાં હોય એવું વધુ લાગે છે. અનુ કપૂર પાસે પિતાનું પાત્ર હોવાથી થોડો સ્ક્રીન ટાઇમ છે, પરંતુ એમ છતાં તેમની પાસેથી જોઈએ એવું કામ નથી કઢાવાયું. પરેશ રાવલ, મનોજ જોષી, વિજય રાઝ, રાજપાલ યાદવ જેવા દરેક ઍક્ટરને વેડફી કાઢવામાં આવ્યા છે. તેમણે જે પણ કામ કર્યું છે એ સારું છે, પરંતુ તેમની પાસે વધુ સારું કામ કઢાવી શકાયું હોત. સીમા પાહવા અને મનજોત સિંહને પણ ફિલ્મમાં નજરઅંદાજ કરવામાં આવ્યાં હોય એવું લાગે છે.
મ્યુઝિક
આ ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક હિતેશ સોનિકે આપ્યું છે. તેનું મ્યુઝિક ઘણાં દૃશ્યને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવે છે. જોકે તનિશ્ક બાગચી અને મીત બ્રધર્સનાં ગીત ઍવરેજ છે. આ ફિલ્મનાં ગીત એટલાં ઇન્ટરેસ્ટિંગ નથી. જોકે તનિશ્ક બાગચી આમ પણ ઓરિજિનલ ગીતોનું મર્ડર કરવા માટે જાણીતો છે.
આખરી સલામ
છેલ્લા ઘણા સમયથી ફિલ્મોમાં બૉલીવુડની ઘણી ફિલ્મોના રેફરન્સ આપવામાં આવે છે. આ રેફરન્સ આ ફિલ્મનાં ઘણાં દૃશ્યોમાં કામ કરી ગયા છે તો ઘણામાં એ નિષ્ફળ પણ રહ્યું છે. એવી કેટલીક ફિલ્મો હોય છે જે ઓરિજિનલી ખૂબ જ જોરદાર બની હોય છે, પરંતુ સીક્વલમાં એટલો દમ નથી હોતો. જોકે પહેલી ફિલ્મના નામ પર જેટલો બિઝનેસ થાય એ કરશે.


