રણવીર સિંહે ‘ડૉન 3’નો વિવાદ ઉકેલવા આ ઑફર કરી હતી પણ નિર્માતાઓએ એને ફગાવી દીધી, કારણ કે તેમને ભવિષ્યમાં તેની સાથે કામ કરવામાં રસ નહોતો
રહાન અને રિતેશ છેલ્લાં બે વર્ષમાં જે કંઈ થયું એ પછી ભવિષ્યમાં રણવીર સિંહ સાથે કામ કરવા માગતા નહોતા
હાલમાં ‘ડૉન 3’ વિવાદમાં ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝ (FWICE)એ ‘ડૉન 3’ વિવાદના મામલે રણવીર સિંહ વિરુદ્ધ ‘નૉન-કોઑપરેશન’ જાહેર કર્યું હતું. જોકે એક રિપોર્ટ અનુસાર રણવીરે માર્ચ મહિનામાં પોતાના અને ‘ડૉન 3’ના નિર્માતાઓ ફરહાન અખ્તર તથા રિતેશ સિધવાની વચ્ચેનો વિવાદ ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો.
આ વિવાદ વિશે રણવીરની નજીકની એક વ્યક્તિએ માહિતી આપી હતી કે ‘વિવાદના સમયે રણવીરની ટીમે એક્સેલ એન્ટરટેઇનમેન્ટને તરત જ ૧૦ કરોડ રૂપિયા ચૂકવવાની ઑફર આપી હતી. ઉપરાંત ભવિષ્યમાં ‘ડૉન 3’ સિવાયની કોઈ અન્ય ફિલ્મ માટે એક્સેલ એન્ટરટેઇનમેન્ટ જો રણવીર સાથે કામ કરવા ઇચ્છે તો એમાં ૨૫ કરોડ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવાની પણ વાત કરી હતી. આ ઑફરનો હેતુ એ હતો કે એક્સેલને તરત વળતર મળી જાય અને ભવિષ્ય માટે પ્રોફેશનલ સંબંધો પણ જળવાઈ રહે. જોકે ફરહાન અને રિતેશ છેલ્લાં બે વર્ષમાં જે કંઈ થયું એ પછી ભવિષ્યમાં રણવીર સિંહ સાથે કામ કરવા માગતા નહોતા. તેમને લાગ્યું કે વિલંબ, અનિશ્ચિતતા અને આખરે થયેલા વિવાદને કારણે તેમને આર્થિક તેમ જ વ્યાવસાયિક રીતે મોટું નુકસાન થયું છે. તેથી તેમણે આ ઑફર સ્વીકારી નહોતી. તેમનું માનવું હતું કે એક્સેલને સીધું વળતર મળવું જોઈએ.’
ADVERTISEMENT
‘ડૉન 3’ની જાહેરાત ૨૦૨૩માં કરવામાં આવી હતી, જેમાં રણવીર અને કિઆરા અડવાણી મુખ્ય ભૂમિકામાં હતાં. જોકે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ શક્યું નહોતું. અહેવાલો અનુસાર આ વર્ષે ફિલ્મ ફ્લોર પર જવાની હતી, પરંતુ શૂટિંગ શરૂ થવાનાં થોડાં અઠવાડિયાં પહેલાં જ રણવીરે ફિલ્મ છોડી દીધી હતી જેના કારણે વિવાદ સર્જાયો હતો.
