ડૉન ૩નો વિવાદ વકર્યો, મામલો પહોંચ્યો ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝમાં...
રણવીર સિંહ, ફરહાન અખ્તર
ફિલ્મ ‘ડૉન ૩’ને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. આ ફિલ્મમાં કામ કરવા માટે રણવીર સિંહે છેલ્લી ઘડીએ ના પાડી દેતાં ડિરેક્ટર ફરહાન અખ્તરે હવે રણવીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝ (FWICE)નો સંપર્ક કર્યો છે. આ ફિલ્મના લીડ રોલ માટે રણવીરને સાઇન કરવામાં આવ્યો હતો પણ તેના અને મેકર્સ વચ્ચે થયેલા કથિત વિવાદને કારણે ફિલ્મ હાલ હોલ્ડ પર ચાલી ગઈ છે.
FWICE હવે આ સમગ્ર મામલાની સમીક્ષા કર્યા બાદ પ્રેસ કૉન્ફરન્સમાં પોતાનું નિવેદન આપશે. સત્તાવાર નિવેદનમાં FWICEએ જણાવ્યું કે પ્રેસ કૉન્ફરન્સ દરમ્યાન તેઓ ફરહાન અખ્તર અને રણવીર સિંહ વચ્ચેના મામલે ચર્ચા કરશે. ફેડરેશને આગળ કહ્યું કે આ ફરિયાદ એને એના સહયોગી સંગઠન ઇન્ડિયન ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ અસોસિએશન (IFTDA) મારફત મળી હતી કારણ કે ફરહાન અખ્તર આ સંગઠનનો સભ્ય છે.
શું હતો વિવાદ?
રણવીર સિંહ અને ફરહાન અખ્તર વચ્ચે લાંબા સમયથી ‘ડૉન 3’નો વિવાદ ચાલી રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે રણવીર ‘ડૉન 3’ની વાર્તાને વધુ હિંસક બનાવવા માગતો હતો પણ ડિરેક્ટર ફરહાન અખ્તર આ વાત સાથે સહમત નહોતો જેના કારણે મતભેદની શરૂઆત થઈ હતી. આ પછી ફિલ્મમાંથી રણવીરના અચાનક બહાર નીકળી જવાના કારણે ફિલ્મના પ્રી-પ્રોડક્શન અને અન્ય આયોજનો ખોરવાઈ ગયાં હતાં, જેના કારણે પ્રોડક્શન હાઉસે રણવીર સામે આશરે ૪૦ કરોડ રૂપિયાના વળતરનો દાવો માંડ્યો હતો. આ વિવાદને ઉકેલવા માટે રણવીરે તેની સાઇનિંગ અમાઉન્ટ (અંદાજિત ૧૦ કરોડ રૂપિયા) પરત આપવાની તૈયારી દર્શાવી હતી. આ મામલે પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા દ્વારા પણ મધ્યસ્થી કરવામાં આવી હતી. જોકે સમાધાનના અહેવાલો વચ્ચે વિવાદ સંપૂર્ણપણે ન ઉકેલાતાં ફરહાન અખ્તરે આ મામલે સત્તાવાર કાર્યવાહી માટે FWICEમાં ફરિયાદ નોંધાવી છે.
