દીપિકા ચિખલિયાએ કહ્યું કે હું આ ઑડિશન માટે પહોંચી, કારણ કે ફિલ્મના નામ પરથી મને લાગ્યું કે આ એક ધાર્મિક ફિલ્મ હશે.
દીપિકા ચિખલિયા
ફિલ્મમેકર રામાનંદ સાગરની ટીવી સિરિયલ ‘રામાયણ’માં સીતાનો રોલ ભજવીને સારીએવી લોકપ્રિયતા મેળવનાર દીપિકા ચિખલિયાને આજે પણ લોકો સીતામાતા તરીકે જ ઓળખે છે. થોડા સમય પહેલાં દીપિકાએ એક નિવેદન આપ્યું હતું કે હું સીતા તરીકે જીવી છું અને સીતા તરીકે મરવા માગું છું.
હાલમાં દીપિકાએ એક ઇન્ટરવ્યુમાં પોતાના જીવનનો એક મહત્ત્વનો ઘટનાક્રમ જણાવ્યો છે. દીપિકાએ કહ્યું છે કે ‘હું શરૂઆતના દિવસોમાં ફિલ્મોમાં નાની ભૂમિકાઓ ભજવતી હતી. મારી પાસે એવી બે-ત્રણ ફિલ્મો હતી જેમાં હું મુખ્ય ભૂમિકા ભજવી રહી હતી પરંતુ મને મોટી ભૂમિકા ઑફર કરવામાં નહોતી આવતી. હું જ્યારે ફિલ્મઉદ્યોગ છોડવાનું વિચારી રહી હતી ત્યારે મને ખબર પડી કે રાજ કપૂર તેમની આગામી ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ માટે લીડ ઍક્ટ્રેસ શોધી રહ્યા છે. હું ઑડિશન માટે પહોંચી, કારણ કે ફિલ્મના નામ પરથી મને લાગ્યું કે આ એક ધાર્મિક ફિલ્મ હશે, પણ મને ઑડિશન આપવાની ના પાડી દેવામાં આવીને રિજેક્ટ કરી દેવામાં આવી.’
દીપિકાએ આ ઘટનાક્રમ વિશે જણાવ્યું કે ‘જ્યારે રાજ કપૂરે મને ઑડિશન માટે આવતી જોઈ ત્યારે તેમણે કહ્યું કે તું હજી ખૂબ નાની છે. તારે ચાલ્યા જવું જોઈએ. એ સમયે મને સમજાયું જ નહીં કે રાજ કપૂરે મને ઑડિશન વિના પાછી કેમ મોકલી દીધી, પરંતુ જ્યારે મેં ફિલ્મ જોઈ ત્યારે મને સમજાઈ ગયું કે રાજ કપૂરે મને શા માટે પાછી મોકલી હતી. શરૂઆતમાં આ ફિલ્મ ન મળતાં હું ખૂબ દુખી હતી, પરંતુ પછી મને અહેસાસ થયો કે જો મેં એ ફિલ્મ કરી હોત તો મને રામાયણમાં સીતાનો રોલ ન મળ્યો હોત.’


