બૉર્ડર 2ના પ્રોડ્યુસર ભૂષણ કુમારે લેખિતમાં ખાતરી આપી કે ભવિષ્યમાં તે કોઈ પણ ફિલ્મમાં દિલજિતને કાસ્ટ નહીં કરે
દિલજિત દોસાંઝ
દિલજિત દોસાંઝ હાલમાં તેની ફિલ્મ ‘સરદારજી 3’ને લઈને વિવાદોમાં ઘેરાયેલો છે. આ ફિલ્મમાં તેની સાથે પાકિસ્તાની ઍક્ટ્રેસ હાનિયા આમિરે કામ કર્યું છે. પહલગામ હુમલા પછી ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મુકાયેલો હોવાને કારણે ‘સરદારજી 3’ ભારત સિવાય અન્ય દેશોમાં રિલીઝ કરવામાં આવી છે. આ દરમ્યાન એવી ચર્ચા હતી કે દિલજિતને ‘બૉર્ડર 2’માંથી હટાવી શકાય છે. જોકે દિલજિતે તાજેતરમાં ફિલ્મના સેટ પરથી એક વિડિયો શૅર કરીને સ્પષ્ટ કરી દીધું કે તે હજી પણ આ ફિલ્મનો ભાગ છે.
આ વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝ (FWICE)એ દિલજિત પરનો પ્રતિબંધ ફક્ત ‘બૉર્ડર 2’ માટે હટાવ્યો છે. ‘બૉર્ડર 2’ના નિર્માતા અને ટી-સિરીઝના માલિક ભૂષણ કુમારે પણ આ વિશે નિવેદન આપ્યું છે. મળતી માહિતી પ્રમાણે ભૂષણ કુમારે જણાવ્યું કે ફિલ્મમાં ફક્ત એક ગીતનું શૂટિંગ બાકી હતું એથી ‘બૉર્ડર 2’માંથી દિલજિતને હટાવવાનું શક્ય નથી. જોકે તેમણે સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં તે કોઈ પણ ફિલ્મમાં દિલજિતને કાસ્ટ નહીં કરે. તેમણે કહ્યું, ‘મેં ફેડરેશનને લેખિતમાં આપી દીધું છે કે દિલજિત દોસાંઝને ભવિષ્યમાં કોઈ પણ ફિલ્મમાં કાસ્ટ નહીં કરું.’
ADVERTISEMENT
ઇન્ડિયન ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ અસોસિએશનના પ્રમુખ અશોક પંડિતે પણ આ જ વાતનું પુનરાવર્તન કર્યું. તેમણે કહ્યું, ‘ફક્ત ‘બૉર્ડર 2’ માટે પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. દિલજિત મામલે અમારું નૉન-કોઑપરેશન આગળ પણ ચાલુ રહેશે. જો કોઈ અન્ય નિર્માતા દિલજિત સાથે ફિલ્મ બનાવશે તો તેને ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. ફેડરેશન એના માટે જવાબદાર નહીં હોય.’

