જોકે ધમકીઓ વચ્ચે દિલજિતે પોતાની આંતરરાષ્ટ્રીય ટૂર ચાલુ રાખી છે
દિલજિત દોસાંઝ
પંજાબી સિન્ગર અને ઍક્ટર દિલજિત દોસાંઝને ફરી ધમકીઓ મળી રહી છે. દિલજિત હાલમાં ‘ઑરા ટૂર’ પર છે. થોડા સમય પહેલાં અમેરિકામાં સ્થિત ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ દિલજિતને પર્થ કૉન્સર્ટ માટે ચેતવણી આપી હતી અને હવે દિલજિતને ફરીથી નવી ધમકીઓ મળી છે. આ ધમકી પછી પર્થમાં થયેલી કૉન્સર્ટ દરમ્યાન ખાલિસ્તાન સમર્થકો દ્વારા નારા લગાવવામાં આવ્યા હતા. હવે ન્યુ ઝીલૅન્ડના ઑકલૅન્ડના દિલજિતના આગામી શોને ખાલિસ્તાની સમર્થકો દ્વારા અવરોધવાની ધમકી આપવામાં આવી છે.
દિલજિત ‘કૌન બનેગા કરોડપતિ’માં અમિતાભ બચ્ચનને પગે લાગતો જોવા મળ્યો હતો અને આ પછી પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન ‘સિખ્સ ફૉર જસ્ટિસ’ દ્વારા 29 ઑક્ટોબરે દિલજિત વિરુદ્ધ ધમકી જાહેર કરવામાં આવી હતી અને તેની પહેલી નવેમ્બરની ઑસ્ટ્રેલિયાની કૉન્સર્ટને રોકવાની ચેતવણી પણ આપી હતી. જોકે ધમકીઓ વચ્ચે દિલજિતે પોતાની આંતરરાષ્ટ્રીય ટૂર ચાલુ રાખી છે અને આ મુદ્દે સીધી કોઈ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે.


