રણવીર સિંહની ફિલ્મ જબરદસ્ત બિઝનેસ કરી રહી છે ત્યારે હવે અક્ષય કુમાર પોતાની ભૂત બંગલા રિલીઝ કરવા તૈયાર છે
અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મ ‘ભૂત બંગલા’ ૧૦ એપ્રિલે રિલીઝ કરવા તૈયાર છે
રણવીર સિંહની ‘ધુરંધર : ધ રિવેન્જ’ બૉક્સ-ઑફિસ પર જબરદસ્ત ધૂમ મચાવી રહી છે. રિલીઝ પહેલાં જ ફિલ્મને લઈને ગજબનો માહોલ બન્યો હતો અને રિલીઝ પછી ફિલ્મે કમાણીના મામલે અનેક રેકૉર્ડ કર્યા છે. હવે ‘ધુરંધર : ધ રિવેન્જ’ના ધડાકા વચ્ચે અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મ ‘ભૂત બંગલા’ ૧૦ એપ્રિલે રિલીઝ કરવા તૈયાર છે અને ઝડપથી એનું પ્રમોશન કરી રહ્યો છે. જોકે ઘણા એક્ઝિબિટર્સે સલાહ આપી છે કે હાલના સંજોગોમાં અક્ષયે પોતાની ફિલ્મની રિલીઝ આગળ ધપાવવી જોઈએ, પણ અક્ષયને લાગે છે કે તેની ફિલ્મને ‘ધુરંધર : ધ રિવેન્જ’થી કોઈ ખતરો નથી.
તાજેતરમાં ફિલ્મના પ્રમોશન દરમ્યાન અક્ષયે ‘ધુરંધર : ધ રિવેન્જ’ની સફળતા પર પણ વાત કરી હતી. તેણે કહ્યું કે ‘બે ફિલ્મોની રિલીઝ વચ્ચે ૨૧ દિવસનું અંતર પૂરતું હોય છે કે નહીં એ સમય જ જણાવશે, પરંતુ હું ખુશ છું કે ‘ધુરંધર : ધ રિવેન્જ’ આટલી સફળ થઈ રહી છે અને થિયેટર્સમાં મોટો ફુટફોલ લાવી છે. આ ફિલ્મે હિન્દી સિનેમાને નવી ઊંચાઈ પર પહોંચાડ્યું છે. જોકે ‘ધુરંધર : ધ રિવેન્જ’ ઍક્શન ફિલ્મ છે જ્યારે ‘ભૂત બંગલા’ ફૅન્ટસી હૉરર અને ફૅમિલી ફિલ્મ છે એટલે ‘ધુરંધર : ધ રિવેન્જ’થી મારી ફિલ્મને કોઈ ખતરો નથી. મારી ફિલ્મ જોવા માટે પેરન્ટ્સ બાળકોને સાથે લાવી શકે છે. ઇન્ડસ્ટ્રી માટે સારી વાત એ છે કે તમામ ફિલ્મો સફળ થાય.’
