દીપિકાએ સોશ્યલ મીડિયામાં આ વાતને સપોર્ટ આપતો ઇશારો કર્યો હોવાને કારણે ચર્ચા શરૂ થઈ છે
દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર
દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરનો સમાવેશ બૉલીવુડની લોકપ્રિય જોડીઓમાં થાય છે. તેમણે એકસાથે ‘બચના અય હસીનોં’, ‘યે જવાની હૈ દીવાની’ અને ‘તમાશા’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આ ભૂતપૂર્વ પ્રેમીઓને બ્રેકઅપ પછી પણ સાથે કામ કરવામાં સમસ્યા નથી એ વાતનો પુરાવો તેમણે ‘તમાશા’માં સાથે કામ કરીને આપી જ દીધો છે. થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે રણબીર હવે તેના આર. કે. ફિલ્મ્સના બૅનરને ફરી સક્રિય બનાવવા ફિલ્મ ડિરેક્ટ કરવાનો છે અને આ ફિલ્મમાં તે તેની સાથે લીડ ઍક્ટ્રેસ તરીકે દીપિકાને લેવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. હવે દીપિકાએ એક સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સરની રીલને લાઇક કરી છે જેમાં તે ફિલ્મમેકર્સને આ જોડીને ફરી સાથે કાસ્ટ કરવાની વિનંતી કરે છે. દીપિકાની આ હરકત જોઈને ફૅન્સ એવી ચર્ચા કરવા લાગ્યા છે કે આ જોડી ટૂંક સમયમાં સાથે ફિલ્મ કરવાનું પ્લાનિંગ કરી રહી છે અને દીપિકા આ વાતને સપોર્ટ કરતા ઇશારાઓ કરી રહી છે.


