દીપિકા પાદુકોણ ‘બ્રહ્માસ્ત્ર 2’નો ભાગ નથી હોવાનું તેમના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું છે. બીજી તરફ ફિલ્મને હજુ મજબૂત સ્ટુડિયો-પાર્ટનર ન મળતાં નિર્માણનું પ્લાનિંગ ડામાડોળ છે, જ્યારે અનીત પડ્ડાની એન્ટ્રીની પણ ચર્ચા છે.
દીપિકા પાદુકોણ
૨૦૨૨માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ઉપરાંત દીપિકા પાદુકોણ પણ હતી. તાજેતરમાં ચર્ચા હતી કે ફિલ્મના બીજા ભાગમાં દીપિકા પાદુકોણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. હવે દીપિકાના પ્રવક્તાએ આ ચર્ચાને ખોટી ગણાવી છે.
આ મામલે વાત કરતાં દીપિકાના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘દીપિકા ‘બ્રહ્માસ્ત્ર 2’નો ભાગ નથી. તે આ પ્રોજેક્ટ સાથે કોઈ પણ રીતે જોડાયેલી નથી. દીપિકા ‘બ્રહ્માસ્ત્ર 2’માં મહત્ત્વની ભૂમિકા ભજવશે એવી વાતો પાયાવિહોણી છે અને એમાં કોઈ સત્ય નથી.’
બ્રહ્માસ્ત્ર 2 બનાવવાનું પ્લાનિંગ થઈ ગયું ડામાડોળ
ADVERTISEMENT

રણબીર કપૂરની ‘બ્રહ્માસ્ત્ર 2’ છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં છે. હાલમાં રિપોર્ટ હતા કે આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે એપ્રિલથી શરૂ થશે. જોકે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ‘બ્રહ્માસ્ત્ર 2’ને હજુ સુધી કોઈ સ્ટુડિયો-પાર્ટનર મળ્યો નથી જેના કારણે એને બનાવવાનું પ્લાનિંગ ડામાડોળ થઈ ગયું છે. મળતી માહિતી પ્રમાણે અયાન મુખરજીની પ્રોડક્શન કંપની સ્ટારલાઇટ પિક્ચર્સ પાસે ‘બ્રહ્માસ્ત્ર’ના રાઇટ્સ છે અને એ જ બીજા ભાગનું નિર્માણ કરશે. અયાન હાલમાં સહ-નિર્માતા તરીકે જોડાઈ શકે એવા મોટા સ્ટુડિયોની શોધમાં છે. નિર્માતાઓએ જિયો સ્ટુડિયોઝ સાથે પણ ચર્ચા કરી હતી, પણ વાત આગળ વધી શકી નથી.
‘બ્રહ્માસ્ત્ર’ના પ્રથમ ભાગમાં કરણ જોહરની ધર્મા પ્રોડક્શન્સ પણ સહ-નિર્માતા હતી, પણ હવે એ બીજા ભાગ સાથે જોડાવા નથી માગતી. ધર્મા પ્રોડક્શન્સથી અલગ થયા બાદ અયાન મુખરજીએ યશરાજ ફિલ્મ્સ સાથે પણ ચર્ચા કરી હતી. આ સમયે આદિત્ય ચોપડાએ શરૂઆતમાં ‘બ્રહ્માસ્ત્ર 2’માં રસ દર્શાવ્યો હતો, પણ ‘વૉર 2’એ બૉક્સ-ઑફિસ પર સફળતા ન મેળવતાં યશરાજ ફિલ્મ્સે ‘બ્રહ્માસ્ત્ર 2’ વિશેની ચર્ચા આગળ ન વધારવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે.
હાલ અયાન પોતાની કંપની સાથે મળીને ફિલ્મ બનાવી શકે એવા મજબૂત સ્ટુડિયો-પાર્ટનરની શોધમાં છે. જોકે હજુ સુધી કોઈ સોદો ફાઇનલ થયો નથી. આ સંજોગોમાં ‘બ્રહ્માસ્ત્ર 2’નું ભવિષ્ય અનિશ્ચિત દેખાઈ રહ્યું છે અને ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ ડામાડોળ છે.
બ્રહ્માસ્ત્ર 2માં અનીત પડ્ડાની એન્ટ્રી?

રણબીર કપૂર ‘રામાયણ’ પછી ‘બ્રહ્માસ્ત્ર 2’માં કામ કરવાનો છે એવી ચર્ચા છે. માનવામાં આવી રહ્યું છે કે ‘બ્રહ્માસ્ત્ર 2’ પહેલા ભાગ કરતાં પણ વધુ ભવ્ય બનશે અને એના માટે નિર્માતાઓ કાસ્ટિંગ સહિત અનેક મોટા ફેરફારો પર કામ કરી રહ્યા છે. ચર્ચા છે કે ‘સૈયારા’થી લોકપ્રિય બનેલી ઍક્ટ્રેસ અનીત પડ્ડા ‘બ્રહ્માસ્ત્ર 2’નો ભાગ બની શકે છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે નિર્માતાઓએ અનીતને ફિલ્મ માટે અપ્રોચ કરી છે. જોકે હજુ સુધી આ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
‘બ્રહ્માસ્ત્ર’ના પહેલા ભાગમાં રણબીરની સામે આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી અને હવે બીજા ભાગમાં આલિયાની સાથે અનીતને પણ સાઇન કરવાનું પ્લાનિંગ છે. અત્યારે મેકર્સે કરેલા પ્લાનિંગ પ્રમાણે ‘બ્રહ્માસ્ત્ર 2’નું શૂટિંગ આવતા વર્ષે એપ્રિલથી શરૂ થવાની શક્યતા છે અને એને વર્ષના અંત સુધી રિલીઝ કરી દેવામાં આવશે.
