Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રિક્ષા-ડ્રાઇવરોની હડતાળ પાછી ખેંચાઈ

રિક્ષા-ડ્રાઇવરોની હડતાળ પાછી ખેંચાઈ

Published : 26 August, 2026 07:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સરકારની ખાતરી : ટ્રેઇનિંગ દરમ્યાન બૅજ નહીં કરાય રદ, ૧૬૧ સેન્ટર પર ટ્રેઇનિંગ લઈ શકાશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મરાઠી ભાષાના મુદ્દે સ્વેચ્છાએ હડતાળ પર ઊતરેલા રિક્ષા-ડ્રાઇવરોની હડતાળ આજથી પાછી ખેંચાઈ છે. સરકારે બિન-મરાઠી ભાષી ઑટોરિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરો માટે મંગળવારે રાજ્યભરમાં ૧૬૧ મરાઠી ભાષા તાલીમ કેન્દ્રો શરૂ કરવાની તેમ જ અનિયમિતતાઓની ફરિયાદોના નિવારણ માટે સમર્પિત રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)ની હેલ્પલાઇનની જાહેરાત કરી છે. એક દિવસ અગાઉ જે ડ્રાઇવરોને નોટિસ આપવામાં આવી હતી તેમણે એક મહિનાના નોટિસ સમયગાળા દરમ્યાન મરાઠી શીખવા માટે કોઈ જગ્યા ન હોવાથી ચિંતા વ્યક્ત કરી હતી જેના પગલે સરકારે આ જાહેરાત કરી છે.

ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું કે આ ડ્રાઇવરો માટે કેન્દ્રો આગામી બેથી ત્રણ દિવસમાં કાર્યરત થઈ જશે જેનાથી ડ્રાઇવરોને મૂળભૂત મરાઠી તાલીમની સરળ ઍક્સેસ મળશે. આ ઉપરાંત તેમણે સ્પષ્ટ કર્યું છે કે બિન-મરાઠી ભાષી ડ્રાઇવરોને મરાઠી શીખવા માટે પહેલા એક મહિનાનો સમય આપવામાં આવશે અને જરૂર પડે તો વધુ ત્રણ મહિનાની મુદત લંબાવી આપવામાં આવશે. આ તાલીમ કે શીખવાના સમયગાળા દરમ્યાન ડ્રાઇવરોના બૅજ રદ કરવામાં આવશે નહીં. 



રિક્ષા-ડ્રાઇવરોએ ગઈ કાલે બીજા દિવસે પણ મરાઠી ભાષાનો નિયમ લાગુ કરવાના વિરોધમાં હડતાળ ચાલુ રાખી હોવાથી મુંબઈગરાઓને વધુ એક દિવસ અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો. 
રિક્ષા અને ટૅક્સી યુનિયનો રાજ્યની મરાઠી ભાષાની જોગવાઈનું પાલન કરવા માટે ડ્રાઇવરો માટે વધારાનો સમય માગી માંગ્યો હતો. મુંબઈ ઑટોરિક્ષા-ટૅક્સીમેન યુનિયનના પ્રમુખ શશાંક રાવે જણાવ્યું હતું કે ‘ડ્રાઇવરોને મરાઠી શીખવા અને તેમની આજીવિકા માટે જરૂરી પ્રક્રિયા પૂરી કરવા માટે પૂરતો સમય આપવો જોઈએ.


કાંદિવલી અને ઘાટકોપરમાં MNSનાં આક્રમક બૅનર્સ : વિવાદ વધતાં પોલીસે બૅનર્સ હટાવ્યાં

કાંદિવલી-વેસ્ટમાં અમરાઠી રિક્ષાચાલકોએ મરાઠી ભાષાની સખ્તીના વિરોધમાં કરેલા ચક્કાજામ અને હિંસક વિરોધ-પ્રદર્શન બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) અત્યંત આક્રમક મૂડમાં આવી ગઈ છે. કાંદિવલીમાં ‘મરાઠી શીખો અથવા મુંબઈ છોડીને જતા રહો’ જેવી કડક ચેતવણી આપતાં બૅનરો લાગ્યા બાદ અેવી જ રીતે ઘાટકોપર-વેસ્ટમાં MNSના કાર્યકર અૅડ્વોકેટ અભિષેક સાવંત દ્વારા અમરાઠી રિક્ષાચાલકો અને પરપ્રાંતીયો વિરુદ્ધ મરાઠી ભાષાના અપમાન બદલ ‘મહારાષ્ટ્રમાંથી ચાલ્યા જાવ, નહીંતર...’ લખાણવાળાં બૅનરો લગાડવામાં આવ્યાં હતાં. આ બૅનરબાજીથી ભારે વિવાદ સર્જાતાં ગઈ કાલે સાંજે પોલીસે બન્ને વિસ્તારમાંથી આ બૅનર્સ ઉતારી લીધાં હતાં.


મીરા રોડમાં પણ મરાઠીના મુદ્દે મચમચ

આક્રમક વિરોધ-પ્રદર્શન અને મુસાફરો સાથે વિવાદ કરનારા પચીસ રિક્ષા-ડ્રાઇવરો દંડાયા

મરાઠી ન બોલતા રિક્ષા-ડ્રાઇવરોમાં બોલચાલની મરાઠી ભાષા વિશેનો વિવાદ વધુ તીવ્ર બન્યો છે જેમાં કેટલાક ડ્રાઇવરોએ મીરા રોડ વિસ્તારમાં વિરોધ શરૂ કર્યો હતો. ડ્રાઇવરો મરાઠી શીખવા અને મુસાફરો સાથે મરાઠીમાં વાતચીત કરવા માટે વધારાનો ૬થી ૭ મહિનાનો સમય માગી રહ્યા છે. વિરોધ દરમ્યાન કેટલાક ડ્રાઇવરો પર મુસાફરો સાથે અસભ્ય વર્તન કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. મીરા રોડમાં કેટલાક રિક્ષા-ડ્રાઇવરોએ રસ્તા પર પોતાની રિક્ષાઓ પાર્ક કર્યા બાદ વિરોધ-પ્રદર્શનને કારણે ટ્રાફિક ખોરવાઈ ગયો હોવાનું કહેવાય છે. આ ઘટનાની ગંભીર નોંધ લેતાં મીરા-ભાઈંદર રીજનલ ટ્રાફિક ઑફિસે લગભગ પચીસ રિક્ષા-ડ્રાઇવરો સામે કાર્યવાહી શરૂ કરી છે જેમાં આશરે ૭૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે મુસાફરો સાથે ગેરવર્તન કરનારા અથવા તેમને રિક્ષામાંથી નીચે ઊતરવા દબાણ કરનારા ડ્રાઇવરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આવા ડ્રાઇવરોના પરમિટ રદ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે. 

મરાઠી ભાષાના નિયમ સામે કૅબ-ડ્રાઇવરો હાઈ કોર્ટમાં ગયા

ભાષાનો નિયમ લાખો સ્થળાંતરિત અને ગરીબ ડ્રાઇવરોની આજીવિકાને અસર કરતો હોવાની જાહેર હિતની અરજી થઈ

મુંબઈના ચાર કૅબ-ડ્રાઇવરોએ મંગળવારે બૉમ્બે હાઈ કોર્ટમાં મહારાષ્ટ્ર સરકારના રિક્ષા, ટૅક્સી અને અૅપ-આધારિત 
કૅબ-ડ્રાઇવરો માટે મરાઠી ભાષાનું બોલચાલનું જ્ઞાન ફરજિયાત બનાવવાના નિર્ણય સામે અરજી દાખલ કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે અે નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. એડ્વોકેટ વિવેક શુક્લા દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ૧૨ ઑગસ્ટના સરકારી નોટિફિકેશન લાખો ‘ગરીબ અને સ્થળાંતરિત’ ડ્રાઇવરોની આજીવિકા માટે ખતરો છે અને અેના અમલીકરણ પર રોક લગાવવાની માગણી કરવામાં આવી હતી. અરજદારોએ દાવો કર્યો છે કે આ નિયમ બંધારણની કલમ ૧૪ (સમાનતાનો અધિકાર), કલમ ૧૯ (વેપાર અને વ્યવસાય કરવાની સ્વતંત્રતા) અને કલમ ૨૧ (જીવનનો અધિકાર) હેઠળ તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે અને મોટર વાહન કાયદાની વિરુદ્ધ છે જે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કોઈ પણ ભાષાની આવશ્યકતા સૂચવતું નથી. આવતી કાલે તાત્કાલિક રાહત માટે અૅક્ટિંગ ચીફ જસ્ટિસ સમક્ષ આ અરજીનો ઉલ્લેખ કરવામાં આવે અેવી શક્યતા છે. 

Whatsapp-channel Whatsapp-channel

26 August, 2026 07:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK