સાઉથની ઍક્ટ્રેસ ડિમ્પલ હયાતી વિરુદ્ધ પોલીસ-ફરિયાદ

ડિમ્પલ હયાતી
સાઉથની ઍક્ટ્રેસ ડિમ્પલ હયાતી વિરદ્ધ હૈદરાબાદમાં પોલીસ-ફરિયાદ કરવામાં આવી છે. તેણે પોલીસ-ઑફિસરની કારને ડૅમેજ કરી હોવાથી તેના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. તેણે સોમવારે રાતે ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ રાહુલ હેગડેના ઑફિશ્યલ વેહિકલ સાથે તેની પોતાની કારને ઠોકી હતી. આ ઑફિસર, ડિમ્પલ અને તેનો ફ્રેન્ડ ડેવિડ પૉશ જ્યુબિલી હિલ્સમાં આવેલી જર્નલિસ્ટ કૉલોનીમાં એક જ બિલ્ડિંગમાં રહે છે. ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસના ડ્રાઇવર ચેતન કુમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમની કાર પાર્કિંગ લૉટમાં પાર્ક કરેલી હતી ત્યારે ડિમ્પલ અને તેના ફ્રેન્ડ દ્વારા જાણી જોઈને કારને ડૅમેજ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે બન્નેને સમન્સ આપ્યા હતા અને ત્યાર બાદ તપાસ શરૂ કરી હતી. આ માટેનું સીસીટીવી ફુટેજ પણ આપવામાં આવ્યું છે, જેમાં દેખાઈ આવે છે કે કારને જાણી જોઈને ઠોકવામાં આવી હતી. ડિમ્પલની કારને લઈને તેને ઘણાં ટ્રાફિક ચલાન આપવામાં આવ્યાં છે. જોકે આ ચલાન સાથે પોલીસને કોઈ લેવાદેવા નથી એવું કહેવામાં આવ્યું છે. ડિમ્પલ કાર ફાસ્ટ ચલાવે છે અને તેની નંબર પ્લેટ પણ ખોટી હોવાથી તેના વિરુદ્ધ ચલાન કાઢવામાં આવ્યું હતું, જે કોઈ પણ વ્યક્તિ સાથે કરવામાં આવે છે. આ ચલાનને કારણે ડિમ્પલે કારને ડૅમેજ કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.