પહલગામ પહોંચીને લોકોને ડર્યા વગર કાશ્મીર જવાની હાકલ કરનારા અતુલ કુલકર્ણી પર ભડક્યા ફિલ્મમેકર અશોક પંડિત.
અશોક પંડિત અને અતુલ કુલકર્ણી
બાવીસ એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર આતંકવાદી હુમલો થયો અને તેમની નિર્મમ હત્યા કરવામાં આવી. આ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવપૂર્ણ સ્થિતિ છે. આ પરિસ્થિતિમાં થોડા દિવસ પહેલાં અતુલ કુલકર્ણી પહલગામ ગયો હતો અને એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે ‘કાશ્મીરમાં બધું સેફ છે. અહીં મોટી સંખ્યામાં લોકો હાજર છે. જો તમે બીજી કોઈ જગ્યાએ ફરવા જવાનો પ્લાન બનાવ્યો હોય તો એ કૅન્સલ કરીને કાશ્મીર આવી જાઓ. કાશ્મીરને સંભાળવું જરૂરી છે અને કાશ્મીરીઓને પ્રેમ આપવો જરૂરી છે.’
હવે અતુલના આ નિવેદન સામે ફિલ્મમેકર અશોક પંડિતે રીઍક્શન આપ્યું છે. અશોક પંડિતે કહ્યું છે કે ‘આ વિસ્તારમાં આતંકવાદનો મુદ્દો કેટલો ઊંડો છે એ હકીકતની તેઓ અવગણના કરી રહ્યા છે. આ ઘટના પાછળ ઇસ્લામિક જેહાદ જવાબદાર છે એવું તેમણે સ્પષ્ટ શબ્દોમાં ક્યારેય નથી કહ્યું કે એની ટીકા પણ નથી કરી એ વાતનો મને અફસોસ છે. આ પહલગામ-અટૅક હકીકતમાં પાકિસ્તાનનું ભારત સામેનું અઘોષિત યુદ્ધ જ છે. અતુલ કુલકર્ણી હોય કે સુનીલ શેટ્ટી... તેઓ કહી રહ્યા છે કે ટૂરિઝમને પ્રોત્સાહન આપીને આપણે આતંકવાદીઓને જવાબ આપી શકીશું, પણ આતંકવાદના ભોગ બનેલા અમારા જેવા કાશ્મીરી પંડિતોનું માનવું છે કે ટેરરિઝમ સાથે ટૂરિઝમનો કોઈ સંબંધ નથી. આજે જ્યારે કરોડો પ્રવાસીઓ કાશ્મીરની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે પણ આવા હુમલા થાય છે. કાશ્મીર સતત આતંકવાદના ઓછાયા હેઠળ છે. હું અતુલને અપીલ કરું છું કે પહેલાં સ્થિતિનો ગહન અભ્યાસ કરે અને આ મુદ્દા વિશે ઉપરછલ્લી વાત ન કરે. અતુલે ક્યારેય ઇસ્લામિક આતંકવાદની ટીકા નથી કરી કે પછી હિન્દુઓને પકડી-પકડીને માર્યા એ વાતનો આક્રોશ જાહેર નથી કર્યો. તેને બસ ટૂરિઝમની ચિંતા છે.’

