બોલિવૂડ એક્ટ્રેસ ઝરીન ખાન (Zareen Khan) વિશે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અભિનેત્રી વિરુદ્ધ એરેસ્ટ વોરંટ બહાર પાડવામાં આવ્યું છે

ફાઇલ તસવીર
બોલિવૂડ એક્ટ્રેસ ઝરીન ખાન (Zareen Khan) વિશે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અભિનેત્રી વિરુદ્ધ એરેસ્ટ વોરંટ બહાર પાડવામાં આવ્યું છે. હકીકતે, તપાસ અધિકારીએ ઝરીન વિરુદ્ધ કેસની ચાર્જશીટ કોલકાતાની સિયાલદહ કોર્ટમાં રજૂ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઝરીને ન તો જામીન માટે અરજી કરી અને ન તો કોર્ટમાં હાજર થઈ છે. કોર્ટમાં સતત હાજર ન રહેવાને કારણે તેની સામે ધરપકડ વોરંટ બહાર પાડવામાં આવ્યું છે. ઝરીનનું નામ છેતરપિંડીના કેસમાં સામે આવ્યું હતું. વર્ષ 2016માં ઝરીન વિરુદ્ધ કોલકાતાના નારકેલડાંગા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો.
શું હતો સમગ્ર મામલો?
પોલીસ સૂત્રોનું કહેવું છે કે વર્ષ 2016માં ઝરીન ખાન (Zareen Khan) કોલકાતામાં એક કાર્યક્રમમાં આવવાની હતી. દુર્ગા પૂજા દરમિયાન આવું બન્યું હતું, પરંતુ ઝરીન તે કાર્યક્રમમાં આવી શકી ન હતી. તેના માટે સમગ્ર સ્ટેજ અને તમામ તૈયારીઓ કરવામાં આવી હોવા છતાં તેણે અંતિમ ક્ષણે દરેકને દગો આપ્યો, ઝરીન ઇવેન્ટમાં પહોંચી ન હતી, ત્યારે આયોજકોએ અભિનેત્રી વિરુદ્ધ કોલકાતાના નારકેલડાંગા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. ઝરીન અને તેના મેનેજરના નામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી હતી. બંનેને 41A CrPC હેઠળ નોટિસ જાહેર કરવામાં આવી હતી, જેમાં બંનેને કેસના સંબંધમાં પ્રશ્નો અને જવાબો માટે તપાસ અધિકારી સમક્ષ હાજર થવું પડ્યું હતું.
એક અગ્રણી હિન્દી ચેનલે તેના અહવાલમાં સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, અભિનેત્રી નોટિસ સાથે પોલીસ સ્ટેશનમાં તપાસ અધિકારી સમક્ષ હાજર થઈ હતી. અભિનેત્રીએ કહ્યું કે આયોજકોએ તેને ગેરમાર્ગે દોરી હતી. બંને વચ્ચે અમુક પ્રકારની ગેરસમજ હતી. ઝરીને એમ પણ કહ્યું હતું કે આયોજકોએ તેને કહ્યું હતું કે કોલકાતાના મુખ્યપ્રધાન પણ તેની સાથે સ્ટેજ પર હશે. કેટલાક નેતાઓ પણ ત્યાં હશે. બાદમાં તેની ટીમને ખબર પડી કે આ એક નાનકડી ઈવેન્ટ છે જે ઉત્તર કોલકાતાના સ્થાનિક વિસ્તારમાં યોજાશે.
આ મામલામાં પોતાનો પક્ષ રજૂ કરતી વખતે ઝરીને એ પણ કહ્યું હતું કે તેની અને આયોજકો વચ્ચે ફ્લાઈટ ટિકિટ અને રહેવાની વ્યવસ્થાને લઈને વિવાદ થયો હતો, ત્યારબાદ તેણે તેમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો હતો. ઝરીને સ્થાનિક કોર્ટમાં આયોજકો વિરુદ્ધ સિવિલ કેસ દાખલ કર્યો છે. જોકે, તે સમયે અભિનેત્રી પાસે આ કેસના કાગળો નહોતા, બાદમાં જ્યારે આ કેસની તપાસ કરવામાં આવી ત્યારે ઝરીન આરોપી હોવાનું જાણવા મળ્યું હતું, બાદમાં કોલકાતાની સિયાલદહ કોર્ટમાં અભિનેત્રી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં ઝરીનનો મેનેજર કોર્ટમાં હાજર થયો હતો અને તેને જામીન મળી ગયા હતા. જ્યારે અભિનેત્રી એક વખત પણ કોર્ટમાં આવી ન હતી. તેમ જ જામીન માટે અરજી કરી ન હતી. બાદમાં કોર્ટે ઝરીન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યો હતો.