ભારત મર્ચન્ટ્સ ચેમ્બરમાં વેપારીઓ સાથેની મીટિંગમાં ડીસીપીએ કહ્યું કે તમે નીડર બનીને વેપાર કરો, તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી, કારણ કે અમે છીએ તમારી સાથે

ભારત મર્ચન્ટ્સ ચેમ્બર દ્વારા યોજાયેલી પોલીસ-કમિશનર મીટમાં મુંબઈ પોલીસના ઝોન-ટૂના ડેપ્યુટી પોલીસ-કમિશનર ડૉ. મોહિત ગર્ગનું સન્માન કરી રહેલા ચેમ્બરના અગ્રણીઓ
ભારત મર્ચન્ટ્સ ચેમ્બરના અગ્રણીઓ સાથે ગઈ કાલે ભારત મર્ચન્ટ્સ ચેમ્બરના હૉલમાં યોજાયેલી એક મીટિંગમાં ઝોન-ટૂના ડેપ્યુટી પોલીસ-કમિશનર ડૉ. મોહિત કુમાર ગર્ગે સાઉથ મુંબઈના મહાનગરપાલિકાના ‘બી’ અને ‘સી’ વૉર્ડના વેપારીઓને આશ્વાસન આપતાં કહ્યું હતું કે ‘વેપારીઓ નીડર બનીને તેમનો વ્યાપાર કરે, તેમને કોઈ પણ અસામાજિક તત્ત્વોથી ડરવાની જરૂર નથી. મુંબઈ પોલીસ વેપારીઓની સુરક્ષા કરવા માટે તેમની સાથે જ ઊભી છે. આવાં તત્ત્વો સામે કાયદાકીય રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે. જોકે આના માટે વેપારીઓએ પણ પહેલ કરવી પડશે.’
ઝોન-ટૂમાં વ્યાપારની દૃષ્ટિએ સંવેદનશીલ ક્ષેત્ર છે જ્યાં કપડાં, સોના-ચાંદી, દવા, સ્ટેશનરી, આંગડિયા જેવા મુંબઈના હોલસેલ વેપારીઓ વેપાર કરે છે, જ્યાં પોલીસની સામે જ વેપારીઓ સાથે છેતરપિંડી અને ફ્રૉડના મામલા આવી રહ્યા છે. આની સાથે આ માર્કેટોમાં છેલ્લાં થોડાં વર્ષોમાં બનાવટી માથાડી કામદારો અને અન્ય અસામાજિક તત્ત્વો ગેરકાયદે વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવવા સક્રિય બન્યાં છે, જેને લીધે વેપારીઓમાં ભયનું વાતાવરણ નિર્માણ થયું છે.
આવાં તત્ત્વો સામે વેપારીઓની ફરિયાદો પર પોલીસ તપાસ કરીને તેમની પર સખતમાં સખત કાર્યવાહી કરે એવી ભારત મર્ચન્ટ્સ ચેમ્બરની માગણી છે. આ બાબતની માહિતી આપતાં ભારત મર્ચન્ટ્સ ચેમ્બરના ટ્રસ્ટી રાજીવ સિંઘલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે આ મુદ્દાઓે લઈને ભારત મર્ચન્ટ્સ ચેમ્બરના અગ્રણીઓેએ ઝોન-ટૂના ડેપ્યુટી પોલીસ-કમિશનર ડૉ. મોહિત ગર્ગ સાથે મીટિંગ કરી હતી. મીટિંગની શરૂઆતમાં ચેમ્બરના અધ્યક્ષ નરેન્દ્ર પોદારે ડૉ. મોહિત ગર્ગનું સ્વાગત કરતાં તેમને કહ્યું હતું કે ‘છેલ્લા થોડા સમયથી ચેમ્બરના પ્રયાસોથી એલ.ટી. માર્ગ પોલીસ-સ્ટેશનના અધિકારીઓ વેપારીઓની ફરિયાદની પ્રાથમિક તપાસ કરીને અસામાજિક તત્ત્વો સામે ગુનો નોંધી રહ્યા છે, જેને કારણે વેપારીઓની હિંમત વધી છે અને તેઓ આવાં તત્ત્વો સામે પોલીસમાં ફરિયાદ કરવા આગળ આવી રહ્યા છે. પોલીસનો આવો જ સાથસહકાર મળતો રહે એવી ચેમ્બર આશા રાખે છે.’
ભારત મર્ચન્ટ્સ ચેમ્બરની સરાહના કરતાં ડૉ. મોહિત ગર્ગે કહ્યું હતું કે ‘ચેમ્બર દ્વારા વેપારીઓ અને પોલીસ વચ્ચે વિશ્વાસ સંપાદન થાય એવા કાર્યકમો યોજવાથી આજે વેપારી અને પોલીસ વચ્ચે એક સ્ટ્રૉન્ગ સંબંધ સેતુ રચાઈ રહ્યો છે. ઝોન-ટૂ વ્યાપારની દૃષ્ટિએ સંવેદનશીલ ક્ષેત્ર છે, જ્યાં મુંબઈની મોટા ભાગની મહત્ત્વની જથ્થાબંધ બજારો આવેલી છે. અમારી કોશિશ છે કે અમે આ વિસ્તારમાં સ્ટ્રીટ ક્રાઇમ અને ઑનલાઇન ક્રાઇમ પર નિયંત્રણ લાવી શકીએ, જેના માટે અમે અમારા તરફથી પૂરતા પ્રયાસ કરી રહ્યા છીએ. અમે અમારા પ્રયાસમાં સફળ થઈએ એના માટે વેપારીઓ પણ આગળ આવે અને પોલીસને ક્રાઇમ રોકવામાં સહાયરૂપ થાય.’
ડૉ. મોહિત ગર્ગની અપીલ પર ચેમ્બર હંમેશાં મુંબઈ-પોલીસની સાથે જ છે. આ સંદર્ભમાં રાજીવ સિંઘલે કહ્યું હતું કે ‘ચેમ્બર ટ્રસ્ટ તરફથી કોવિડકાળમાં મુંબઈ પોલીસને ભરપૂર મદદ કરવામાં આવી હતી. આગળ પણ મુંબઈ-પોલીસ તરફથી મદદ માટે કોઈ પણ પ્રસ્તાવ આવશે એના પર પણ વિચારવામાં આવશે.’
આ મીટિંગમાં ચેમ્બરના મંત્રી અજય સિંઘાનિયા, કોષાધ્યક્ષ વિષ્ણુ કેડિયા, વિજય લોહિયા, યોગેન્દ્ર રાજપૂરિયા, પ્રકાશ કેડિયા, મહેન્દ્ર સોનાવત, મનોજ જાલાન, આનંદ કેડિયાએ ડૉ. મોહિત ગર્ગને વેપારીઓની સમસ્યાઓની જાણકારી આપી હતી.