ઝરીને ‘વીર’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. જોકે થોડા સમય માટે તે લાઇમ લાઇટથી દૂર રહી હતી.
ઝરીન ખાન
ઝરીન ખાનનું માનવું છે કે બૉલીવુડમાં ટૅલન્ટથી નહીં, પરંતુ ફ્રેન્ડશિપના આધારે કામ કરવામાં આવે છે. ઝરીને ‘વીર’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. જોકે થોડા સમય માટે તે લાઇમ લાઇટથી દૂર રહી હતી. તેણે ‘હાઉસફુલ 2’, ‘1921’, ‘હેટ સ્ટોરી 3’, ‘અક્સર 2’ અને ‘હમ ભી અકેલે તુમ ભી અકેલે’માં કામ કર્યું હતું. તાજેતરમાં જ આસ્ક મી ઍનિથિંગ સેશનમાં તેને પૂછવામાં આવ્યું હતું કે બૉલીવુડની કઈ વાત તેને નથી ગમતી. તો એનો જવાબ આપતાં ઝરીન ખાને કહ્યું કે ‘અહીં ટૅલન્ટના આધારે નહીં, પરંતુ ફ્રેન્ડશિપના આધારે કામ આપવામાં આવે છે.’
તેને પૂછવામાં આવ્યું હતું કે ‘હેટ સ્ટોરી 3’માં કામ કરતી વખતે તેણે કઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો? એ વિશે ઝરીન ખાને કહ્યું કે ‘મેં કદી પણ નહોતું વિચાર્યું કે હું આવી ફિલ્મ કરીશ. જોકે એ સમય એવો હતો જ્યારે મારી પાસે કોઈ કામ નહોતું અને મારે પરિવારની પણ કાળજી લેવાની હતી. એથી મેં એ ફિલ્મ કરી. એનો મને કોઈ પસ્તાવો નથી, કારણ કે હું હવે જોઉં છું કે ફિલ્મોમાં અને ડિજિટલ પ્લૅટફૉર્મ પર શું થાય છે. એને જોતાં તો એ સારી જ હતી.’


