દર રવિવારે અસંખ્ય ફૅન્સ તેમના બંગલોની બહાર અમિતાભ બચ્ચનની એક ઝલક જોવા માટે કાગડોળે રાહ જોતા હોય છે. આ ક્રમ અનેક વર્ષોથી ચાલ્યો આવે છે

અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન તેમના શુભચિંતકોને મંદિર માનતા હોવાથી તેમને મળવા માટે દર રવિવારે ઉઘાડા પગે જાય છે. દર રવિવારે અસંખ્ય ફૅન્સ તેમના બંગલોની બહાર અમિતાભ બચ્ચનની એક ઝલક જોવા માટે કાગડોળે રાહ જોતા હોય છે. આ ક્રમ અનેક વર્ષોથી ચાલ્યો આવે છે. આ વખતે ફૅન્સ માટે લીંબુ પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અમિતાભ બચ્ચને ફૅન્સને મળવા જતી વખતનો પોતાનો ફોટો શૅર કર્યો હતો. એમાં તેમના પગમાં ચંપલ નથી દેખાતાં. ફૅન્સ વિશે બ્લૉગ પર અમિતાભ બચ્ચને લખ્યું કે ‘મને એહસાસ થયો કે તેઓ આ બળબળતા ઉનાળામાં મારા માટે કલાકો સુધી ઊભા રહે છે. એથી તેમની તરસ છિપાવવા તેમના માટે લીંબુ પાણીનાં ચાર કન્ટેનરની વ્યવસ્થા કરવામાં આવી છે. અન્ય બે કન્ટેનર ગેટની બાજુમાં રાખવામાં આવ્યાં છે. આ સિવાય પાણીનું માટલું દિવસ-રાત ત્યાં રાખેલું હોય છે. કેટલાક લોકોએ અનેક વખત કટાક્ષ કર્યો હતો કે કોણ ઉઘાડા પગે બહાર જાય છે. મેં જણાવ્યું કે હું જાઉં છું. તમને એનાથી કોઈ તકલીફ છે? તમે મંદિરમાં ઉઘાડા પગે જાઓ છો. મારા શુભચિંતકો મારા માટે મંદિર સમાન છે.’