એક પૉડકાસ્ટમાં વાત કરતી વખતે કહ્યું કે દીકરી રાહાનું નામ સાસુના સૂચન પરથી રાખવામાં આવ્યું છે
રણબીર કપૂર, રાહા કપૂર, આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટની ગણતરી બૉલીવુડની સફળ ઍક્ટ્રેસ તરીકે થાય છે. આલિયાએ ૨૦૨૨માં લગ્ન કર્યાં અને એ જ વર્ષે મમ્મી બની હતી. હાલમાં આલિયા માતૃત્વનો આનંદ માણી રહી છે. જોકે છેલ્લા કેટલાક સમયથી વારંવાર આલિયા ભટ્ટના બીજા બાળકને લઈને ચર્ચાઓ થતી રહી છે. હવે એક પૉડકાસ્ટમાં આલિયાએ આ વિશે ખુલાસો કર્યો છે અને પોતાના પહેલા બાળકના નામ માટે ઘરમાં શું પ્લાનિંગ થયું હતું એ વિશે પણ વાત કરી છે.
આલિયાએ પૉડકાસ્ટમાં જણાવ્યું કે ‘રાહાના જન્મ પહેલાં રણબીર અને હું બન્ને ઉત્સુક માતા-પિતા તરીકે અમારા ફૅમિલી ગ્રુપમાંથી છોકરા અને છોકરી બન્નેનાં નામના સૂચન માટે પૂછતાં હતાં જેથી અમે તૈયાર રહી શકીએ. અમને છોકરાઓનાં અને છોકરીઓનાં ઘણાં નામ મળ્યાં હતાં અને પછી અમે એક છોકરાનું નામ પસંદ કર્યું હતું. અમે કહ્યું કે આ એક સુંદર નામ છે. આ પછી અમે છોકરીના નામ વિશે પૂછ્યું તો મારાં સાસુએ ‘રાહા’ નામનું સૂચન કર્યું અને જો પહેલાં દીકરી થઈ અને બીજો દીકરો થશે તો દીકરાના નામ સાથે ‘રાહા’ સરસ મૅચ થશે. મને અને રણબીરને તરત જ રાહા નામ ગમી ગયું તેથી અમારી પાસે છોકરી અને છોકરાનાં નામ માટે પહેલેથી જ વિકલ્પો હતા.’
ADVERTISEMENT
આ પૉડકાસ્ટમાં જ્યારે આલિયાને ‘રાહા’ નામનો અર્થ પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે ‘રાહાનો અર્થ આનંદ અને શાંતિ છે, જે તે અમારા માટે છે.’

