અજય દેવગન સાથે તેમના નેવ્યુ અમાન અને દાનિશ પણ છે
ક્રિકેટર્સ સાથે સિંઘમ
અજય દેવગન દીકરા યુગ સાથે લંડનમાં વેકેશન એન્જૉય કરી રહ્યો છે. એ દરમ્યાન તેમની મુલાકાત ઑસ્ટ્રેલિયાના ક્રિકેટર બ્રેટ લી તથા સાઉથ આફ્રિકાના ક્રિકેટર જૅક કૅલિસ સાથે થઈ હતી. આ ફોટો લંડનના સ્ટેડિયમનો છે. અજય દેવગન સાથે તેમના નેવ્યુ અમાન અને દાનિશ પણ છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અજય દેવગને કૅપ્શન આપી હતી, ‘આ જેન્ટલમૅન સાથે લંડનમાં શાનદાર રીતે સમય પસાર કર્યો હતો.’
જુહુમાં જાવેદ અખ્તરે ૭.૭૬ કરોડ રૂપિયાનો ફ્લૅટ ખરીદ્યો
ADVERTISEMENT
જાવેદ અખ્તરે જુહુમાં ૭.૭૬ કરોડ રૂપિયાનો લક્ઝુરિયસ ફ્લૅટ ખરીદી લીધો છે. આ ફ્લૅટ ૧૧૯૯.૪૨ સ્ક્વેર ફીટમાં ફેલાયેલો છે. એના માટે તેમણે ૪૬.૦૨ લાખ રૂપિયા સ્ટૅમ્પ-ડ્યુટી અને ૩૦ હજાર રજિસ્ટ્રેશન-ફી ભરી છે. સાગર સમ્રાટ બિલ્ડિંગમાં તેમનું આ મકાન આવેલું છે જેમાં કેટલીક સેલિબ્રિટીઝ પણ રહે છે. ૨૦૨૧માં પણ જાવેદ અખ્તરે જુહુમાં ૭ કરોડમાં એક પ્રૉપર્ટી ખરીદી હતી. સેલિબ્રિટીઝ પ્રૉપર્ટીમાં વધુ ઇન્વેસ્ટ કરે છે. તાજેતરમાં જ આમિર ખાને પાલી હિલમાં ૯.૭૫ કરોડ રૂપિયામાં એક ફ્લૅટ અને અભિષેક બચ્ચને પણ ૧૫.૪૨ કરોડ રૂપિયામાં છ ફ્લૅટ ખરીદ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
૨૩ કિલો વજન ઉતારવા વિશે નેહા ધુપિયાએ કહ્યું...
નેહા ધુપિયાએ પ્રેગ્નન્સી બાદ ૨૩ કિલો વજન ઉતાર્યું છે. એક વાર મમ્મી બન્યા બાદ પોતાની જાત પર ફોકસ કરવાને બદલે તે ફરી મમ્મી બની હતી. નેહાએ ૨૦૧૮ની ૧૦ મેએ અંગદ બેદી સાથે લગ્ન કર્યાં હતાં. તેણે ૧૮ નવેમ્બરે દીકરીને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ તેણે ૨૦૨૧ની ૩ ઑક્ટોબરે દીકરાને જન્મ આપ્યો હતો. એ દરમ્યાન તેનું ૨૩ કિલો વજન વધી ગયું હતું. આ વજન ઘટાડવા વિશે નેહાએ કહ્યું હતું કે ‘હું જ્યારે પ્રેગ્નન્ટ હતી ત્યારે ડિલિવરી બાદ હું કેવી દેખાઈશ એ વિશે મને જરાય ચિંતા નહોતી. મેં મારાં બન્ને બાળકોને એક-એક વર્ષ સુધી બ્રેસ્ટફીડિંગ કરાવ્યું હતું. એને કારણે મને ખૂબ ભૂખ લાગતી અને હું ખૂબ થાકેલી રહેતી હતી. લગભગ એક-દોઢ વર્ષ પહેલાં મેં હેલ્થ પર ફોકસ કર્યું. એક્સરસાઇઝ અને ચોક્કસ ડાયટને કારણે મેં ૨૩ કિલો વજન ઉતાર્યું છે. મારું પહેલાં જે વજન હતું એ હજી નથી થયું, પરંતુ હું ત્યાં સુધી પહોંચી જઈશ. હું શુગર, તળેલું ફૂડ અને ગ્લુટનથી દૂર રહી હતી તેમ જ ચોક્કસ ડાયટ પણ કરતી હતી. હું મારાં બાળકો સાથે સાંજે ૭ વાગ્યે ડિનર કરી લેતી અને પતિ સાથે સવારે ૧૧ વાગ્યે જમી લેતી હતી જેનાથી મને ખૂબ લાભ થયો હતો.’
પ્રેગ્નન્સીમાં એક્સરસાઇઝ કરતી દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ સપ્ટેમ્બરમાં પહેલા બાળકને જન્મ આપવાની છે. એવામાં તે ફિટનેસ અને એક્સરસાઇઝ પર પૂરતું ધ્યાન આપી રહી છે. તેણે યોગ કરતો ફોટો શૅર કર્યો છે. તે વિપરીત કરણી કરી રહી છે. એમાં તેણે પગ દીવાલ સાથે રાખ્યા છે અને જમીન પર સૂતી છે. એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દીપિકાએ કૅપ્શન આપી, ‘આ ‘સેલ્ફ-કૅર મન્થ’ છે. જોકે ‘સેલ્ફ-કૅર મન્થ’ શું કામ સેલિબ્રેટ કરવાનો જ્યારે તમે દરરોજ એને પ્રૅક્ટિસ કરી શકો છો. મને વર્કઆઉટ કરવું ગમે છે. હું સુંદર દેખાવા માટે નહીં, પરંતુ ફિટ રહેવા માટે વર્કઆઉટ કરું છું. એક્સરસાઇઝ તો મારી લાઇફનો ખૂબ અગત્યનો ભાગ છે. જોકે જ્યારે હું વર્કઆઉટ ન કરી શકું તો આવી રીતે પાંચ મિનિટની સિમ્પલ એક્સરસાઇઝ કરું છું. આ હું દરરોજ કરું છું. તમે જ્યારે લાંબી ફ્લાઇટની મુસાફરી કરી હોય ત્યારે આ ફાયદો આપે છે. વિપરીત કરણી એટલે પગ દીવાલ પાસે રાખવા. સંસ્કૃતમાં વિપરીતનો અર્થ થાય છે વિરોધી અને કરણી એટલે કોઈ કામ કરવું. આવી રીતે કરવાથી તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને લાભ પહોંચે છે. દિમાગ શાંત રાખવાની સાથે આપણી સ્ટ્રેસફુલ અને બિઝી લાઇફસ્ટાઇલમાં પણ આ આરામ આપે છે. આશા છે કે આ પોઝ તમને ઉપયોગી થાય.’