AIની મદદથી સુશાંત સિંહ રાજપૂતને ભગવાન શ્રી રામ તરીકે દેખાડતી તસવીરો શૅર કરીને બહેને તેને યાદ કર્યો...
વાયરલ પોસ્ટનો સ્ક્રીન ગરૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
હાલમાં રણબીર કપૂરને ભગવાન રામ તરીકે ચમકાવતી નીતેશ તિવારીની ‘રામાયણ’નું ટીઝર લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ ટીઝરને મિશ્ર પ્રતિભાવ મળી રહ્યો છે ત્યારે સોશ્યલ મીડિયામાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી તૈયાર કરવામાં આવેલી દિવંગત ઍક્ટર સુશાંત સિંહ રાજપૂતને ભગવાન રામ તરીકે દર્શાવતી તસવીરો ચર્ચામાં છે. હવે આ તસવીરો જોઈને સુશાંત સિંહની બહેન શ્વેતા સિંહ કીર્તિએ પણ પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે.
સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ પોતાના સોશ્યલ મીડિયા પર આ તસવીરો શૅર કરીને પોતાના ભાઈ માટેનો પ્રેમ વ્યક્ત કર્યો અને દિલની લાગણીઓ ફરીથી વ્યક્ત કરી. શ્વેતા સિંહ કીર્તિએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, ‘ભાઈને રામજીના રૂપમાં જોઈને આટલી લાગણીઓ કેમ ઉદ્ભવે છે? કારણ કે રામજી માત્ર એક સામાન્ય માનવી કે પાત્ર નથી, તેઓ જીવનનાં મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. ભાઈ રામજીના રૂપમાં સૌને મંત્રમુગ્ધ કરી દે છે, કારણ કે તેઓ માત્ર દૈવી અને સુંદર જ નથી લાગતા, તેમની અંદર રામજીના પાત્ર જેવી જ દૃઢતા દેખાય છે. તેમની આંખોની નિર્દોષતા અને ચહેરાની ગૌરવતા દર્શાવે છે કે આજના સમયમાં પણ તેઓ આ પાત્રને અત્યંત સુંદર રીતે નિભાવી શક્યા હોત. તેઓ હંમેશાં યાદ રહેશે અને ક્યારેય ભુલાશે નહીં.’
શ્વેતા સિંહ કીર્તિની આ પોસ્ટ પર સુશાંતના ચાહકોએ પણ ભારે પ્રતિસાદ આપ્યો. ઘણા લોકોએ કહ્યું કે સુશાંત આ પાત્ર માટે એકદમ પર્ફેક્ટ હતો તો કેટલાક ફૅન્સે કહ્યું કે ભગવાન રામનું પાત્ર ભજવવા માટે જે નિર્દોષતા અને સચ્ચાઈ જરૂરી છે એ સુશાંતમાં સ્પષ્ટ દેખાતી હતી.
