છાવા, સિકંદર અને હાઉસફુલ 5 પછી આ વર્ષની ચોથી સૌથી મોટી ઓપનિંગવાળી ફિલ્મ બની
અહાન પાંડે અને અનીત પડ્ડાની ‘સૈયારા’
અહાન પાંડે અને અનીત પડ્ડાની ‘સૈયારા’ ૧૮ જુલાઈએ થિયેટરોમાં રિલીઝ થઈ અને એણે પહેલા જ દિવસે બૉક્સ-ઑફિસ પર ધૂમ મચાવી છે. મોહિત સૂરિના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મે ઓપનિંગ ડેએ માત્ર અપેક્ષા કરતાં વધુ કમાણી જ નથી કરી, ઇતિહાસ રચ્યો છે. રેકૉર્ડ પ્રમાણે ‘સૈયારા’એ પહેલા દિવસે શુક્રવારે દેશમાં ૨૧.૨૫ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. ‘સૈયારા’ આ કમાણી સાથે જ ‘છાવા’, ‘સિકંદર’ અને ‘હાઉસફુલ 5’ પછી આ વર્ષની ચોથી સૌથી મોટી ઓપનિંગવાળી ફિલ્મ પણ બની છે અને એણે અજય દેવગનની ‘રેઇડ 2’ (૧૯.૨૫ કરોડ), અક્ષયકુમારની ‘સ્કાય ફોર્સ’ (૧૨.૨૫ કરોડ) અને સની દેઓલની ‘જાટ’ (૯.૫૦ કરોડ)ને પાછળ છોડી દીધી છે.
પહેલા વીક-એન્ડમાં વસૂલ થશે બજેટ
યશરાજ ફિલ્મ્સના બૅનર હેઠળ બનેલી ‘સૈયારા’નું બજેટ આશરે ૪૫ કરોડ રૂપિયા છે. આ ફિલ્મે ઓપનિંગ ડેએ જ ૨૧.૨૫ કરોડની કમાણી કરી છે અને હવે અનુમાન છે કે શનિવારે-રવિવારે પણ આ ફિલ્મ ધમાકેદાર કારોબાર કરશે. આમ પૂરેપૂરી શક્યતા છે કે વીક-એન્ડમાં જ મોહિત સૂરિની આ ફિલ્મ બજેટ વસૂલીને નફો કરવા માંડશે. આ ફિલ્મની સફળતાનાં કારણોમાં અહાન અને અનીતની નવી ફ્રેશ જોડી, હિટ રોમૅન્ટિક ગીતો અને પહેલા દિવસે ટિકિટદર ઓછા રાખવાની સ્માર્ટ ફૉર્મ્યુલાને ગણાવવામાં આવે છે.
ADVERTISEMENT
|
અહાન ડેબ્યુમાં સૌથી સફળ સ્ટારકિડ |
||
|
અહાન પાંડે |
સૈયારા |
૨૧.૨૫ કરોડ |
|
અનન્યા પાંડે |
સ્ટુડન્ટ ઑફ ધ યર 2 |
૧૨.૦૬ કરોડ |
|
જાહ્નવી કપૂર |
ધડક |
૮.૭૧ કરોડ |
|
રાશા થડાણી |
આઝાદ |
૧.૫ કરોડ |
|
ખુશી કપૂર |
લવયાપા |
૧.૧૫ કરોડ |
|
શનાયા કપૂર |
આંખોં કી ગુસ્તાખિયાં |
૩૦ લાખ |
શું છે ‘સૈયારા’ની વાર્તા?
ફિલ્મમાં વાણી બત્રા (અનીત પડ્ડા) શાંત છોકરી છે જે દુનિયાથી છુપાઈને કવિતા લખે છે. જ્યારે તેનાં કોર્ટ-મૅરેજ છેલ્લી ઘડીએ તૂટી જાય છે ત્યારે તે ખૂબ નિરાશ થઈ જાય છે અને લખવાનું બંધ કરી દે છે. ૬ મહિના પછી વાણી પત્રકાર તરીકે નવું જીવન શરૂ કરે છે. ત્યાં તે ક્રિશ કપૂર (અહાન પાંડે)ને મળે છે. ક્રિશ ગુસ્સાવાળો પણ પ્રતિભાશાળી સિંગર છે અને તેને માટે સારાં ગીતો લખી શકે એવી વ્યક્તિની શોધમાં હોય છે. જ્યારે ક્રિશ આકસ્મિક રીતે વાણીની જૂની કવિતાઓ વાંચે છે ત્યારે તે તેની અંદરની લાગણીઓ સાથે જોડાય છે અને બન્ને સાથે મળીને ગીતો રચવાનું શરૂ કરે છે. સંગીત તેમને નજીક લાવે છે, પરંતુ તેમનું જીવન કૉમ્લેક્સ છે. તેમનો ભૂતકાળ, પ્રેમ અને કરીઅર જીવનને સરળ બનાવવાને બદલે વધારે જટિલ બનાવી નાખે છે. જીવનની જટિલતાઓ સરળ નથી. પ્રેમ, કારકિર્દી અને ભૂતકાળ બધું જ વચ્ચે આવે છે અને તેમની પ્રેમકથા અનેક અવરોધોનો સામનો કરે છે. આ ફિલ્મ આધુનિક યુવાનોના પ્રેમ અને સંઘર્ષને વધુ વાસ્તવિક રીતે રજૂ કરે છે.
અનન્યા બની કઝિન અહાનની સુપર ફૅન
ચંકી પાંડેના ભત્રીજા અહાન પાંડેની ડેબ્યુ ફિલ્મ ‘સૈયારા’ સારો દેખાવ કરી રહી છે ત્યારે તેની કઝિન અનન્યા પાંડે પણ તેમની ફિલ્મની સફળતાથી ખુશ છે. અનન્યાએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર અહાન સાથે એક તસવીર શૅર કરી છે. તસવીરમાં અહાને કઝિન અનન્યાને ગળે લગાડી છે. બન્નેની પાછળ ‘સૈયારા’નું પોસ્ટર છે. બીજી તસવીરમાં અનન્યાએ કપાળ પર ‘અહાન પાંડે ફૅન ક્લબ’ લખેલું સ્ટિકર લગાવ્યું છે.
અહાન અને અનીતને કેટલી ફી મળી?
યશરાજ ફિલ્મ્સ નવા કલાકારોને લૉન્ચ કરવા માટે ૩થી પાંચ કરોડ રૂપિયા ફી આપે છે અને અહાન તેમ જ અનીતને આટલી ફી આપવામાં આવી હોવાની ચર્ચા છે. જોકે અહાન એવા પરિવારમાંથી આવે છે જે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. આવી સ્થિતિમાં તેમની ફી અનીત કરતાં થોડી વધુ હોઈ શકે છે. જોકે યશરાજ ફિલ્મ્સે સત્તાવાર રીતે તેમની ફીનો ખુલાસો નથી કર્યો. એ સિવાય મળેલી માહિતી પ્રમાણે મોહિત સૂરિએ ફિલ્મ માટે ૬થી ૮ કરોડ રૂપિયા જેટલી ફી લીધી છે.
સૈયારામાં અહાનને લૉન્ચ કરવા માટે પ્લાન થઈ ખાસ સ્ટ્રૅટેજી
બૉલીવુડમાં ઇબ્રાહિમ અલી ખાન, જુનૈદ ખાન, ખુશી કપૂર, રાશા થડાણી તેમ જ સુહાના ખાન જેવાં સ્ટાર-સંતાનોએ એન્ટ્રી લીધી છે, પણ તેમને બહુ વધારે સફળતા નથી મળી. આ સંજોગોમાં ‘સૈયારા’માં અહાન પાંડેને લૉન્ચ કરવા ખાસ સ્ટ્રૅટેજી પ્લાન કરવામાં આવી હતી. અહાન પાંડે ચંકી પાંડેનો ભત્રીજો છે અને બૉલીવુડમાં તેનાં સ્ટ્રૉન્ગ કનેક્શન છે. આ કારણસર તેની ગણતરી નેપો કિડ તરીકે જ થાય છે. જોકે અન્ય સ્ટારકિડ્સની સરખામણીમાં અહાનનું ડેબ્યુ થોડું અલગ હતું.
અહાનના ડેબ્યુ વિશે ડિરેક્ટર મોહિત સૂરિએ ખુલાસો કર્યો કે અહાન પાંડે અને અનીત પડ્ડાને જાણીજોઈને લાઇમલાઇટથી દૂર રાખવામાં આવ્યાં, જેથી દર્શકોમાં ઉત્સાહ જળવાઈ રહે.
એક ઇન્ટરવ્યુમાં મોહિત સૂરિએ કહ્યું હતું, ‘આ આઇડિયા અમને બધાને આવ્યો હતો. અમને આ વાત સમજાઈ હતી કે અમારા લીડ ઍક્ટર્સ પાસે જ્યારે વાતચીત માટે કંઈ નહીં હોય ત્યારે લોકો તેમને પૂછશે કે સેટ પર વાતાવરણ કેવું હતું? મોહિત સૂરિ સાથે કામ કરીને કેવું લાગ્યું? આ બધા નકામા જવાબ છે. મને નથી લાગતું કે આ બાબતોની કોઈને પરવા છે. હા, પરંતુ જો તમે તમારી જાત પર કામ કરો છો તો એક દિવસ એ બધાની સામે આવે છે અને તમે ચમકો છો. બે નવા ચહેરા જે પડદા પાછળ રહે છે તેમના વિશે લોકો વધુ જાણવા ઇચ્છુક હોય છે.’
ફળ્યા સિદ્ધિવિનાયકના આશીર્વાદ
‘સૈયારા’નાં લીડ સ્ટાર્સ અહાન પાંડે અને અનીત પડ્ડાએ ફિલ્મની રિલીઝ પહેલાં ૧૭ જુલાઈએ દાદરના સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિબાપ્પાનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. એવી માન્યતા છે કે અહીં પૂજા કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અને એટલે જ ઘણી વખત ફિલ્મસ્ટાર્સ પોતાની ફિલ્મની રિલીઝ વખતે અહીં આશીર્વાદ લેવા આવે છે. જોકે ‘સૈયારા’એ પહેલા જ દિવસે ૨૧.૨૫ કરોડ રૂપિયા જેટલી કમાણી કરી લીધી હોવાને કારણે કહી શકાય કે અહાન અને અનીતને સિદ્ધિવિનાયકના આશીર્વાદ ફળ્યા છે. ‘સૈયારા’નું ડિરેક્શન મોહિત સૂરિએ કર્યું છે. ફિલ્મમાં અહાન પાંડે સાથે અનીત પડ્ડાએ પણ ડેબ્યુ કર્યું છે. ફિલ્મનું નિર્માણ આદિત્ય ચોપડા અને અક્ષય વિધાનીએ કર્યું છે જ્યારે આ ફિલ્મની પટકથા રોહન શંકર અને સંકલ્પ સદાનાએ લખી છે.
ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારીની સૈયારા સ્ટાર્સ સાથે મીટિંગ
ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી છેલ્લા ઘણા મહિનાથી તેમની રિલેશનશિપને કારણે ચર્ચામાં છે. હાલમાં આ બન્ને યશરાજ ફિલ્મ્સના સ્ટુડિયોમાં ‘સૈયારા’નાં ઍક્ટર્સ અહાન પાંડે અને અનીત પડ્ડા સાથે જોવા મળ્યાં હતાં અને તેમનો વિડિયો વાઇરલ થયો હતો. આ વિડિયોમાં તેમની નિકટતા જોઈને લાગતું હતું કે આ ચારેય સ્ટાર્સ વચ્ચે સારી મિત્રતા હશે.


