મૃણાલ ઠાકુર પહેલાં સલમાન ખાનની ફિલ્મ ‘સુલતાન’થી બૉલીવુડમાં ડેબ્યુ કરવાની હતી પરંતુ બાદમાં તેનું સ્થાન અનુષ્કા શર્માએ લીધું
મૃણાલ ઠાકુર, અનુષ્કા શર્મા
થોડા સમય પહેલાં મૃણાલ ઠાકુરનો એક જૂનો વિડિયો વાઇરલ થયો હતો જેમાં તેણે બિપાશા બાસુને પુરુષો જેવા મસલ્સ ધરાવતી મહિલા કહેતાં વિવાદ થયો હતો. હવે ફરીથી મૃણાલનો બીજો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તે એક ફિલ્મ નકારવાની વાત કરે છે અને કહે છે કે જે અભિનેત્રીએ એ ફિલ્મ કરી તે હાલમાં કામ નથી કરતી. જોકે આ વિડિયોમાં મૃણાલે કોઈનું નામ લીધું નથી, નેટિઝન્સ માને છે કે તે અનુષ્કા શર્મા વિશે વાત કરે છે અને તેની ટીકા કરી રહ્યા છે.
હકીકતમાં મૃણાલ ઠાકુર પહેલાં સલમાન ખાનની ફિલ્મ ‘સુલતાન’થી બૉલીવુડમાં ડેબ્યુ કરવાની હતી પરંતુ બાદમાં તેનું સ્થાન અનુષ્કા શર્માએ લીધું. આ વાઇરલ વિડિયોમાં મૃણાલ કહે છે કે ‘મેં ઘણી ફિલ્મોની ના પાડી કારણ કે હું તૈયાર નહોતી. આવી એક ફિલ્મ સુપરહિટ થઈ અને એનાથી અભિનેત્રીને ખ્યાતિ મળી. પરંતુ મને લાગ્યું કે જો મેં એ ફિલ્મ કરી હોત તો મેં મારી જાતને ગુમાવી દીધી હોત. તે અભિનેત્રી હાલમાં કામ નથી કરતી, પણ હું કરું છું અને એ જ મારી જીત છે. મને તાત્કાલિક ખ્યાતિ કે ઓળખ નથી જોઈતી, કારણ કે જે ઝડપથી આવે છે એ ઝડપથી જાય છે.’
તેનો આ વિડિયો વાઇરલ થતાં લોકો એવી ધારણા બાંધી રહ્યા છે કે મૃણાલ આડકતરી રીતે અનુષ્કા શર્માને ટાર્ગેટ કરી રહી છે.


