લંડનમાં ભણેલી ઇશિકા ભૂતકાળમાં મિસ વર્લ્ડ ટૂરિઝમ અને મિસ ઇન્ડિયા રહી ચૂકી છે અને હવે તેણે સનાતની શિષ્યા બનીને દીક્ષા મેળવી છે
ઇશિકા તનેજા
મમતા કુલકર્ણી પછી ઍક્ટ્રેસ ઇશિકા તનેજાએ ગ્લૅમર-વર્લ્ડ છોડીને સનાતની બનીને અધ્યાત્મના રસ્તે ચાલવાનો નિર્ણય લીધો છે. લંડનમાં ભણેલી ઇશિકા ભૂતકાળમાં મિસ વર્લ્ડ ટૂરિઝમ અને મિસ ઇન્ડિયા રહી ચૂકી છે અને હવે તેણે સનાતની શિષ્યા બનીને દીક્ષા મેળવી છે. તેણે દ્વારકા-શારદાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી પાસેથી ગુરુદીક્ષા લીધી છે. હવે તેણે શ્રીલક્ષ્મી બનીને ભગવાં ધારણ કર્યાં છે અને સનાતનના પ્રચાર-પ્રસારનું બીડું ઝડપ્યું છે. ભગવાં ધારણ કર્યા પછી તે પોતાની જાતને સાધ્વી નહીં પણ સનાતની ગણાવે છે. તેણે એક ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં નિવેદન આપ્યું છે કે મહિલા ટૂંકાં કપડાં પહેરીને નાચવા માટે નથી બની, દરેક દીકરીએ ધર્મની રક્ષા માટે આગળ આવવું જોઈએ.
દીક્ષા લીધા પછી ઇશિકા હવે ફરી ગ્લૅમર-વર્લ્ડમાં જવા નથી માગતી, પણ સાથે-સાથે તેણે સ્પષ્ટતા કરી છે કે જો મને ફિલ્મ્સ પ્રોડ્યુસ કરવાની તક મળશે તો એનો લાભ લઈને સનાતન ધર્મને આગળ વધારીને એનો પ્રચાર કરીશ.
ADVERTISEMENT
કોણ છે ઇશિકા તનેજા?
ઇશિકા તનેજા મૂળ દિલ્હીની છે. તે ૨૦૧૭માં મિસ ઇન્ડિયાનો અને પછી ૨૦૧૮માં મિસ વર્લ્ડ ટૂરિઝમનો ખિતાબ જીતી હતી. ૨૦૧૬માં તેને તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા ૧૦૦ સફળ મહિલાઓની કૅટેગરીમાં રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. ઇશિકાએ મધુર ભંડારકરની ફિલ્મ ‘ઇન્દુ સરકાર’માં અને પછી વિક્રમ ભટ્ટની સિરીઝ ‘હદ’માં પણ કામ કર્યું છે. એ સિવાય ઇશિકાના નામે ૬૦ મૉડલ્સ પર ૬૦ મિનિટમાં ૬૦ ફુલ ઍરબ્રશ મેકઅપ કરવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પણ નોંધાયેલો છે. ઇશિકા સોશ્યલ મીડિયામાં લોકપ્રિય છે અને તેના ૨૦ લાખ કરતાં વધુ ફૉલોઅર્સ છે. તેના અકાઉન્ટમાં મૉડલિંગના સમયના ફોટો છે, પણ હવે સનાતની બન્યા પછી તેનો અંદાજ એકદમ બદલાઈ ગયો છે.

