અભિષેકની ‘ચંડીગઢ કરે આશિકી’માં આયુષ્માને કામ કર્યું છે
અભિષેક કપૂર સાથે આયુષ્માન ખુરાના
અભિષેક કપૂરનું કહેવું છે કે આયુષ્માન ખુરાના કન્ટેન્ટ પર આધારિત ફિલ્મોને બનાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડી રહ્યો છે. આયુષ્માને ઘણા અવનવા અને અળવિતરા વિષય પર આધારિત ફિલ્મોમાં કામ કર્યું છે. અભિષેકની ‘ચંડીગઢ કરે આશિકી’માં આયુષ્માને કામ કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે વાણી કપૂરે કામ કર્યું છે જે દસ ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ વિશે વાત કરતાં અભિષેક કપૂરે કહ્યું હતું કે ‘આપણને હંમેશાંથી એવો અહેસાસ કરાવવામાં આવ્યો છે કે કન્વેન્શનલ અને પૅરૅલલ સિનેમા જ છે, પરંતુ આયુષ્માને આપણને દેખાડ્યું કે કન્ટેન્ટ પર આધારિત સિનેમા પણ હોય છે. આયુષ્માનની એક વાત અદ્ભુત છે કે તેના ડેબ્યુથી તે એવા જ રસ્તા પર ચાલ્યો છે જેના પર ઘણા ઓછા લોકો ચાલ્યા હોય. એનાથી તેને તેના ફૅન્સ દ્વારા ક્રેડિબિલિટી તો મળી છે પરંતુ એક્સપરિમેન્ટ કરવા માટે તેને ઘણો સ્કોપ પણ મળ્યો છે.’
આ રોમૅન્ટિક ફિલ્મમાં ચંડીગઢના જિમ ટ્રેઇનરના રોલ માટે આયુષ્માન પર્ફેક્ટ છે એ વિશે અભિષેક કપૂરે કહ્યું હતું કે ‘એક ફિલ્મમેકર માટે સૌથી મહત્ત્વની બાબત સારા પાત્રને રજૂ કરવાની છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું એના બે વર્ષ પહેલાંથી મનુની પાત્ર મારી સાથે જોડાયેલું રહ્યું હતું. આયુષ્માને આ પાત્રને જોતાની સાથે જ પોતાનું બનાવી દીધું હતું. તે પાત્રમાં એકદમ ફિટ હતો અને તેણે પોતાનો તડકો પણ એમાં દેખાડ્યો છે. તેનું અને મારું ઇમોશનલ અને મેન્ટલ કનેક્શન ખૂબ જ જલદી જોડાઈ ગયું હતું, કારણ કે અમે બન્ને અમારા દર્શકોને એકદમ નવી કન્ટેન્ટ પીરસવામાં માનીએ છીએ. મને આયુષ્માન જેવા સેન્સિટિવ, જેન્યુઇન અને હંમેશાં પોતાનો ઓપિનિયન આપનાર વ્યક્તિ સાથે કામ કરવાની ખુશી છે.’