લવયાપાના ઍક્ટરે ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું કે તે બાળપણમાં ડિસ્લેક્સિયાથી પીડાતો હતો
જુનૈદ ખાન
આમિર ખાનના દીકરા જુનૈદ ખાનની ફિલ્મ ‘લવયાપા’ તાજેતરમાં થિયેટરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મના પ્રમોશન માટે હીરો જુનૈદ ખાન અને હિરોઇન ખુશી કપૂરે ઘણા ઇન્ટરવ્યુ આપ્યા હતા. આવા જ એક ઇન્ટરવ્યુમાં એક હકીકત જાહેર થઈ કે આમિરનો દીકરો જુનૈદ બાળપણમાં ડિસ્લેક્સિયાની બીમારીથી પીડાતો હતો. ખાસ વાત તો એ છે કે આમિરની ફિલ્મ ‘તારે ઝમીન પર’માં પણ ડિસ્લેક્સિયાથી પીડાતા બાળકની વાર્તા બહુ સંવેદનશીલતાથી કહેવામાં આવી હતી. આમિરની આ ફિલ્મને સારીએવી સફળતા મળી હતી.
જુનૈદે પ્રમોશન વખતે કરેલા ઇન્ટરવ્યુમાં પોતાના ઘરનું વાતાવરણ અને બાળપણનો ઘટનાક્રમ જણાવતાં કહ્યું હતું કે ‘બાળપણમાં જ્યારે મારા ઓછા માર્ક આવતા ત્યારે મારાં માતા-પિતાએ કોઈ સમસ્યા ઊભી નહોતી કરી. તેઓ બહુ સમજદાર અને સપોર્ટિંવ હતાં. હું બાળપણમાં ડિસ્લેક્સિયાથી પીડાતો હતો, પણ નસીબદાર હતો કે મારા પેરન્ટ્સ એટલા સમજદાર હતા કે તેમણે મને હંમેશાં મજબૂત ટેકો આપ્યો હતો. એ પછી મેં મારી આ તકલીફને દૂર કરવા માટે થેરપી લીધી હતી. એ અનુભવ પરથી જ પછી ‘તારે ઝમીન પર’ બનાવવામાં આવી હતી.’


