આમિર ખાને તેની ફિલ્મ ઠગ્સ આૅફ હિન્દોસ્તાંમાં તેના કાસ્ટિંગ વિશે વાત કરતાં આ નિવેદન આપ્યું
આમિર ખાન
આમિર ખાન તેની લેટેસ્ટ ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ની સફળતા પછી બહુ ખુશ છે. આમિરે હાલમાં આ ફિલ્મના પ્રમોશન માટે થયેલા એક ઇન્ટરવ્યુમાં તેની ફ્લૉપ ફિલ્મ ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’ના ફાતિમા સના શેખના કાસ્ટિંગ વિશે વાત કરી હતી. ફાતિમાને ‘દંગલ’ પછી જ્યારે ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’ માટે સાઇન કરવામાં આવી હતી ત્યારે બધાને બહુ આશ્ચર્ય થયું હતું, કારણ કે ફાતિમા ‘દંગલ’માં આમિરની દીકરી હતી જ્યારે ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’માં તેની રોમૅન્ટિક લીડ ઍક્ટ્રેસ હતી.
આમિરે એક ઇન્ટરવ્યુમાં આ ફિલ્મના કાસ્ટિંગ વિશે વાત કરતાં કહ્યું કે ‘જ્યારે અમે કાસ્ટિંગ કરી રહ્યા હતા ત્યારે કોઈ ઍક્ટ્રેસે ફિલ્મ માટે હા પાડી નહોતી. દીપિકા, આલિયા, શ્રદ્ધા બધાએ આ ઑફર નકારી દીધી હતી. એ ફિલ્મ આખી ઇન્ડસ્ટ્રીને ઑફર કરવામાં આવી હતી. ડિરેક્ટર અને આદિત્ય ચોપડાએ કહ્યું હતું કે ફાતિમાનો સ્ક્રીન-ટેસ્ટ ખૂબ જ સારો છે, પરંતુ તમારી સાથે રોમૅન્સનો સીન નહીં કરીએ, કારણ કે ‘દંગલ’માં તેણે તમારી પુત્રીનો રોલ કર્યો હતો, દર્શકોને આ વાત પસંદ નહીં પડે. જોકે હું આ બધી વાતોમાં માનતો નથી. હું તેનો પિતા નથી કે બૉયફ્રેન્ડ નથી. અમે એક ફિલ્મ બનાવી રહ્યા હતા. અમિતાભ બચ્ચને ભૂતકાળમાં રાખીના પ્રેમી અને પુત્રની ભૂમિકા ભજવી છે. આવું ઘણી વખત બને છે, જ્યારે કોઈ ઍક્ટર બીજા ઍક્ટર સાથે કામ કરે છે ત્યારે તે ક્યારેક પુત્ર, ક્યારેક ભાઈ, ક્યારેક પતિ બની જાય છે. દર્શકો એટલા મૂરખ નથી. આપણે દર્શકોને ઓછા આંકીએ છીએ.’
ADVERTISEMENT
એક સમયે આમિર ખાન અને ફાતિમા સના શેખ વચ્ચે અફેરની અફવાઓ હતી. જોકે ફાતિમાએ એક ઇન્ટરવ્યુમાં એને પાયાવિહોણી ગણાવી હતી અને કહ્યું હતું કે તે આવા સમાચારથી ખૂબ જ દુખી છે.

