આમિરે એક ઇન્ટરવ્યુમાં ભાઈ ફૈઝલ ખાન સાથેના વિવાદ વિશે વાત કરી
આમિર ખાન ભાઈ ફૈઝલ ખાન સાથે
થોડા સમય પહેલાં આમિર ખાનના ભાઈ ફૈઝલ ખાને તેના પરિવાર તેમ જ ભાઈ આમિર ખાન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ફૈઝલે દાવો કર્યો હતો કે એક સમય એવો આવ્યો હતો જ્યારે મારા જ પરિવારે મને ઘરમાં બંધ કરી દીધો હતો અને આમિરે પોતાના પાવર અને ઇન્ડસ્ટ્રીમાંના પ્રભાવનો ખોટો ઉપયોગ કરીને મારી કરીઅર બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે આ સમગ્ર વિવાદ પર આમિરે પહેલી વખત ખુલ્લેઆમ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે હું મારા પોતાના પરિવાર સામે લડવા નથી માગતો. હાલમાં એક ઇન્ટરવ્યુમાં આમિરે ભાઈ ફૈઝલ સાથે લાંબા સમયથી ચાલી રહેલા મતભેદ વિશે વાત કરી હતી. આ ઇન્ટરવ્યુમાં જ્યારે આમિરને તેના પર ભાઈ ફૈઝલે લગાવેલા આરોપ વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું, ‘શું કરીએ? આ મારું નસીબ છે. દુનિયા સામે તો લડી શકાય, પણ પોતાના પરિવાર સામે કેવી રીતે લડીએ?’
આમિરના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તે આ વિવાદને જાહેર લડાઈમાં ફેરવવા નથી માગતો.


