આઇરાએ સોશ્યલ મીડિયામાં શૅર કરેલા વિડિયોમાં જણાવ્યું હતું કે ‘હા, મને ખબર છે કે હું જાડી છું. ૨૦૨૦થી હું અનફિટ હોવાની અને સ્થૂળ હોવાની સમસ્યા વચ્ચે ઝૂલતી રહી છું. આ વિશે ઘણું કહેવા જેવું છે. હજુ પણ ઘણી બાબતો એવી છે જે મારે સમજવાની જરૂર છે.
આઇરા ખાન
આમિર ખાનની દીકરી આઇરા ખાન બહુ સ્પષ્ટવક્તા છે અને તે સોશ્યલ મીડિયા પર અવારનવાર વિવિધ મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાની વાત રજૂ કરતી રહે છે. થોડા સમય પહેલાં આઇરાએ પોતાની ડિપ્રેશન સામેની લડતની જાહેરમાં ચર્ચા કરી હતી અને હાલમાં તેણે પોતાની બૉડી-ઇમેજને લઈને પડતી મુશ્કેલીઓ વિશે વાત કરી છે. આઇરાએ પોતાની લાગણી જણાવતાં કહ્યું છે કે આ બહુ સ્ટ્રેસ કરાવે એવો ડરામણો અનુભવ છે.
આઇરાએ સોશ્યલ મીડિયામાં શૅર કરેલા વિડિયોમાં જણાવ્યું હતું કે ‘હા, મને ખબર છે કે હું જાડી છું. ૨૦૨૦થી હું અનફિટ હોવાની અને સ્થૂળ હોવાની સમસ્યા વચ્ચે ઝૂલતી રહી છું. આ વિશે ઘણું કહેવા જેવું છે. હજુ પણ ઘણી બાબતો એવી છે જે મારે સમજવાની જરૂર છે. મને લાગે છે કે આ મામલે મારી માનસિકતામાં થોડો બદલાવ આવ્યો છે અને તેથી મેં આ વિશે વાત કરવાનો નિર્ણય લીધો. શક્ય છે કે હું મારા ડિપ્રેશન વિશે જેટલી સ્પષ્ટ રીતે બોલી હતી એટલી સ્પષ્ટ રીતે આ વિષય પર બોલી ન શકું.’
આ વિડિયોમાં પોતાની લાગણી વ્યક્ત કરતા આઇરાએ કહ્યું હતું કે ‘સ્થૂળતા મારા સંબંધો, મારા વર્તન અને મારી દરેક બાબતમાં વચ્ચે આવી રહી છે. હું કહીશ કે આ મારા ડિપ્રેશન જેટલું જ સ્ટ્રેસવાળું છે અને એટલે જ હું આ વિષય પર વાત કરવા માગું છું. હું સમજવાનો પ્રયાસ કરવા માગું છું કે હું શું વિચારી રહી છું. મને આશા છે કે વાત કરવાથી મને મદદ મળશે.’


