વિઝ્યુઅલી ઇમ્પેર્ડ ઇન્ડસ્ટ્રિયલિસ્ટની બાયોપિકમાં તે કામ કરી રહ્યો છે
શ્રીકાંત બોલા બનશે રાજકુમાર રાવ
વિઝ્યુઅલી ઇમ્પેર્ડ ઇન્ડસ્ટ્રિયલિસ્ટ શ્રીકાંત બોલાની બાયોપિકમાં રાજકુમાર રાવ જોવા મળશે. આ ફિલ્મને ભૂષણ કુમાર પ્રોડ્યુસ કરશે. ફિલ્મને સુમીત પુરોહિત અને જગદીપ સિધુએ લખી છે. તુષાર હીરાનંદાની ડિરેક્ટ કરશે. ફિલ્મનું શૂટિંગ ૨૦૨૨ના જુલાઈમાં શરૂ કરવામાં આવશે. ફિલ્મનું તાત્પૂરતું નામ ‘શ્રીકાંત બોલા’ રાખવામાં આવ્યું છે. ફિલ્મ વિશે રાજકુમાર રાવે કહ્યું હતું ‘શ્રીકાંત બોલાની સ્ટોરી પ્રેરણાદાયી છે. મારા માટે તેમની ભૂમિકા ભજવવી સન્માનની વાત છે. તેમણે અનેક કષ્ટો વેઠીને અને તમામ પડકારોને મહાત આપીને સફળતા મેળવી છે. શ્રીકાંતના પાત્રને સાકાર કરવા માટે હું ઉત્સાહિત છું. ભૂષણ સર સાથે આ પ્રેરણાત્મક સ્ટોરી માટે કામ કરવાને લઈને ખુશ છું.’
શ્રીકાંત બોલાનો જન્મ આંધ્ર પ્રદેશના નાનકડા ગામમાં ગરીબ પરિવારના ઘરે થયો હતો. દસમા ધોરણ બાદ સાયન્સમાં ભણવા માટે તેણે રાજ્ય સરકાર સામે બાંયો ચડાવી હતી. ત્યાર બાદ તેમણે ધોરણ દસ અને બારને સારા માર્ક્સ દ્વારા પાસ તો કર્યું જ પરંતુ સાથે જ અમેરિકાની સન્માનનીય મૅસેચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીમાં સ્ટડી કરનાર પ્રથમ ઇન્ટરનૅશનલ બ્લાઇન્ડ સ્ટુડન્ટ પણ બની ગયા હતા.
બીજી તરફ ભૂષણ કુમારે કહ્યું હતું ‘શ્રીકાંત બોલાની સ્ટોરી એ કહેવતને સાબિત કરે છે કે જે તમામ અચડણોને મહાત આપે છે તેમણે જન્મ વખતથી જ ઘણી તકલીફો વેઠી છે. આમ છતાં પોતાનાં સપનાંઓને પૂરાં કર્યાં છે. તેમની જર્ની પ્રેરણાત્મક છે. તેમના જેવા વ્યક્તિની સ્ટોરી દેખાડવી મારા માટે સન્માનની બાબત છે. તેમના કૅરૅક્ટરને સાકાર કરવાની ક્ષમતા માત્ર રાજકુમાર રાવ જેવા ઍક્ટરમાં છે. આ પ્રોજેક્ટ માટે તેનું આવવું અમારા માટે ખુશીની વાત છે. તુષાર હીરાનંદાનીના વિઝનની આ આકર્ષક સ્ટોરી દેખાડવી વિશિષ્ટ છે. અમે આ ફિલ્મ બનાવવા માટે આતુર છીએ. સાથે જ લોકો શ્રીકાંતને જુએ એ માટે પણ ઉત્સાહિત છીએ.’


