અમદાવાદના બગીચાઓમાં મિની લાઇબ્રેરી શરૂ કરવાનો કન્સેપ્ટ કેવી રીતે ક્લિક થયો એ વિશે વાત કરતાં હિત દોશી કહે છે, ‘અમે એક રીલ જોઈ હતી જેનાથી અમે ઇન્સ્પાયર થયા. કેરલાના પેરુમકુલમ ગામની એ રીલ હતી. કહેવાય છે કે આ ગામમાં ૫૦૦ મીટરે એક લાઇબ્રેરી છે.
મિની પુસ્તકાલય શરૂ કરનાર ત્રણ મિત્રો (ડાબેથી) ઓમ ઠક્કર, પ્રદ્યુમન ઝાલા અને હિત દોશી.
અમદાવાદના એક ગાર્ડનમાં ફ્રી મિની લાઇબ્રેરી શરૂ કરીને લોકોને પુસ્તક વાંચતાં કરવાની પહેલ ધીરે- ધીરે એવી તો કામિયાબ બની કે તબક્કાવાર એક પછી એક ૧૧ ગાર્ડનમાં મિની પુસ્તકાલયો ખૂલી ગયાં છેલ્લા દોઢ વર્ષમાં : કેરલાના એક ગામની રીલ જોઈને આ મિત્રોએ લોકોને પુસ્તકની નજીક લઈ જવા શરૂ કરી ગાર્ડનમાં મિની લાઇબ્રેરી : માત્ર અમદાવાદ કે ગુજરાતના જ નહીં, ભારતભરમાંથી લોકો મોકલે છે પુસ્તકો દાનમાં
આજના આધુનિક સમયમાં સોશ્યલ મીડિયાની બોલબાલા છે. કોઈ પણ સ્થળે તમે જોશો તો કદાચ દસમાંથી પાંચથી વધુ લોકો સોશ્યલ મીડિયામાં ડૂબેલા દેખાશે ત્યારે આજથી દોઢ વર્ષ પહેલાં અમદાવાદના ત્રણ કૉલેજિયન મિત્રોએ એકઠા થઈને વાંચનપ્રવૃત્તિ શરૂ કરી. કેરલાના પેરુમકુલમ ગામની એક રીલ જોઈને આ મિત્રોએ એક સદ્પ્રવૃત્તિ સાથે સદ્કાર્ય કરવાનું વિચાર્યું. લોકો સુધી ફ્રીમાં પુસ્તકો પહોંચે એ માટે અમદાવાદના ગાર્ડનમાં એક બૉક્સ મૂકીને એમાં ૨૫–૩૦ પુસ્તકો મૂકીને ફ્રીમાં મિની લાઇબ્રેરી શરૂ કરી. હજી તો માંડ દોઢેક વર્ષ જેટલો સમય થયો છે ત્યાં તો અમદાવાદના પુસ્તકપ્રેમીઓએ યંગસ્ટર્સના આ સરાહનીય પ્રયાસને વધાવી લીધો અને ગાર્ડનમાં બેસીને કે ઘરે લઈ જઈને પુસ્તકો વાંચવાનું શરૂ કરી દીધું. દોઢ વર્ષ પહેલાં કૉલેજમાં અભ્યાસ કરતા હતા એ સમયે ત્રણ યંગસ્ટર્સે શરૂ કરેલા આ નાનકડા પ્રયાસને એવી સફળતા મળી કે દોઢ વર્ષમાં એક પછી એક એમ અમદાવાદનાં ૧૧ ગાર્ડનમાં મિની પુસ્તકાલય ખૂલી ગયાં છે, જ્યાં લોકો એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર તેમનાં મનગમતાં પુસ્તકો વાંચી શકે છે. આ યંગસ્ટર્સે કેવી રીતે લોકો સુધી પુસ્તકો પહોંચાડ્યાં અને તેમની સાથે લોકો પણ કેવી રીતે જોડાતા ગયા અને વાંચનપ્રવૃત્તિમાં વધારો થયો એની રોચક વાતો જાણીએ.
ADVERTISEMENT
રીડર્સ કમ્યુનિટીની શરૂઆત
જેમને પુસ્તકો વાંચવાનો શોખ છે એવા લોકો એક છત નીચે આવે અને પુસ્તકોની વાતો થાય એ માટે અમદાવાદમાં એક રીડર્સ કમ્યુનિટીની શરૂઆત થઈ એ વિશે વાત કરતાં પુસ્તકપ્રેમી યંગસ્ટર હિત દોશી ‘મિડ-ડે’ને કહે છે, ‘હું અને ઓમ ઠક્કર એક ઇવેન્ટમાં મળ્યા હતા અને અમારી મિત્રતા શરૂ થઈ હતી. અમને વિચાર આવ્યો કે સાથે મળીને કંઈક કરીએ. અમને પુસ્તકવાંચનનો શોખ હોવાથી અમે ૨૦૨૩ના સપ્ટેમ્બરથી યૉર રીડિંગ સર્કલ નામથી અમદાવાદમાં રીડર્સ કમ્યુનિટી ચલાવીએ છીએ. મહિનામાં બે રવિવારે અમદાવાદનાં જુદાં-જુદાં ગાર્ડન, કૅફે કે સાબરમતી રિવરફ્રન્ટ, કાંકરિયા જેવી જગ્યાઓએ બધા એકઠા થાય અને બે કલાક કાર્યક્રમ થાય જેમાં પુસ્તકોની વાતો કરીએ, પુસ્તકો વાંચીએ. અમદાવાદમાં એવા કેટલાય લોકો છે જેમને અવનવાં પુસ્તકો વિશે કંઈ જાણવું છે, વાંચવું છે. મને પુસ્તકો બહુ ગમે પણ અમને એટલાબધા લોકો ન મળે જેની સાથે પુસ્તકોની વાત કરી શકીએ જેથી યૉર રીડિંગ સર્કલ નામથી રીડર્સ કમ્યુનિટી શરૂ કરી હતી જે આજે પણ ચાલે છે.’

અમદાવાદના ગાર્ડનમાં બનાવેલું મિની પુસ્તકાલય.ઇન્દિરા નિત્યાનંદમ્
યંગસ્ટર્સ આવું વિચારતા હોય તો તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ : ઇન્દિરા નિત્યાનંદમ્
એક સમયે કૉલેજમાં અભ્યાસ કરતા અને હવે પોતપોતાના કામધંધામાં લાગી જવા છતાં પણ લોકો પુસ્તકો વાંચવા પ્રેરાય એ માટે ફ્રીમાં મિની લાઇબ્રેરી ચલાવતા આ નવયુવાનોને અમદાવાદની નવગુજરાત આર્ટ્સ કૉલેજનાં રિટાયર્ડ પ્રિન્સિપાલ ઇન્દિરા નિત્યાનંદમ્ પણ આગળ આવીને મદદ કરી રહ્યાં છે. અમદાવાદમાં ઉત્તમનગર ગાર્ડનમાં શરૂ થયેલા પુસ્તકાલયમાં તેમણે મદદ કરી છે. પુસ્તકાલયની પહેલને આવકારતાં ઇન્દિરા નિત્યાનંદમ્ ‘મિડ-ડે’ને કહે છે ‘વાંચનપ્રવૃત્તિ માટે યુવાનોનું આ કામ જોઈને મને એકદમ નવાઈ લાગી, અદ્ભુત લાગ્યું કે આવો આઇડિયા એ લોકોને કેવી રીતે આવ્યો? મને લાગે છે કે આવું કોઈ વિચારતું હોય તો તેને પ્રોત્સાહન આપવું જોઈએ. આ છોકરાઓ રીડિંગ ક્લબ પણ ચલાવે છે. પાર્કમાં બેસીને પુસ્તકો વાંચે છે. તેઓ વાંચનની હૅબિટ સ્પ્રેડ કરવા માટે કામ કરે છે તો તેમને હું પણ મદદ કરું કેમ કે એક બૉક્સ બનાવવામાં પાંચ–છ હજાર જેટલો ખર્ચ થાય છે અને બીજા ખર્ચ અલગ. આપણે બહુ આસાનીથી ખોટું શું કરે છે એની વાત કરીએ છીએ પણ સારું કામ કરતા હોય તેને હાઇલાઇટ નથી કરતા. આ છોકરાઓનો સારો પ્રયાસ છે અને એમાં અમે મદદ કરીને પ્રોત્સાહન આપીએ છીએ. તેમને પ્રોત્સાહિત કરવા એ સારા નાગરિકની જવાબદારી છે એવું મને લાગે છે.’
એક રીલ જોઈને થઈ શરૂઆત
અમદાવાદના બગીચાઓમાં મિની લાઇબ્રેરી શરૂ કરવાનો કન્સેપ્ટ કેવી રીતે ક્લિક થયો એ વિશે વાત કરતાં હિત દોશી કહે છે, ‘અમે એક રીલ જોઈ હતી જેનાથી અમે ઇન્સ્પાયર થયા. કેરલાના પેરુમકુલમ ગામની એ રીલ હતી. કહેવાય છે કે આ ગામમાં ૫૦૦ મીટરે એક લાઇબ્રેરી છે. પુસ્તકોથી ઘેરાયેલું આ ગામ કહી શકાય. આ અમને રસપ્રદ લાગ્યું કે પુસ્તકો જેટલાં નજીક વધુ હોય એટલા ચાન્સિસ વધુ કે લોકો પુસ્તકો તરફ વળે. અમે રીડર્સ કમ્યુનિટી ચલાવીએ છીએ જેમાં પ્રદ્યુમન ઝાલા પણ આવતા. તેમની સાથે પણ મિત્રતા કેળવાઈ હતી. એટલે અમે ત્રણ મિત્રો હું, ઓમ ઠક્કર અને પ્રદ્યુમન ઝાલાને વિચાર આવ્યો કે ગાર્ડનમાં જ્યારે આકાશની નીચે હોઈએ ત્યારે કેટલાક લોકો ફોનમાં વ્યસ્ત હોય છે એની જગ્યાએ કદાચ આસપાસમાં પુસ્તકો હોય તો તે કદાચ જોશે. ગાર્ડનમાં આવતા લોકો પુસ્તકવાંચન તરફ પ્રેરાય એ હેતુથી અમે ત્રણ મિત્રોને ગાર્ડનમાં મિની લાઇબ્રેરી શરૂ કરવાનો આઇડિયા આવ્યો. અમે વિચાર્યું કે પુસ્તકોથી અમારા જીવનમાં બદલાવ આવ્યો તો લોકોના જીવનમાં પણ બદલાવ આવે એવું માનીને અમે જ્યારે કૉલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે ૨૦૨૪માં ૨૩ જૂને સૌથી પહેલું મિની પુસ્તકાલય અમદાવાદના પરિમલ ગાર્ડનમાં શરૂ કર્યું. આ માટે અમદાવાદ મ્યુનિસિલ કૉર્પોરેશનના પાર્ક્સ ઍન્ડ ગાર્ડન વિભાગમાંથી પરમિશન લીધી હતી. ગાર્ડનમાં એક જગ્યા પર પાંચ ફુટના એક પોલમાંથી દોઢ ફુટ પોલ જમીનમાં દાટીને સાડાત્રણ ફુટ જમીનથી ઉપર રહે એ રીતે પોલ મૂક્યો, એના પર માઇલ્ડ સ્ટીલમાંથી બનેલું દોઢ ફુટ ઊંચું અને દોઢ ફુટ પહોળું દરવાજાવાળું બૉક્સ મૂક્યું. આ અમારું મિની પુસ્તકાલય બન્યું જેમાં ત્રીસેક પુસ્તકો મૂકી શકાય. આ મિની પુસ્તકાલય શરૂ કર્યા પછી અમે ત્રણથી ચાર મહિના લોકોનો રિસ્પૉન્સ જોયો. લોકોને આ બૉક્સ અચરજભર્યું લાગ્યું તો ઘણા લોકો એને આશ્ચર્ય સાથે ખોલીને જોતા હતા. ગાર્ડનમાં આવતા લોકોને ખબર પડી કે આમાં તો પુસ્તકો છે એટલે ઘણા પુસ્તકપ્રેમીઓએ એમાંથી પુસ્તકો લઈને વાંચવાનું શરૂ કર્યું હતું. આ નાની સફળતાએ અમને પ્રોત્સાહિત કર્યા અને અમે બીજા મિની પુસ્તકાલયો બનાવવા માટે વિચાર કર્યો.’

મિની પુસ્તકાલયમાંથી લોકો પુસ્તક લઈ લે છે.પુસ્તક લઈને ગાર્ડનમાં બેસીને વાંચી રહેલો યુવાન.
એકમાંથી ૧૧ બન્યાં
કહેવાય છેને કે કોઈ સદ્કાર્ય કરો તો એમાં લોકો સહયોગ આપવા આગળ આવે છે એવું જ આ યંગસ્ટર્સની મિની લાઇબ્રેરીના કિસ્સામાં પણ બન્યું. આ વિશે વાત કરતાં હિત દોશી કહે છે, ‘અમે વિચાર્યું હતું એનાથી વધુ સફળતા અમારા પુસ્તકાલયને મળી. પહેલાં તો અમે અમારા ખર્ચે પુસ્તકો લાવીને મૂક્યાં હતાં. અમારા રીડર્સ સર્કલમાંથી લોકો પુસ્તક લાવીને મિની લાઇબ્રેરીમાં મૂકતા હતા તેમ જ મિની લાઇબ્રેરીનું બૉક્સ પણ જાતે ખર્ચ કરીને બનાવ્યું હતું. પરંતુ હવે તો લોકો સામે ચાલીને બૉક્સ બનાવે છે અને પુસ્તકો પણ ભેટમાં આપે છે. સેવાભાવી લોકો અમને સપોર્ટ કરવા માટે આગળ આવ્યા એટલે બીજાં પાંચ ગાર્ડનમાં મિની લાઇબ્રેરી શરૂ કરવા માટે તંત્ર પાસેથી પરમિશન લીધી અને બીજાં પાંચ ગાર્ડનમાં પુસ્તકાલયો શરૂ કર્યાં. ગાર્ડનમાં મુકાયેલી લાઇબ્રેરીમાંથી પુસ્તક વાંચવા માટે કોઈ ફી નથી. કોઈ પણ વ્યક્તિ પુસ્તક લઈને વાંચી શકે છે. અમને સપોર્ટ મળતાં ધીરે-ધીરે આજે અમદાવાદનાં ૧૧ ગાર્ડનમાં ૧૧ ફ્રી મિની પુસ્તકાલય શરૂ કર્યાં છે.’
નૉવેલ અને ગુજરાતી પુસ્તકો મૂકો
ગાર્ડનમાં બનાવેલા મિની પુસ્તકાલયમાં જાતભાતનાં પુસ્તકો મૂકવામાં આવે છે એટલું જ નહીં, લોકો હવે તો ડિમાન્ડ પણ કરે છે કે આ પ્રકારનાં પુસ્તકો પણ મૂકોને. એ વિશે વાત કરતાં હિત દોશી કહે છે ‘મિની લાઇબ્રેરીમાં અમે ગુજરાતી સાહિત્ય, નૉવેલ, સેલ્ફ-ડેવલપમેન્ટ, ફિક્શન, બાળકો માટેનાં પુસ્તકો સહિતના જુદા-જુદા વિષયોનાં પુસ્તકો મૂકીએ છીએ. અમારા વૉલન્ટિયર્સ મહિનામાં બે વાર ગાર્ડનમાં જાય છે અને બૉક્સ ચેક કરે છે. એમાં નવાં પુસ્તકો મૂકે છે ત્યારે લોકોનાં સજેશન પણ મળે છે. ઘણા લોકો કહેતા કે અહીં નૉવેલ વધુ મૂકો, ગુજરાતી પુસ્તકો વધુ મૂકો. આવી ડિમાન્ડ આવતાં અમને થાય છે કે અમારો હેતુ હતો કે લોકો પુસ્તકો વાંચતાં થાય એ પૂરો થઈ રહ્યો છે. અમે લોકોને કહીએ છીએ કે એક પુસ્તક લો, એક પુસ્તક મૂકો. એટલે ઘણા લોકો બૉક્સમાં પુસ્તકો મૂકીને પણ જાય છે. અમદાવાદ અને ગુજરાતમાંથી જ નહીં પરંતુ ભારતનાં જુદાં-જુદાં રાજ્યોમાંથી પણ અમને લોકો પુસ્તકોનું દાન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં એક અંદાજ મુજબ ૭૦૦થી ૮૦૦ પુસ્તકો અમને દાનમાં મળ્યાં છે. અમે અમારાં પોતાનાં ૫૦૦ જેટલાં પુસ્તકો મૂક્યાં છે. અમે માર્ક કર્યું છે કે એક ગાર્ડનમાં રોજના ઓછામાં ઓછા વીસથી ૨૫ લોકો મિની પુસ્તકાલયમાંથી પુસ્તકો લઈને ગાર્ડનમાં બેસીને વાંચે છે. કોઈને પુસ્તક ઘરે લઈ જવું હોય તો ઘરે પણ લઈ જાય છે. અમે એક ગાર્ડનમાંથી બીજા ગાર્ડનમાં પુસ્તકોનું રોટેશન કરીએ છીએ. મિની પુસ્તકાલયના બૉક્સને અમે તાળું નથી મારતા એટલે જ્યારે અમે આની શરૂઆત કરી ત્યારે ઘણાએ કહ્યું હતું કે પુસ્તક તો ઠીક આ બૉક્સ પણ ખોવાઈ જશે, પણ અત્યાર સુધી એવું કશું થયું નથી, પણ એવું જરૂર બન્યું છે કે લોકો બૉક્સની અંદર પુસ્તકો મૂકીને જાય છે.’
હવે ગુજરાત પર નજર
અમદાવાદના લોકો પુસ્તક વાંચવા પ્રેરાય એ માટે યંગસ્ટર્સના પ્રયાસ સફળ બનતાં તેઓ પ્રોત્સાહિત થયા છે અને હવે અમદાવાદથી બહાર નીકળીને ગુજરાતનાં જુદાં-જુદાં સ્થળોએ મિની પુસ્તકાલય બનાવવા પર વિચારણા હાથ ધરી છે. આ મુદ્દે હિત દોશી કહે છે, ‘હવે અમે વડોદરામાં આવી પહેલી મિની લાઇબ્રેરી શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ ઉપરાંત ગુજરાતનાં જુદાં-જુદાં ગાર્ડનમાં આ કન્સેપ્ટ લઈ જવો છે. અમે પુસ્તકોને માણસો સુધી પહોંચાડી શકીએ એવું કરવું છે. વાંચવાનું ઘણું છે અને લોકોને વાંચતા કરવાનો ઉદ્દેશ છે.’


