૩૦૦થી વધુ રેડિયો નાટક અને પોતાના ‘યઝદી કરંજિયા ગ્રુપ’ દ્વારા ૬૦થી વધુ હાસ્યનાટકો દેશ-વિદેશમાં રજૂ કરીને લોકોને હસાવવાની સાથે શિક્ષક બનીને યઝદી કરંજિયાએ સુરતના હજારો વિદ્યાર્થીઓને વિનામૂલ્ય ભણાવીને તેમનું જીવનધોરણ બદલ્યું છે
યઝદી કરંજિયા, પારસી નાટકોના જીવનદાતા- પદ્મશ્રી ૨૦૨૦
અમેરિકાના જાણીતા હ્યુમરિસ્ટ અને નૉવેલિસ્ટ માર્ક ટ્વેઇને કહ્યું છે કે હ્યુમર એ માનવજાતને મળેલા શ્રેષ્ઠ આશીર્વાદ છે. એવા જ આશીર્વાદ લઈને જન્મ્યા છે વલસાડના યઝદી કરંજિયા. ૧૯૩૭માં જન્મેલા અને હાલ સુરતમાં રહેતા ૮૮ વર્ષના યઝદી કરંજિયા પારસી નાટકોનો આત્મા છે અને જીવનદાતા તરીકે દેશ-વિદેશમાં જાણીતા છે. તેમનાં નાટકો જોવા રાજ કપૂર અને સંજીવકુમાર આવતા. પરેશ રાવલ અને બમન ઈરાની પણ આ હાસ્યનાટકો જોવાનો મોકો ન ચૂકે એટલાં ફની હોય છે. તેમનાં જાણીતાં નાટકોમાં ‘બહેરામની સાસુ’, ‘કૂતરાની પૂંછડી વાંકી’, ‘ઘર, ઘૂઘરો અને ગોટાળો’, ‘બિચારો બરજોર’, ‘દિનશાજીના ડબ્બા ગુલ’ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉંમરે પણ તેઓ સ્ટેજ પર લાકડી વગર ભાગદોડ કરીને નાટક કરે છે. ભારતમાં ગુજરાતી નાટકોની શરૂઆતનું શ્રેય પારસીઓના ફાળે છે. પારસી થિયેટરને હજી પણ જીવંત રાખવા બદલ તેમનું યોગદાન અતુલ્ય છે.



