Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ચકલીઓની ઘરવાપસી

ચકલીઓની ઘરવાપસી

20 March, 2023 05:29 PM IST | Mumbai
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

હેલાં કરતાં ભારતમાં તેમ જ મુંબઈ જેવા શહેરમાં પણ ચકલીઓની સંખ્યા વધી છે એનું કારણ છે કદાચ માનવીઓની આ ટચૂકડા પંખી માટેની સંવેદનશીલતા. બાલ્કનીઓમાં માળા અને ફીડર મૂકીને પોતાના ઘરે આમંત્રણ આપતા કેટલાક ચકલીપ્રેમીઓને આજે મળીએ 

ચકલીના બચ્ચા સાથે તનુજ દેસાઈ.

વિશ્વ ચકલી દિવસ

ચકલીના બચ્ચા સાથે તનુજ દેસાઈ.


હાઉસ સ્પૅરો હવે પાછી ઘરઆંગણે દેખાતી થઈ છે, પરંતુ એમાં હજીયે ચોક્કસ વધારો થઈ શકે એમ છે. પહેલાં કરતાં ભારતમાં તેમ જ મુંબઈ જેવા શહેરમાં પણ ચકલીઓની સંખ્યા વધી છે એનું કારણ છે કદાચ માનવીઓની આ ટચૂકડા પંખી માટેની સંવેદનશીલતા. બાલ્કનીઓમાં માળા અને ફીડર મૂકીને પોતાના ઘરે આમંત્રણ આપતા કેટલાક ચકલીપ્રેમીઓને આજે મળીએ 

‘ચકીબહેન, ચકીબહેન, મારી સાથે રમવા, આવશો કે નહીં, આવશો કે નહીં...’ 



એક સમયે માત્ર આવાં બાળગીતોમાં જ ચકલીઓ બચશે એવી ભીતિ સેવાતી હતી, પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી ચકલીપ્રેમી પરિવારોને કારણે ફરી પાછી ચકલીઓનું ચીં-ચીં મુંબઈગરાઓને સાંભળવા મળી રહ્યું છે. જો પૂરતું અને મોકળું વાતાવરણ આપીએ તો મકાનોનું જંગલ બની ગયેલા મુંબઈમાં પણ ચકલીઓ ઊડાઊડ કરતી જોવા મળી શકે છે. જરૂર છે માત્ર એ માટે થોડીક સંવેદના કેળવવાની. અમુક પરાંઓમાં હવે ચકલીઓ સારીએવી માત્રામાં જોવા મળે છે એનું કારણ એ છે કે એમના માટે ચણ આપતાં ફીડર અને પાણી જેવી ચીજો ફ્લૅટની બાલ્કનીઓમાં મુકાય છે અને બદલામાં સવારે ઊઠતાંની સાથે મસ્ત ચીં-ચીંનો મીઠો કલરવ સાંભળવા મળે છે. 


રોજ ચકલીઓ આવે

મુલુંડમાં ૧૪મા માળે રહેતાં નીલમ મહેશ રાજદેના ઘરે રોજ ત્રણ ટાઇમ ચકલીઓ આવીને કિલ્લોલ કરે છે અને તેમનો પરિવાર એનાથી ખુશખુશાલ છે. નીલમબહેનના ઘરે છેલ્લાં બે-અઢી વર્ષથી ડઝનબંધ ચકલીઓ આવે છે એની વાત કરતાં તેઓ કહે છે, ‘અઢી વર્ષ પહેલાં મેં ચકલીઓના ચણ માટે ફીડર ગોઠવેલું ત્યારે લાગતું હતું કે જાણે મુંબઈમાંથી ચકલીઓ સાવ ગાયબ જ થઈ ગઈ છે. શરૂઆતમાં રોજ ચણ મૂકું, પાણી ભરીને રાખું પણ ચકલી જોવા ન મળે. જોકે થોડા જ દિવસોમાં આ ઇન્તેજાર ખતમ થયો. એક ચકલી આવી અને પછી તો જાણે એકબીજાને આ ઘરનું સરનામું કાનમાં કહેતી હોય એમ બીજી પણ ચકલીઓ આવતી થઈ. હવે તો બાપ રે બહુ ચકલીઓ વધી ગઈ છે! રોજ ત્રણ ટાઇમ આવે. ઓછામાં ઓછી ૧૪-૧૫ તો હોય જ. સવારે, બપોરે ત્રણ વાગ્યે અને પછી સાંજે પાંચ વાગ્યે ચકલીઓ આવે છે. હવે એમને પણ ખબર પડી ગઈ લાગે છે કે એમનાં બચ્ચાં માટે અહીં ખાણી-પીણી મળી રહેશે એટલે એમાં નિયમિતતા પણ છે.’ 


સ્ટાર ઇન્ડિયાએ યોજેલી બર્ડ હાઉસની સ્પર્ધામાં પક્ષીઓ માટે બનાવેલાં પંખીઘરો. 

ચકલીઓ રાજદે ફૅમિલીની સભ્ય બની ગઈ હોય એમ તેમના ઘરે આવે છે એ વિશે વાત કરતાં નીલમ રાજદે કહે છે, ‘મારી ડૉટર શાનિકાને ચકલીઓ બહુ ગમે છે અને તેણે જ આ ઇનિશિયેટિવ લીધું હતું. પહેલાં તો અમે વિન્ડો પાસે જઈએ તો ચકલીઓ ઊડી જતી, પણ હવે ઊડી નથી જતી. હવે દોસ્તી વધી છે. ચકલીઓ અમે હોઈએ ત્યારે પણ નિરાંતે ચણ ચણતી હોય છે તેમ જ પાણી પીતી હોય છે અને કિલ્લોલ કરતી હોય છે. ચકલીઓનું ચીં-ચીં સાંભળીને કોઈ નૅચરલ પ્લેસમાં બેઠા હોઈએ એવી ફીલિંગ આવે છે. બાકી મુંબઈ જેવા મોટા શહેરમાં ૧૪મા માળે તમને ચકલીઓનો ચીં-ચીં અવાજ ક્યાં સાંભળવા મળે? ચકલીથી વાતાવરણમાં એક અલગ જ વાઇબ્રેશન ફેલાય છે એ પણ હેલ્પ કરે છે એવું હું માનું છું.’ તેમની સોસાયટીમાં બીજા ત્રણ-ચાર પરિવારો પણ ચકલીઘર અને ફીડર રાખતા થયા છે. 

વેસ્ટ મટીરિયલમાંથી માળો

થાણે-વેસ્ટમાં સાતમા માળે રહેતા હેમંત પોવાલેએ હજી તો માંડ પંદરેક દિવસ પહેલાં જ તેમના ઘરે ચકલીઓનાં ત્રણ ઘર લગાવ્યાં છે અને જોતજોતામાં તો તેમને ત્યાં ચકલીઓ આવતી થઈ ગઈ છે. ચકલીઓ ઊડતી-ઊડતી ઘરે આવવાની વાત હોંશભેર કરતાં હેમંત પોવાલે કહે છે, ‘મારા ફ્લૅટની ત્રણ બાલ્કનીમાં મેં સ્પૅરો હાઉસ લગાવ્યાં એના બીજા જ દિવસથી ચકલી આવવાની શરૂ થઈ ગઈ. ચકલીઓ માટે અમે ચણ અને પાણી મૂકીએ છીએ. અત્યારે તો રોજ છ-સાત ચકલીઓ આવે છે એ જોઈને આનંદ થાય છે. ઍક્ચ્યુઅલી, મારો દીકરો વિહાન ચકલીઓની ઘરવાપસીના મિશન માટે ઉત્સાહી હતો.  વિહાને વેસ્ટ મટીરિયલમાંથી ચકલી માટે ઘર બનાવ્યું છે. અમારે ત્યાં હવે ચકલીઓ સેટ થઈ ગઈ છે એની અમારી ફૅમિલીને ખુશી છે. ચકલીઓની સંખ્યા વધવી જોઈએ અને એમના રક્ષણ માટે આપણે પણ કાર્ય કરવું જોઈએ.’ 

મુલુંડમાં ૧૪મા માળે ચકલીઓ માટે મૂકેલા ફીડર સાથે નીલમ રાજદે (ડાબે) અને હાથે બનાવેલા ચકલીના ઘર સાથે થાણેમાં રહેતો વિહાન (જમણે).

આ પણ વાંચો: ગાતાં-ગાતાં ગણિત

માળા અને ફીડર 

પહેલાંના જમાનામાં સવારે ચકલીઓના ચીં-ચીં અવાજથી બાળકો જાગતાં હતાં. ઘરમાં અને આસપાસનાં વૃક્ષો પર ચકલીઓના માળા જોવા મળતા હતા. જોકે હવે વૃક્ષો ઓછાં થતાં તેમ જ મકાનોમાં વેન્ટિલેશન ઓછાં જોવા મળતાં તેમ જ અન્ય કારણો સહિત કૉન્ક્રીટનાં અગણિત બિલ્ડિંગોની વચ્ચે ચકલીઓ આજે સાવ ઓછી જોવા મળી રહી છે ત્યારે ચકલી બચે એ માટે ૩૬૫ દિવસ કામ કરતા વ્યવસાયે આર્કિટેક્ટ અને વડોદરામાં રહેતા તનુજ દેસાઈ જબરદસ્ત ચકલીપ્રેમી છે. તેમણે ચકલીઓ માટે ઘરવાપસી અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન કેવા સંજોગોમાં અને કેવી રીતે શરૂ થયું એની વાત કરતાં તનુજ દેસાઈ કહે છે, ‘લૉકડાઉન દરમ્યાન હું રિસર્ચ કરી રહ્યો હતો ત્યારે મને ખબર પડી કે પહેલાંના સમયમાં ચકલીઓ ઘરમાં આવીને રહેતી હતી, પણ હવે એ આવવાની બંધ થઈ ગઈ છે. છેલ્લાં વીસેક વર્ષમાં એમનું પૉપ્યુલેશન ઓછું થયું છે. ચકલીઓ ઓછી થવાનાં જુદાં-જુદાં કારણો છે. એમાંનું એક રીઝન પુઅર અર્બનાઇઝેશન પણ છે. એન્વાયર્નમેન્ટને આપવાને બદલે આ આપણે ગુમાવ્યું છે ત્યારે ચકલીઓ પાછી આવવી જોઈએ એવું વિચારીને મેં નવેમ્બર ૨૦૨૦માં સ્ટાર ઇન્ડિયા સંસ્થાનું ફૉર્મેશન કર્યું. આ પ્લૅટફૉર્મ પર મારી સાથે ભારતભરમાંથી ૮૦૦ લોકો જોડાયા છે. આ ૮૦૦માંથી ૩૦૦ જેટલા તો આર્કિટેક્ટ અને ઇન્ટીરિયર ડિઝાઇનર છે. અમે એન્વાયર્નમેન્ટલ-ફ્રેન્ડ્લી મકાનો ડિઝાઇન કરીએ છીએ, હવાઉજાસવાળાં મકાનો ડિઝાઇન કરીએ છીએ. આ બધા લોકોને ત્યાં રોજ ચકલીઓ આવે છે. આ કંઈ રૉકેટ સાયન્સ જેવું નથી; પણ લોકોને બતાવ્યું કે આ ચકલીનું ફૂડ છે, આ એમનું હાઉસ છે. આ બધું લગાવો તો તમારે ત્યાં પણ ચકલીઓ આવશે. પહેલા છ મહિના મેં પ્રૅક્ટિસ કરી અને એનું રિઝલ્ટ મળ્યું એટલે હું આગળ વધ્યો અને આજે છેલ્લા ૨૭ મહિનામાં મારી સાથે ૮૦૦ લોકો જોડાયા છે. દેશનાં ૨૪ રાજ્યોમાં અમારા સભ્યો છે. અમે વર્ષમાં એક જ દિવસ ચકલી બાબતે જનજાગૃતિનો કાર્યક્રમ કરતા નથી, પણ ૩૬૫ દિવસ કામ કરીએ છીએ. અમે વેબસાઇટ, ફેસબુક અકાઉન્ટ તેમ જ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ બનાવ્યું છે અને એમાં માહિતી આપી છે.’ 

ચકલીઓ કેવી રીતે ઘરમાં પાછી આવતી થઈ એ વિશે વાત કરતાં તનુજ દેસાઈ કહે છે, ‘અમે ચકલીને સિક્યૉરિટી આપીએ, એમને ગમતું ફૂડ આપીએ. એમાં કાંગ, કણકી, મકાઈ, બાજરો, સનફ્લાવર સીડ સહિત જે તેઓ ખાતી હોય એ આપવાનું શરૂ કર્યું. એના ફૂડનાં પૅકેટ્સ તૈયાર કરીને સભ્યોને કિટમાં આપીએ. એની સાથે ચકલીને રહેવા માટે ઘર આપીએ છીએ. અમે ચકલીનું ઘર એવી રીતે ડિઝાઇન કર્યું છે કે એના બર્ડ હાઉસમાં એક હોલ હોય છે. જે બીજાં પક્ષીઓ છે તેઓ ઈંડાં ખાવા આવી જતાં હોય છે તો એવાં પક્ષીઓની ડોક આ હોલમાંથી ચકલીનાં ઈંડાં સુધી ન પહોંચે એ રીતે સ્પૅરો હાઉસ ડિઝાઇન કર્યાં છે.’ 

ચકલીઓ માટે અવેરનેસ ફેલાવવા માટે સ્ટાર ઇન્ડિયા (સ્પૅરો – ધી એજન્ડા ઑફ રીસર્જન) વર્ષમાં એક વાર બર્ડ હાઉસ મેકિંગ સ્પર્ધા પણ કરે છે. તાજેતરમાં જ વડોદરામાં બર્ડ હાઉસ મેકિંગ સ્પર્ધા થઈ હતી અને એમાં અવનવાં ૫૮૦ ઘર બનાવ્યાં હતા. આ બધા સ્પૅરો હાઉસ ફ્રી ઑફ કૉસ્ટ આપી દેવામાં આવશે જેથી એમાં ચકલી આવીને રહે.

Whatsapp-channel Whatsapp-channel

20 March, 2023 05:29 PM IST | Mumbai | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK