કોણ કહે છે કે મોટી ઉંમરે વર્ષોથી ચાલતા આવેલા વ્યસનને તિલાંજલિ ન આપી શકાય? આજે મળીએ એવા મહારથીઓને જેમણે જીવનની હાફ સેન્ચુરીમાં આવી ગયા હોવા છતાં ટબૅકોને નો કહી દીધું તો પછી તમે કોની રાહ જુઓ છો?
વર્લ્ડ નો ટબૅકો ડે
પ્રતીકાત્મક તસવીર
એક સમયે હું રોજની બે બંડલ બીડી અને એક પાકીટ સિગારેટ ફૂંકી કાઢતો હતો એમ જણાવતાં મુલુંડમાં રહેતા ૭૩ વર્ષના દેવકુમાર શાહ આગળ કહે છે, ‘હું ૧૦ વર્ષનો હતો ત્યારથી મને બીડી ફૂંકવાની આદત પડી ગઈ હતી અને પાછો બિન્દાસ પણ કેટલો, બાપાની સામે પણ ધુમાડો ફૂંકી બતાવતો. જોકે એ સમયે નાનો હતો એટલે શું ખોટું શું સાચું એની ખબર નહોતી. મિત્રોની સાથે ક્યારે બીડીની આદત પડી ગઈ એ ખબર પણ ન પડી. એવું નથી કે મને કોઈએ ટોક્યો નથી, પણ ત્યારે યુવાનીમાં કોઈ સલાહ આપવા આવે તો એમ કહેવાઈ જતું કે તું કોણ મને કહેનાર અને મને રોકનાર. પણ થોડાં વર્ષ પહેલાં મેં આ વ્યસન સદંતર છોડી દીધું એ પણ ઉંમરના ૫૦ વર્ષ પછી. એની પાછળ પણ એક કારણ છે.
ADVERTISEMENT
દેવકુમાર શાહ
વતનમાં મારું ઘર બનતું હતું. મારી વાઇફે કહ્યું જો તમે બીડીની આદત નહીં છોડો તો હું તમારી સાથે નહીં આવું. બસ, પછી તો મેં તેની સામે બારીની બહાર બીડી અને સિગારેટના પાકીટના છૂટા ઘા કરીને નીચે નાખી દીધાં. અને તેને કહ્યું, બસ હવે તો હાલીશને મારી સાથે. તે દિવસથી લઈને આજની ઘડી લગી મેં ક્યારેય બીડીને કે સિગારેટને પાછો હાથ લગાડ્યો નથી. અને હવે તો એવું થઈ ગયું છે કે કોઈ બાજુમાં આવીને સિગારેટ ફૂંકતું હોય તો સહન પણ થતું નથી.’
બીડી, સિગારેટ જેવા તમાકુ ધરાવતાં વ્યસનો ખૂબ જ ખરાબ હોય છે. ઉપરવાળાની દયાથી મને કોઈ પ્રૉબ્લેમ આવ્યો નથી પણ દરેકનાં નસીબ સારાં પણ હોતાં નથી. બીડી, સિગારેટ છોડીને ખાસ્સો એવો સમય થઈ ગયો જોવા છતાં આજે પણ મારા શરીરની અંદર તમાકુની સ્મેલ છે. એવી ચોખવટ સાથે દેવભાઈ આગળ કહે છે, ‘વ્યસન છૂટી ગયું એટલે હવે બહુ સારું લાગે છે. જાણે કે પનોતીએ પીછો છોડ્યો. કહેવાનું તાત્પર્ય એટલું જ કે મેં જ્યારે મારા મનથી મક્કમ થઈને બીડી નહીં ફૂંકવાનો નિર્ણય લીધો ત્યારે જ હું એના વ્યસનમાંથી બહાર આવી શક્યો. આ અગાઉ મને ઘણા સમજાવવા આવતા પણ હું કોઈનું સાંભળતો નહીં એટલે જો કોઈ મનથી મક્કમ નિર્ધાર કરી લે કે બસ, મારે આ વ્યસન છોડવું જ છે તો પછી તેને એ વ્યસન છોડતાં કોઈ અટકાવી શકતું નથી. બીજી એક વાત કે વ્યસન હું ધીરે-ધીરે છોડીશ એવું વિચારશો તો ક્યારેય વ્યસન છૂટશે નહીં. જો વ્યસન છોડવું જ હોય તો એકી ઝાટકે મારી જેમ એનો છૂટો ઘા કરી દેવો જોઈએ.’
આ પણ વાંચો : માટીની વસ્તુ બનાવવાનું આ યંગ ગર્લનું સ્ટાર્ટઅપ કમાલ કરી ગયું
મારે તો કોઈ ચૉકલેટ કે કોઈ નિકોટીન મોંમાં રાખવાની જરૂર પણ નહોતી પણ બસ, મનમાં આવ્યું અને વ્યસન છૂટી ગયું એમ જણાવતાં કાંદિવલીમાં રહેતા ૮૩ વર્ષના સિનિયર સિટિઝન હસમુખ સંઘાણી કહે છે, ‘મને તમાકુવાળા પાનનો શોખ હતો અથવા તો એમ કહો કે એની આદત પડી ગઈ હતી. મિત્રોની સાથે ક્યારે મને પાનની આદત લાગી ગઈ એ યાદ પણ નથી. દિવસનાં ચાર-પાંચ તમાકુનાં પાન હું ચાવી નાખતો. પહેલાંના સમયમાં તો મારી ઉંમરના ઘણા પાન ખાતા અને ત્યારે બહુ ગંભીરતા પણ નહોતી એટલે ચલાવ્યે રાખ્યું હતું. ઘરના બધા ના પાડતા પણ આદત છૂટતી નહોતી. એક દિવસ હંમેશની જેમ દેરાસરમાં ભગવાનનાં દર્શન કરવા માટે ગયો અને મનમાં ભાવ આવી ગયો કે હવેથી હું તમાકુવાળાં પાન નહીં ખાઉં અને એ દિવસથી મેં પાનને હાથ લગાડ્યો નથી. મોટી ઉંમરે જૂની આદત છોડવી થોડી મુશ્કેલ હોય છે પણ મન મક્કમ હતું એટલે આદત છોડી દીધી. હવે તો ઇચ્છા પણ નથી થતી કે પાન ખાઉં. બીજા કોઈ વ્યસન કરતા હોય તો તેને કહેવાનું મન થાય કે ભાઈ, હું પણ એક સમયે વ્યસની હતો પણ મન મક્કમ કરીને વ્યસન છોડી દીધું તમે પણ કરી જુઓ પણ પાછો વિચાર આવે કે આજે કોઈ પોતાના ઘરના લોકોનું પણ ક્યાં સાંભળે છે કે પારકાનું સાંભળવાના પણ એટલું જ કહીશ કે વ્યસન છોડવું ખૂબ સહેલું છે બસ, કોશિશ કરવાની જરૂર છે.’
હસમુખ સંઘાણી
તમારે છોડવું છે તમાકુનું વ્યસન?
ખ્યાતી આશર
ટબૅકોની આદત કોઈના કહેવાથી ક્યારેય જશે નહીં જ્યાં સુધી વ્યક્તિ પોતે એ છોડવા માટે તૈયાર નહીં થાય. હોમિયાપૅથિક ડૉક્ટર અને કાઉન્સેલર ખ્યાતિ આશરા કહે છે, ‘હું છેલ્લાં દસ વર્ષથી લોકોને વ્યસનમુક્ત કરવાના પ્રયાસો કરી રહી છું. ટબૅકોની આડઅસર શું છે અને ટબૅકોને નો કેવી રીતે કહી શકાય એના માટે હું ગ્રુપ બનાવીને લેક્ચર પણ આપી ચૂકી છે. મહિનામાં અમે સરેરાશ ચારથી પાંચ લોકોને વ્યસનમાંથી મુક્ત કરવામાં સફળ થઈએ છીએ. અમારી પાસે આવતા મહત્તમ લોકો સ્ટ્રેસને લીધે વ્યસન શરૂ કર્યું હોવાનું કબૂલે છે. સ્ટ્રેસ ઓછું કરવા તેઓ વ્યસન કરે છે પણ પછી તેમને એની આદત પડવા લાગે છે. અમે તેમને વ્યસન કેવી રીતે છોડવું એ તો સમજાવીએ જ છીએ પણ સાથે વ્યસન છોડ્યા બાદ ક્યાં-ક્યાં સાઇડ ઇફેક્ટ આવી શકે છે એના વિશે પણ સમજાવીએ છીએ. જેમ કે તલપ લાગવી, ગુસ્સો આવવો વગેરે ચિહ્નો વ્યસન છોડનારા વ્યક્તિમાં થોડા સમય માટે રહે છે પણ પછી આપોઆપ તેઓ નૉર્મલ રૂટીનમાં આવી જતા હોય છે. ૨૦ વર્ષની ઉંમરની આસપાસના કૉલેજમાં જતા યુવાનોને તો આ બધું કૂલ થિંગ અને ટ્રેન્ડ લાગે છે એટલે તેઓ આ વ્યસનો છોડવાનું વિચારતા પણ નથી પણ જ્યારે વ્યક્તિ ૩૦-૪૦ વર્ષની આસપાસ પહોંચે છે ત્યારે વ્યસન છોડવા તેના પર ફૅમિલીનું દબાણ વધે છે એટલે આ વયમર્યાદા ધરાવતી વ્યક્તિઓ અમારી પાસે કાઉન્સેલિંગ કરવા વધુ આવતા હોય છે. પાછું સાવ એવું પણ નથી કે ૩૦-૪૦ની વયની આસપાસ પહોંચેલા દરેક વ્યસન છોડવા માગતા હોય. ઘણા એવા લોકો પણ છે જેઓ આ ઉંમરમાં આવીને પણ વ્યસનના બંધાણી બની જતા હોય છે. એક કેસ મારી આવ્યો હતો જેમાં એક યુવાન છોકરો, જે ઑફિસમાં કામ કરતો હતો ત્યાંનો લગભગ તમામ સ્ટાફ સિગારેટ પીતો હતો. સિગારેટ પીવા માટે તેના તમામ સહકર્મચારીઓ સ્મોકિંગ રૂમમાં એકઠા થતા અને કલાક સુધી ગપ્પાં મારતા ત્યારે તેને થયું કે હું પાછળ પડી જઈશ. મારા અને અમારા મૅનેજર વચ્ચે ડિસ્ટન્સ બની જશે તો મને પ્રમોશન પણ નહીં મળે. બસ, આ જૉબ ઇન્સિક્યૉરિટીને લીધે તેણે પણ સિગારેટ ચાલુ કરી દીધી. તમારી આદત પાછળ તમારા સરાઉન્ડિંગ અને ફ્રેન્ડ સર્કલની મહત્ત્વની ભૂમિકા હોય છે. તમાકુના વ્યસનથી માત્ર કૅન્સર જ નહીં પણ અનેક બીમારીઓ પણ થઈ શકે છે એ સમજાવીએ છીએ. વ્યસનમાંથી છુટકારો મેળવવા માટે મદદરૂપ થવા અમે તેમને હોમિયોપૅથિક મેડિસિન પણ આપીએ છીએ જેને મોઢામાં મૂકીને ચૂસવાની રહે છે જેથી વ્યસનની તલપ લાગે નહીં.’