Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એક ડૉક્ટર જેઓ માત્ર દવા જ નહીં, શૅરબજારનું જ્ઞાન પણ આપે છે

એક ડૉક્ટર જેઓ માત્ર દવા જ નહીં, શૅરબજારનું જ્ઞાન પણ આપે છે

24 May, 2023 04:51 PM IST | Mumbai
Darshini Vashi

એમબીબીએસ ડૉ. હરેશ ટોલિયા અત્યાર સુધીમાં ૨૫૦ કરતાં પણ વધુ લોકોને શૅરબજારની આંટીઘૂંટીઓ શીખવી ચૂક્યા છે

ડૉ. હરેશ ટોલિયા

વાહ વડીલ વાહ

ડૉ. હરેશ ટોલિયા


આજની સ્કૂલોની તો ખબર નહીં પણ પહેલાંના સમયમાં સ્કૂલોમાં બાળકોને શીખવવામાં આવતું કે જ્ઞાન આપવાથી વધે છે. જોકે આજે મફતનું જ્ઞાન આપનારા તો ઘણા છે પણ એ કેટલું ઉપયોગી સાબિત થાય છે એ તો જ્ઞાન આપનાર અને લેનારને જ ખબર. આજે અહીં આપણે જેની વાત કરી રહ્યા છીએ એ વ્યક્તિ તદ્દન અલગ છે. તેઓ મફતમાં શૅરબજારનું જ્ઞાન આપી રહ્યા છે, પરંતુ તેઓ જે રીતે અને જે પદ્ધતિથી શેરબજારની બારાખડી શીખવે છે એનાથી આજે સેંકડો જણ શૅરબજારમાં સફળતાપૂર્વક કામ કરી રહ્યા છે.    

શરૂ કેવી રીતે થયું? | ઘાટકોપરમાં રહેતા અને ત્યાં જ પોતાનું દવાખાનું ચલાવતા ૬૬ વર્ષના ડૉ. હરેશ ટોલિયા શૅરબજારનું જ્ઞાન કેવી રીતે લોકો સુધી પહોંચાડી રહ્યા છે એ વિશે કહે છે, ‘કોરોના અગાઉ જે લોકો મારી પાસે શૅરબજાર શીખવા આવતા તેમને હું ઑફલાઇન શીખવતો. ઘરે બોલાવીને તેમને શીખવતો. પછી કોરોના આવ્યો એટલે બધું ઑનલાઇન થઈ ગયું. ધીરે-ધીરે શૅરબજાર વિશે શીખવા આવનાર લોકોની સંખ્યા પણ વધતી ગઈ. ઑનલાઇન તો કોઈની પણ રિક્વેસ્ટ આવે, ઓળખીતા હોય કે ન પણ હોય પણ જો તેમને ખરેખર શીખવું જ હોય તો હું તેમને શીખવું જ છું. મને ગમે છે શૅરબજાર વિશે શીખવવાનું એટલે હું શીખવું છું. યોગ્ય સમજદારીથી કરેલા રોકાણમાં કોઈને બે પૈસા કમાવા મળી શકે બસ, એટલો જ મારો સ્વાર્થ છે. આજ સુધી તો મેં ક્યારેય શૅરબજાર શીખવવા માટે કોઈ પણ પ્રકારની ફી લીધી નથી. તેમ જ ક્યારેય કોઈ ટિપ પણ આપતો નથી કે કોઈ ચોક્કસ શૅરની ભલામણ પણ કરતો નથી. માત્ર તેમને શૅરબજારમાં કેવી રીતે પ્રવેશવું, કેવી રીતે રોકાણ કરવું, કેવા શૅર પસંદ કરવા, કેવા ભાવે રોકાણ કરવું, ક્યારે નીકળી જવું, કયાં પરિબળો ધ્યાનમાં રાખવાં અને કેવી રીતે અફવાઓ અને ખોટા સમાચારોથી બચીને રહેવું વગેરે પાયાની જાણકારી અને માહિતી જ હું તેમને શીખવું છું. આજ સુધીમાં ૨૫૦થી વધુ લોકોને હું શૅરબજારનું જ્ઞાન આપી ચૂક્યો છું, જેનાથી તેમને ઘણો લાભ થયો છે. એક જણ શૅરબજારની મહત્તમ જાણકારીના લીધે સેબીના ઇન્ટરવ્યુમાં સડસડાટ પાસ થઈને નોકરી પર પણ લાગી ગયો તો એક યુવતીને દેશની ટોચની બૅન્કમાં નોકરી પણ મળી ગઈ.’



પિતાની શીખ | શૅરબજારની બારીકીઓ શીખવવામાં કેવી રીતે રસ પડ્યો એ વિશે જણાવતાં ડૉ. હરેશ ટોલિયા કહે છે, ‘મારા પિતા શૅરબજારમાં રસ ધરાવતા હતા, જેઓ પોતે પણ એમબીબીએસ હતા અને જે. જે. હૉસ્પિટલમાં જતા હતા. તેમણે શૅરબજારમાં સારુંએવું રોકાણ પણ કર્યું હતું એટલે મને ખબર હતી કે મારા પિતા બાદ શૅરબજારમાં કરેલા રોકાણનું ધ્યાન મારે જ રાખવાનું છે એટલે મારે શૅરબજારમાં માથું નાખવું જ પડશે અને સમજવું પડશે એટલે હું મારી જાતે ધીરે-ધીરે કરીને શૅરબજાર વિશે સમજવા લાગ્યો. ’૮૦ના દાયકામાં તો ટીવી પણ માંડ-માંડ કોઈકના ઘરે જોવા મળતાં. આધુનિક ઇલેક્ટ્રિક ઉપકરણોનું તો નામોનિશાન હતું નહીં. આ સમયે હું અખબારો, ચાર્ટ અને એક્સપર્ટ લોકોની સાથે વાતચીત કરીને શૅરબજાર વિશે શીખ્યો. પછી તો હું શૅરબજાર વિશે ઘણું જાણી અને સમજી ગયો પણ મારે એ સમયે મારા દવાખાનાને પણ સંભાળવાનું હતું એટલે મેં શૅરબજાર તરફ રસ ઓછો કરી નાખ્યો પણ એની દરેક અપડેટની સાથે અપડેટેડ રહેતો. કોઈ પેશન્ટ કે પછી કોઈ ઓળખીતી વ્યક્તિ આવે અને શૅરબજારની કોઈક વાત નીકળે તો સ્વાભાવિક રીતે જ્ઞાનની આપલે થઈ જતી. પછી તો ધીરે-ધીરે મારી પાસે શૅરબજારમાં કેવી રીતે રોકાણ કરવું અને શું ધ્યાન રાખવું, કયાં પરિબળો જોવાં વગેરે પૂછવા આવનાર લોકોની ગિરદી વધવા લાગી. એટલે પછી એક સમય નક્કી કરીને બધાને એકીસાથે ઘરે જ બોલાવતો અને તેમના પ્રશ્નોના જવાબ આપતો. આટલા બધાને શીખવાડવા આગાઉ મારે પણ એટલો જ સ્ટડી કરવો પડે છે રોજ. મારી પાસે ૧૬ વર્ષના સ્ટુડન્ટ્સ પણ છે અને ૭૫ વર્ષના સ્ટુડન્ટ્સ પણ છે.’


લૉસ ક્યારે થાય? | શૅરબજાર વિશે શીખવા માટે લોકો વધુ સમય નથી આપતા એટલે લૉસ કરે છે એમ જણાવતાં ડૉ. હરેશ ટોલિયા કહે છે, ‘શૅરબજાર એવું ઇન્વેસ્ટમેન્ટનું સાધન છે કે જેમાં ગમે તેટલી નાની રકમ સાથે પણ તમે એમાં ઊતરી શકો છો, પણ સિસ્ટમૅટિક રીતે. પણ મોટા ભાગના લોકો શૅરબજારની બારાખડી પણ ન ભણ્યા હોય અને એમાં ભૂસકો મારવા ઊભા થઈ જાય છે એટલે લૉસ કરે છે. દરેક વસ્તુને શીખવા માટે સમય આપવો પડે છે. જેમ કે મારી વાત કરું તો ડૉક્ટર બનવા માટે મેડિકલ કૉલેજમાં ચાર વર્ષ ભણવાનું, એક વર્ષ ઇન્ટર્નશિપ અને પછી બે વર્ષ એક્સ્પીરિયન્સ લીધો ત્યારે જઈને હું સફળ ડૉક્ટર બની શક્યો. જો શૅરબજારમાં પણ એટલું જ ધ્યાન આપશો તો કોઈ વાંધો આવે એમ નથી. બાકી નસીબ.’


Whatsapp-channel Whatsapp-channel

24 May, 2023 04:51 PM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK