Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > વિલમાં એક વાક્ય ખાસ લખો, મેરે મરને કે બાદ...

વિલમાં એક વાક્ય ખાસ લખો, મેરે મરને કે બાદ...

15 June, 2024 02:10 PM IST | Mumbai
Pallavi Acharya

આજે વર્લ્ડ એલ્ડર અબ્યુઝ અવેરનેસ ડે પર જાણીએ કે વડીલોએ શું કરવું જોઈએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વડીલો સાથે સૌથી વધુ દુર્વ્યવહાર તેમનાં સંતાનો તથા પરિવારના સભ્યો જ કરે છે. આજે વડીલો સાથે એટલી હદે દુર્વ્યવહાર થાય છે કે ક્યારેક તેમને રસ્તે રઝળતા કરી દેવાય છે, લાચાર બનાવી દેવાય છે. આવું શું કામ થાય છે? એ માટે કોણ જવાબદાર છે? આજે વર્લ્ડ એલ્ડર અબ્યુઝ અવેરનેસ ડે પર જાણીએ કે આ બધાથી બચવા વડીલોએ શું કરવું જોઈએ


 થોડાક કિસ્સાઓથી વાતની શરૂઆત કરીએ.


ખારમાં એક વૃદ્ધ પતિ-પત્ની તેમના દીકરા સાથે રહેતાં હતાં. બાપુજી પાસે વધુ તો કાંઈ પ્રૉપર્ટી નહોતી પણ જે કંઈ હતું એ તેમણે પત્નીના નામે કર્યું હતું. બાપા હતા ત્યાં સુધી તો ઠીક હતું પણ ખરો ખેલ શરૂ થયો તેમના મૃત્યુ પછી. પિતા ગુજરી ગયા એટલે છોકરો રોજ તેની માને પ્રૉપર્ટી પોતાના નામે કરી દેવા માટે પ્રેશર કરવા લાગ્યો. બાએ મચક ન આપી એટલે છોકરાએ તેની માને શરૂઆતમાં અપશબ્દો કહેવાનું શરૂ કર્યું, તેની અવગણના કરવા લાગ્યો, તેની વહુ અને છોકરાં પણ એમાં જોડાતાં. આથી આગળ વધી તેમને માર મારવાનું શરૂ થયું. પછી તો ઘરમાં પૂરી રાખતાં, ખાવા પણ નહોતાં આપતાં. છેવટે માએ કંટાળીને પ્રૉપર્ટી છોકરાના નામે કરી ત્યારે તો માનવતાની હદ આવી ગઈ. છોકરા-વહુએ તેને મારતાં-મારતાં ઘરની બહાર ફેંકી દીધી અને ઉપરથી કહ્યું કે અહીં આસપાસ ક્યાંય દેખાતી નહીં. આ મહિલા આજે રસ્તા પર ભીખ માગીને મોતની રાહ જોતી જીવે છે.

સાયનના એક વૃદ્ધાશ્રમમાં રહેતાં મહિલા જે હવે ગુજરી ગયાં છે તેમનો કિસ્સો પણ દર્દનાક છે. ગવર્નમેન્ટ સર્વન્ટ તરીકે સક્રિય રહ્યા પછી નિવૃત્ત થયેલાં આ મહિલા દાદરમાં પોતાના ફ્લૅટમાં રહેતાં હતાં. પતિની પ્રૉપર્ટીમાં તેઓ માત્ર નૉમિની જ હતાં તેથી પતિના અવસાન પછી બે દીકરાઓ ફ્લૅટ વેચી પોતાનો ભાગ લઈ લેવા ઉતાવળા હતા. આ માટે તેની સાથે બહુ દુર્વ્યવહાર થતો. ફ્લૅટ વેચ્યો પછી તે મોટા દીકરા સાથે રહેતાં, પણ તે અને તેનો પરિવાર ખૂબ અપશબ્દો કહેતા, અપમાન કરતા; જે સહન નહોતું થતું. તેથી નાના દીકરા પાસે રહેવા ગયાં તો એ તો એનાથીયે વધુ ખરાબ નીકળ્યો. દીકરો અને તેનો પરિવાર તેમની સાથે દુર્વ્યવહાર તો કરતા, પણ દીકરો દર મહિને તેની માને કારમાં બેસાડી તેનું પેન્શન લેવા બૅન્કમાં લઈ જતો અને બધા પૈસા લઈને છોડી દેતાં કહેતો, રિક્ષામાં ઘરે જા. અપમાન, અવહેલના, માર સહન ન થતાં તે વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યાં અને સાત-આઠ વર્ષ જીવ્યાં.


એક સાંધે ત્યાં તેર તૂટેની હાલતમાં છોકરાંને મોટાં કર્યાં, ઘરબાર વેચીને ભણવા વિદેશ મોકલ્યાં; પણ છોકરો ભારત કદી આવ્યો જ નહીં અને માબાપ અહીં જીવતે જીવ મરતાં રહ્યાં હોય એવા પણ અનેક કિસ્સા છે.

છૂપું સત્ય

એલ્ડર અબ્યુઝ એટલે કે વડીલો સાથેનો અત્યાચાર છૂપું સત્ય છે, હિડન ટ્રુથ છે; જેની સચ્ચાઈ સામે નથી આવતી. વડીલો પણ આની સામે બોલતા નથી, કારણ કે અબ્યુઝ કરનારાં પોતાનાં જ સંતાનો હોય છે. ૨૦૨૨માં ભારતનાં ૨૨ શહેરોમાં હાથ ધરવામાં આવેલા અન્ય એક સર્વેમાં જાણવા મળ્યું કે ભારતમાં ૩૫ ટકા વડીલો તેમના પોતાના પુત્રો દ્વારા, ૨૧ ટકા પુત્રવધૂઓ દ્વારા દુર્વ્યવહાર સહન કરે છે. દર છમાંથી એક વરિષ્ઠ નાગરિક વૈશ્વિક સ્તરે દુર્વ્યવહારનો સામનો કરે છે. કેટલાક અભ્યાસો અનુસાર ભારતમાં વડીલો સાથે દુર્વ્યવહારનો વ્યાપ વિવિધ રાજ્યોમાં ૯.૬ ટકાથી ૬૧.૭ ટકાની વચ્ચે છે. જોકે વાસ્તવિક આંકડાઓ ઘણા વધારે હોઈ શકે છે. ૨૦૫૦ સુધીમાં એવો અંદાજ છે કે દર છમાંથી એક વ્યક્તિ ૬૫ વર્ષ કે તેથી વધુ વયની હશે તેથી આ આંકડામાં વૃદ્ધિ થવાનું નક્કી છે. વર્લ્ડ એલ્ડર અબ્યુઝ અવેરનેસ ડે (WEAAD)ની આજે તાતી જરૂર છે અને એની સાથે સંકળાયેલી વાતો પણ બહાર આવતી રહે એ જરૂરી છે.

સંતાનો માટેનો આંધળો પ્રેમ

ભારતનાં કયાં માબાપ તેમનાં સંતાનો પર ઍક્શન લેવા ઇચ્છે છે એવો સવાલ કરતાં વડીલો માટે કામ કરતી સંસ્થા સિલ્વર ઇનિંગ્સના શૈલેશ મિશ્રા કહે છે, ‘એક તો એ આપણી મેન્ટાલિટી છે, બીજું તેમને લાગે છે કે રહેવું તો એક છત નીચે છે ત્યાં શું ફરિયાદ કરીએ? પરંતુ વડીલો એ ભૂલી જાય છે કે તેમની થઈ રહેલી પજવણી માટે પોલીસમાં નહીં તો ખાસ તેમના માટેની ટ્રિબ્યુનલમાં તો ફરિયાદ કરી જ શકે છે.’

અત્યાચારના અનેક કિસ્સાઓ પછી અને વડીલો માટે કામ કરતી સંસ્થાઓની સલાહ પછી વડીલોનો નજરિયો થોડો બદલાયો છે છતાં પણ ભારતીય પેરન્ટ્સ મોટા ભાગે તેમની સંપત્તિ તો સંતાનોના નામે જ કરવામાં માને છે એમ કહીને વાતની શરૂઆત કરતાં વડીલો માટે કામ કરતી સંસ્થા ‘આજીકૅર સેવક ફાઉન્ડેશન’ના CEO પ્રકાશ બોરગાંવકર કહે છે, ‘દીકરા કે દીકરી ભલે ગમેતેટલાં પરેશાન કરે, નપાવટ હોય તો પણ ભારતમાં વડીલો પોતાની સંપત્તિ મોટા ભાગે સંતાનોને અથવા સંતાનોનાં સંતાનોને જ આપે છે. સંતાનો હેરાન કરતાં હોય તો તેમની સામે પોલીસમાં FIR પણ નથી લખાવતા. જો એમ કરે તો તેમના સંતાનને જેલ થાય તેથી તેઓ પોલીસમાં NC જ લખાવે છે. આ આપણા દેશની વાસ્તવિકતા છે.’

આ વાસ્તવિકતા બાબતે વડીલો સાથે કામ કરતા લોકોનો એક મત છે કે આપણે ત્યાં વડીલો અત્યાચારો સહન કરી લે છે. નાછૂટકે જ ફરિયાદ કરે છે એટલું જ નહીં, પોતાની સંપત્તિ  પણ સંતાનોને અથવા તેમનાં સંતાનોને જ આપે છે, દાનમાં પણ બહુ ઓછા લોકો આપે છે અને  માબાપની આ નબળાઈનો સંતાનો ગેરલાભ લે છે.

આ હકીકતને ટેકો આપતી વાત કહી નરીમાન પૉઇન્ટ પર ઑફિસ ધરાવતાં લીગલ અલાઇડ ઍન્ડ કંપનીનાં પ્રમોટર ઍડ્વોકેટ સુમેધા રાવે. તેઓ કહે છે, ‘ભારતીય પરિવારોમાં  અમીર લોકો જ પોતાની સંપત્તિ સંતાનોને આપવાના બદલે દાનમાં આપે છે. બાકીના લોકો સંતાનો ભલે ગમેતેટલાં બગડેલાં હોય, હેરાન કરતાં હોય, ઘણી વાર છોકરાનો કોઈ અતોપતો ન હોય તો પણ સંપત્તિ સંતાનના નામે જ કરે છે. એમાંય ગુજરાતી પરિવારો સંપત્તિ દીકરાના નામે જ કરે છે, દીકરી પરણીને ગઈ એટલે તેને ભાગ નથી આપતા. એ અલગ વાત છે કે દીકરા અને દીકરીને બધું લખી આપ્યા બાદ પણ તેઓ કોઈ ને કોઈ ઇશ્યુ બાબતે ઝઘડા કરે છે.’

વડીલો સામે કેવી સમસ્યાઓ?

આપણે ત્યાં મિનિસ્ટ્રી ઑફ સોશ્યલ જસ્ટિસ ઍન્ડ એમ્પાવરમેન્ટ જેવા વિભાગો છે, પણ એમાં અગ્રેસિવ રીતે કામ નથી થતું એમ જણાવીને શૈલેશ મિશ્રા કહે છે, ‘બીજું, વડીલો સંતાનો વિશે કંઈ ફરિયાદ કરે તો પોલીસ કહે છે કે તમારી ફૅમિલી-મૅટર છે, અમે શું કરીએ? પનવેલમાં એક વૃદ્ધ મહિલાએ દીકરા-વહુના અત્યાચાર સામે ફરિયાદ કરી તો પોલીસે વૃદ્ધાને કહ્યું હવે તમારે કેટલું જીવવું છે? વહુ સાથે શાંતિથી રહોને! એ પછી આ લોકોના અત્યાચાર ઓર વધી ગયા. પોલીસ પોતાની મેળે સુઓ મોટો કે ડોમેસ્ટિક વાયલન્સ અંતર્ગત ઍક્શન લઈ શકે, પણ એમ નથી થતું. અમે ઘણી વાર જોયું છે કે પોલીસમાં વડીલો વિશે ફરિયાદ થાય ત્યારે હકીકત જુદી પણ હોય છે. એક છોકરીએ પ્રૉપર્ટી માટે પોલીસને ફરિયાદ કરી હતી કે તેનો ભાઈ મા-બાપને હેરાન કરે છે. સાસુ ફરિયાદ કરે તો કેટલીક વાર વહુ તેને ધમકી આપે કે તમારા પર દહેજનો કેસ કરી દઈશ. આમ વડીલો ડરી જાય છે.’

વડીલો પોતાની સંપત્તિ બે સંતાનો દીકરો અને દીકરીમાં વહેંચી દે છે ત્યારે ઘણી વાર દીકરો દીકરીને આપવા તૈયાર નથી થતો અને લિટિગેશન થાય છે. કેટલીક વાર એક ફ્લૅટ દીકરા-દીકરીના નામે કરો તો દીકરો અડધો ભાગ તેને નથી આપતો, કારણ કે જો તે ફ્લૅટ વેચી મારે તો ક્યાં રહે અને નવો લઈ શકે એમ નથી હોતો. આમ આવી રીતે વિલ પ્રૅક્ટિકલ નથી બનતું એમ જણાવી સુમેધા રાવ કહે છે, ‘તમે વિલ લખ્યું, પણ એના શબ્દોનું ધ્યાન ન રાખો તો મુશ્કેલીમાં આવી પડો. જુહુમાં રહેતાં એક મહિલા તેમનો ચાર કરોડનો ફ્લૅટ નથી વેચી શકતાં, કારણ કે પતિએ વિલમાં લખ્યું હતું કે મારા ગયા પછી પ્રૉપર્ટી દીકરાની જેથી મહિલા ફ્લૅટ વેચી પોતાની બહેન પાસે રહેવા જવા ઇચ્છે છે, પણ દીકરો કહે છે કે એ હવે મારો ફ્લૅટ છે અને મારે વેચવો નથી. જો પતિએ લખ્યું હોત કે મારી સંપત્તિ મારા પછી મારી પત્નીની અને પત્નીના પણ ગયા પછી મારા દીકરાને મળે તો પેલાં મહિલા તેમનો બંગલો વેચીને પુણે જઈ શક્યાં હોત. આજે અહીં એકલાં જીવે છે, કારણ કે દીકરો અમેરિકામાં છે. આમ પ્રૅક્ટિકલ વિલ ન બને તો પ્રૉબ્લેમ ઊભા થઈ શકે છે.’

 નૉમિનેશન બાબતે પણ એવું થઈ શકે છે. માત્ર નૉમિનીમાં નામ હોવાથી મિલકત નથી મળતી એવું પણ બન્યું છે. સુમેધા રાવ કહે છે, ‘વિલમાં જો ચોક્કસ વ્યક્તિને મળે એવું લખ્યું હોય તો જ નૉમિની પાસે જાય છે, નહીં તો બીજાં ભાઈ-બહેન પણ એના પર ક્લેમ કરી શકે. એ લખ્યું હોવું જોઈએ. પતિ-પત્નીના જૉઇન્ટ નામે ફ્લૅટ કે સંપત્તિ હોય તો પતિ કે પત્નીએ વિલમાં લખવું જોઈએ કે મારો જે ૫૦ ટકા ભાગ છે એ મારા ગયા પછી મારા પાર્ટનરને અને તેના પણ ગયા પછી સંતાનનો. સંતાનોના નામે સંપત્તિ કરો અને એકને વધારે કે ઓછી આપવી હોય તો એ શા માટે એ પણ ક્લિયર કરો. એમાં લખવું જરૂરી છે કે વાઇફ પહેલાં જાય તો બધી સંપત્તિ તેના પતિની અને પતિ પહેલાં જાય તો બધી સંપત્તિ પત્નીની અને તેના ગયા પછી જ સંપત્તિ સંતાનોને મળે. જૉઇન્ટ નામે પ્રૉપર્ટી હોય તો પણ કોઈ એક જાય ત્યારે સો ટકા સંપત્તિ જે હયાત છે તેની અને તેના પણ ગયા પછી જ સંતાનની એવી સ્પષ્ટતા કરવી જરૂરી છે. ઘણા વડીલો ગિફ્ટ ડીડ કરી સંપત્તિ સંતાનને આપે છે પણ પછી સંતાનો તેમને હેરાન કરવા લાગે છે અને ઘરમાંથી તગેડી પણ મૂકે છે.’

વરિષ્ઠો જાણતા નથી કે ભારતમાં વડીલો સાથે દુર્વ્યવહાર એ સજાપાત્ર ગુનો છે. વરિષ્ઠ નાગરિકોને હેરાન કરનાર વ્યક્તિને ફોજદારી ધમકી માટે કલમ ૫૦૬ હેઠળ લાવી શકાય છે. જો વ્યક્તિ માનસિક અથવા મૌખિક રીતે વરિષ્ઠ નાગરિક પ્રત્યે દુર્વ્યવહાર કરે છે તો કલમ ૨૯૪ હેઠળ કેસ કરી શકાય. વૃદ્ધો એ પણ જાણતા નથી કે તેઓ સંતાનો પાસેથી ભરણપોષણ માગી શકે અને ન આપે તો સજા થઈ શકે છે.

વડીલો, જાણકાર બનો; સતર્ક રહો

વડીલોએ પોતાના અને સંપત્તિના રક્ષણ માટે જાણકાર અને સતર્ક બનવાનું છે. કાયદાની વાત કરતાં ઍડ્વોકેટ બેઝાદ ઈરાની કહે છે, ‘પ્રૉપર્ટીના કાયદા મુજબ તમે પોતે કમાયેલી પ્રૉપર્ટી તમે જ્યારે ચાહો અને જેને ચાહો તેને આપી શકો છો.’

કેટલાક અમીર લોકો વિલ બનાવે ત્યારે પોતાની વાતને વળગી રહે છે પણ ઘણી વાર પ્રૅક્ટિકલ નથી થતું હોતું, જે પાછળથી સંતાનો માટે તકલીફ ઊભી કરે છે. સુમેધા રાવ વધુ માહિતી આપતાં કહે છે, ‘તેથી વકીલની સલાહને અનુસરવું જરૂરી છે. કેટલાક ગુજરાતી પરિવારો બિઝનેસ એકને અને ઍસેટ બીજાને આપે ત્યારે જો ઍસેટ વધુ હોય કે બીજી બાબત વધુ કે ઓછી હોય તો એ કૉમ્પ્લીકેટેડ થઈ જાય છે. તેથી એનું લખાણ પ્રૅક્ટિકલ હોવું જરૂરી છે.’

વિલ બાબતે ઘણી ઉપયોગી માહિતી આપતાં ઍડ્વોકેટ પ્રીતિ ગડા કહે છે, ‘વિલ તમે કોઈ પણ એજમાં બનાવી શકો. એ માટે જરૂરી નથી કે સિનિયર સિટિઝન થવું, કારણ કે જીવનનો ભરોસો શું છે? તમે માનસિક રીતે સ્વસ્થ હો ત્યારે વિલ કરો, બે વિટનેસની હાજરીમાં એના પર સહી હોવી જોઈએ, એકની જ સહી હશે કે જુદી-જુદી તારીખ એના પર હશે તો અયોગ્ય ઠરશે. વિલ રજિસ્ટર કરવું ફરજિયાત નથી, પણ કરો તો તમે એને પડકારી શકો છો. ઘણા લોકોને ડર હોય છે કે વિલ બનાવ્યા પછી પ્રૉપર્ટી તમારી નહીં રહે. એવું નથી, તમારા મૃત્યુ બાદ જ વિલ અમલી બને છે. વિલ બનાવ્યા પછી પણ જરૂર હોય તો તમે તમારી પ્રૉપર્ટી વેચી શકો છો. કોઈ લૉયર અથવા CA પાસે વિલ બનાવી શકો અથવા જાતે લખીને પણ બનાવી શકો, પણ બે સાક્ષીની સહી જોઈએ. બનાવેલું વિલ તમે બદલી શકો, પણ અગાઉનું કૅન્સલ છે એ વિશે નવા વિલમાં લખવું પડે. સાક્ષી યુવાન હોય તો સારું. સોસાયટીઓ પણ NOC માગે છે, તેથી વિલ કરવું જરૂરી છે.’

દરેક વડીલે ખાસ અનુસરવી જોઈએ કાયદાકીય સલાહકારો દ્વારા અપાયેલી આ સલાહ

જીવતેજીવ તમારી પ્રૉપર્ટી સંતાનોને કે કોઈને પણ ન આપો.

પત્તિનું ગિફ્ટ ડીડ બનાવીને ન આપો. પ્રૉપર્ટી લેનારાઓ એ મળી ગયા પછી તમને ન સંભાળે કે તગેડી મૂકે એવું બને છે. જોકે એવું થાય તો તમે કાયદેસર એને પાછી મેળવી શકો છો.

વિલ એવું બનાવો જે પ્રૅક્ટિકલ હોય. એમાં સ્પષ્ટ લખો કે એક પાર્ટનર જાય તો બધું બીજા પાર્ટનરને મળે. બન્નેના ગયા પછી જ સંતાનને અથવા જેને આપવું છે તેને મળે.

વિલમાં એક વાક્ય ખાસ લખો, ‘મેરે મરને કે બાદ...’

કેટલાક લોકોનાં સંતાનો વિદેશમાં વેલ-સેટલ્ડ હોય છે, ખબર હોય કે તે અહીં આવવાનાં જ નથી તો પ્રૉપર્ટી તેમના નામે કરવાનો કોઈ મતલબ નથી, કારણ કે વિદેશથી જો તેઓ અહીં આવવાનાં જ નથી તો તેમને આપેલી સંપત્તિ અહીં પડી જ રહેશે. એના બદલે એને સારા કામમાં કે સેવાકાર્યો કરતી સંસ્થોને આપી શકાય.

તમે પોતે કમાયેલી સંપત્તિનું જ વિલ બનાવીને આપી શકો, વારસામાં મળેલી સંપત્તિનું નહીં. આમ પ્રૉપર્ટીના ડૉક્યુમેન્ટ ક્લિયર હોવા જરૂરી છે. સ્થાવર, જંગમ, ઘરેણાં વગેરેની પણ સ્પષ્ટતા જરૂરી છે.

સંતાનોની અપેક્ષાઓ વધી છે, તેમના ખર્ચા વધ્યા છે અને તેમનું કૅલ્ક્યુલેશન પણ વધ્યું છે. ઝાડ ફળ આપતું બંધ થાય ત્યારે એ કાપીને ફેંકી દેવાય છે એ હકીકત સમજો એવું હાઈ કોર્ટમાં પ્રૅક્ટિસ કરતા ઍડ્વોકેટ સંદીપ નાઈકનું કહેવું છે.

વિલ અવશ્ય કરો અને એનું રેકૉર્ડિંગ કરી રાખો.

વિલ સ્પષ્ટતા સાથે બનાવો જેથી કોઈ ઝઘડો ન રહે.

કાયદાનું એક પ્રોવિઝન છે કે તમે એક એક્ઝિક્યુટવ અપૉઇન્ટ કરી શકો, જે તમારી સંપત્તિમાંથી દર મહિને અથવા તમારા ગયા પછી જે રકમ જેને આપવાની હોય તેને આપશે. વિલ બનાવવું પૂરતું નથી, એનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે; નહીં તો એનો કોઈ અર્થ નથી. એવું જ ગિફ્ટ ડીડ બાબતે પણ છે. વિલ અને ગિફ્ટ ડીડમાંથી જે પહેલું બન્યું હોય એ અમલી બને છે એવું હાઈ કોર્ટના ઍડ્વોકેટ સંદીપ નાઈકનું કહેવું છે.

ગિફ્ટ ડીડ કરો ત્યારે પણ કન્ડિશન રાખો કે તમે વૃદ્ધ થાઓ ત્યારે તેણે જ તમને સંભાળવાના છે. વડીલો કન્ડિશન નથી રાખતા, અન્ડરસ્ટૅન્ડિંગથી જ ચાલે છે. એથી બધી સંપત્તિ આપી દઈને તમે તકલીફમાં આવી જાઓ છો. પેરન્ટ્સે ટ્રિબ્યુનલ આગળ જઈને આ બાબત લખાવવી પડે, જો ન કરે તો બધું જતું રહે એવું ધ ફેડરેશન ઑફ સિનિયર સિટિઝન્સ ઑર્ગેનાઇઝેશન્સ ઑફ મહારાષ્ટ્ર (FESCOM)ના લીગલ ઍડ્વાઇઝર ઍડ્વોકેટ પ્રમોદ ઢોકલેનું કહેવું છે. તેઓ સિનિયર સિટિઝનને ફ્રી લીગલ ઍડ્વાઇઝ કરે છે.

તમે નહીં તો બીજું કોણ બદલશે તમારી સ્થિતિ?

એકતાની તાકાત સમજો. વડીલો, ઘરમાં પુરાઈ ન રહો. મિત્રો બનાવો. તેમને ઘરે બોલાવો તો ઘરના લોકો દુર્વ્યવહાર કરતાં અચકાશે. પાર્કમાં ફરો, પિક્ચરો જુઓ, શોખ પૂરા કરો, ગીતો ગાઓ, યોગ કરો, ડાન્સ કરો, પોતાને બિઝી રાખો. નવરા પડશો તો નેગેટિવ વિચારો આવશે. સંતાનો પાસે અપેક્ષાઓ ન રાખો. નિવૃત્તિ બાદ નિર્વાહ માટે મની-પ્લાનિંગ કરવું જરૂરી છે. જો કર્યું હશે તો અબ્યુઝ થવાના ચાન્સ ઘટી જશે.

૨૦૨૨માં ભારતનાં ૨૨ શહેરોમાં હાથ ધરવામાં આવેલા અન્ય એક સર્વેમાં જાણવા મળ્યું કે ભારતમાં ૩૫ ટકા વડીલો તેમના પોતાના પુત્રો દ્વારા, ૨૧ ટકા પુત્રવધૂઓ દ્વારા દુર્વ્યવહાર સહન કરે છે. દર છમાંથી એક વરિષ્ઠ નાગરિક વૈશ્વિક સ્તરે દુર્વ્યવહારનો સામનો કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

15 June, 2024 02:10 PM IST | Mumbai | Pallavi Acharya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK