આજે પુસ્તકો વિશેની જાણવા જેવી વાતો. સારા પુસ્તકના વાંચનથી ઘણો લાભ થાય છે એ વાત દરેક પુસ્તકપ્રેમી સારી રીતે જાણે છે, પણ કવિ કે લેખકનું કામ મનુષ્યનો ઉદ્ધાર કરવાનું નથી, ઉદ્ધારને પાત્ર બનાવવાનું છે
પ્રતીકાત્મક તસવીર
ગયા અઠવાડિયે ૨૩ એપ્રિલે વિશ્વપુસ્તક દિવસ હતો. આજે પુસ્તકો વિશેની જાણવા જેવી વાતો. સારા પુસ્તકના વાંચનથી ઘણો લાભ થાય છે એ વાત દરેક પુસ્તકપ્રેમી સારી રીતે જાણે છે, પણ કવિ કે લેખકનું કામ મનુષ્યનો ઉદ્ધાર કરવાનું નથી, ઉદ્ધારને પાત્ર બનાવવાનું છે. જે રીતે ખુશ્બૂ વગર ફૂલ નકામું, ડાળી વગર ઝાડ સૂકું, પાણી વગર ધરતી પ્યાસી, વિશ્વાસ વિના પ્રેમ અધૂરો એ જ રીતે વિદ્યા વગરનો મનુષ્ય અધૂરો. સારાં પુસ્તકો વાંચતાં ઊંઘવાનું ભૂલી જવાય, જમવાનું પણ ભૂલી જવાય, કારણ કે એમાં જ્ઞાનનો ભંડાર અને સુખી જીવનનું રહસ્ય છુપાયેલું હોય છે. પુસ્તકોમાં કવિઓ અને સાહિત્યકારોની રચનાઓ, ધર્મગ્રંથોનું છુપાયેલું જ્ઞાન, ચિંતકોના વિચારો, જૂની-નવી કહેવતો એ બધાનો સમન્વય હોય છે. પુસ્તકો આપણને અનોખી દુનિયામાં લઈ જાય છે. ત્યાં પહોંચવાનું એક પણ દ્વાર ગુપ્ત નથી. માનવી ગમે એટલો આધુનિક બને, પણ જ્ઞાન વિના તેનું જીવન અધૂરું જ ગણાય. જ્ઞાન વિના પ્રગતિ નથી અને મુક્તિ પણ નથી. પુસ્તકો સદ્વિચારોના પ્રચારક, વિચારવાહક અને સભ્યતાની આંખ જેવાં છે છતાં લોકો પાસે એને વાંચવાનો સમય નથી. લોકો સારાં પુસ્તકો પ્રત્યે રુચિ કેળવે તો પુસ્તકોની દુનિયા એટલી વિશાળ છે કે એક જન્મ ઓછો પડે. શિક્ષણ દ્વારા માત્ર પુસ્તકિયું જ્ઞાન પ્રાપ્ત થાય છે એવું નથી, મન પણ પ્રશિક્ષિત થાય છે. શિક્ષણ સમાજને સંસ્કારિત કરવાનું ઉત્તમ માધ્યમ છે. એ માનવીને સંસ્કૃતિ સાથે જોડે છે. પુસ્તકોનું વાંચન એ માનવીના મનનો ખોરાક છે, બુદ્ધિ ખીલવવાનું ટૉનિક છે, આપણી દૃષ્ટિ વિશાળ કરવા માટેનું માર્ગદર્શક છે. વ્યક્તિવિકાસ અને નિર્દોષ આનંદ મેળવવા માટે પણ પુસ્તકો જરૂરી છે. સારાં પુસ્તકો વાંચવાથી આપણી સમાજ પ્રત્યેની દૃષ્ટિ બદલાઈ શકે છે. પુસ્તકોના વાંચન દ્વારા માહિતીના મહાસાગરમાં ડૂબકી લગાવી શકાય છે. આદિકાળથી આપણા ઋષિમુનિઓ, પંડિતો, મહાપુરુષો અને સાહિત્યકારોએ અનેક અદ્ભુત ગ્રંથોની રચના કરી છે જેમાં ધર્મ, કલા, સાહિત્ય, શિલ્પસ્થાપત્ય, આયુર્વેદ, તત્ત્વજ્ઞાન, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, જ્યોતિષ, કુદરતની કરામત અને નીતિશાસ્ત્ર જેવા અનેક વિષયોને આવરી લીધા છે જેમાં જ્ઞાનનો અને માહિતીનો અખૂટ ખજાનો ભરેલો પડ્યો છે. લૂંટાય એટલો લૂંટી લો. આ ખજાનાને કોઈ તાળું નથી અને ચોકીદાર પણ નથી. આપણાં ગામો અને શહેરોમાં જેટલું અગત્ય હૉસ્પિટલોનું છે એટલું જ પુસ્તકાલયોનું પણ છે. અમારી કંપનીના લેટરહેડ પર એક સૂત્ર અમે છાપ્યું છે, ‘ગુજરાતી ભાષા જીવશે ગુજરાતી પુસ્તકો દ્વારા.’ એવું કહેવાય છે કે જે વાંચે છે તે એક હજાર જીવન જીવે છે, જે નથી વાંચતો તે એક જ જીવન જીવે છે. તો ચાલો પુસ્તકોની દુનિયામાં.
-હેમંત ઠક્કર


